જર્મનીએ રોનાલ્ડોની ટીમને ૪-૨થી હરાવી

21 June, 2021 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોર્ટુગલની ટીમ એક મૅચમાં બે સેલ્ફ ગોલ કરનાર પહેલી ટીમ બની હતી

ક્રિસ્ટયાનો રોનાલ્ડો

જર્મનીએ યુરો કપમાં લય મેળવતાં શનિવારે રાતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન પોર્ટુગલને ૪-૨થી હરાવ્યું હતું, જેમાં હરીફ ટીમના ખેલાડીઓએ પણ મદદ કરી હતી. પોર્ટુગલની ટીમ એક મૅચમાં બે સેલ્ફ ગોલ કરનાર પહેલી ટીમ બની હતી. જર્મની પહેલી મૅચમાં ફ્રાન્સ સામે હારી ગઈ હતી. સ્ટાર ખેલાડી ક્રિસ્ટયાનો રોનાલ્ડોએ ૧૫મી મિનિટે યુરો કપમાં પોતાની ત્રીજો ગોલ કરીને પોર્ટુગલને લીડ અપાવી હતી. રોનાલ્ડોનો જર્મની સામે આ પહેલો ગોલ છે. જોકે ત્યાર બાદ ડિફેન્ડર રુબેન ડિયાસ અને રાફેલે બે સેલ્ફ ગોલ કરીને જર્મનીને ૨-૧થી લીડ મફતમાં અપાવી હતી. કાઇ હાવર્ટ્ઝ અને રૉબિન ગોસેન્સે ત્યાર બાદ અનુક્રમે ૫૧મી અને ૬૦મી મિનિટે ગોલ કરીને જર્મનીને ૪-૧થી આગળ કરી હતી. ૬૭મી મિનિટે ડિયેગો જોટાએ પોર્ટુગલ તરફથી એક ગોલ કરીને સ્કોર ૨-૪નો કર્યો, પરંતુ તેણે માત્ર હારના અંતરને ઓછું કર્યું હતું. આ જીત બાદ જર્મનીએ હવે હંગેરી સાથે રમવાનું છે તો પોર્ટુગલની ફ્રાન્સ સામે ટક્કર હશે.

સ્પેન-પોલૅન્ડ પર ડ્રૉને લીધે ખતરો

સ્પેન અને પોલૅન્ડની ઈ-ગ્રુપની મૅચ ૧-૧ને કારણે ડ્રૉ રહેતાં બન્ને ટીમ પર બહાર જવાનો ખતરો મંડરાયો છે. બન્ને ટીમની પહેલી મૅચ ડ્રૉ રહી હતી. ટુર્નામેન્ટમાં આગળ વધવા માટે બન્ને ટીમે હવે છેલ્લી મૅચ ફરજિયાત જીતવી જ પડશે. સ્પેનની સ્વીડન સામેની મૅચ પણ ૦-૦થી ડ્રૉ રહી હતી.

આજનું શેડ્યુલ

રાતે ૯.૩૦: યુક્રેન v/s ઑસ્ટ્રિયા

રાતે ૯.૩૦: નૉર્થ માર્સેડોનિયા v/s નેધરલૅન્ડ

sports sports news football germany portugal cristiano ronaldo