Tokyo Olympics: નીરજ ચોપડાનો પહેલો જ થ્રો જબરજસ્ત, ફાઈનલમાં રચશે ઇતિહાસ!

04 August, 2021 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બુધવારે ઑલિમ્પિકમાં પદાર્પણ કરતા 23 વર્ષના ચોપડાએ પોતાના પહેલા જ પ્રયત્નમાં ભાલો 86.65 મીટરના અંતરે ફેંકીને ફાઈનલ માટે ક્વૉલિફાઈ કર્યું છે અને ભારત માટે પદકની આશા જગાડી છે.

નીરજ ચોપડા

ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ ટોક્યો ઑલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધાના ગ્રુપ-એ ક્વૉલિફિકેશનમાં બુધવારે 83.50 મીટરનો સેલ્ફ ક્વૉલિફિકેશન મેળવવાની સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ભારતીય એથલિટ ટ્રેક એન્ડ ફીલ્ડ સ્પર્ધામાં પદક મેળવી શક્યો નથી. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડા આ દુકાળને ખતમ કરી શકે છે. બુધવારે ઑલિમ્પિકમાં પદાર્પણ કરતા 23 વર્ષના ચોપડાએ પોતાના પહેલા જ પ્રયત્નમાં ભાલો 86.65 મીટરના અંતરે ફેંકીને ફાઈનલ માટે ક્વૉલિફાઈ કર્યું છે અને ભારત માટે પદકની આશા જગાડી છે.

ચોપડાની ઑલિમ્પિકની તૈયારીઓ ઇજા અને કોવિડ-19 મહામારીને કારણે પ્રભાવિત થઈ હતી, પણ તેણે પોતાના પ્રશંસકોને સહેજ પણ નિરાશ કર્યો નથી અને ઑલિમ્પિકમાં પોતાના પહેલા જ થ્રો પર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

ભાલા ફેંક ગ્રુપ-એ અને ગ્રુપ-બીમાંથી 83.50 મીટરનું સેલ્ફ ક્વૉલિફિકેશન સ્તર મેળવનારા સ્પર્ધકો સહિત 12 ખેલાડી ફાઈનલમાં સ્થાન મેળવશે. ફાઈનલ 7 ઑગસ્ટના હશે.

નીરજનો અન્ય બે પ્રયત્ન ન કરવાનો નિર્ણય
એશિયન રમત, રાષ્ટ્રમંડળ રમત અને એશિયન ચેમ્પિયનશિપના સ્વર્ણપદક વિજેતા નીરજ ચોપડાએ ફાઇનલ માટે ક્વૉલિફાઈ કર્યા બાદ પોતાના અન્ય બે પ્રયત્નો ન કરવાનો નિર્ણય લીધો. ક્વૉલિફિકેશનમાં ત્રણ પ્રયત્નોની તક મળે છે. જેમાં સર્વશ્રેષ્ઠની ગણતરી થાય છે.

પૂર્વ વિશ્વ જૂનિયર ચૅમ્પિયન ચોપડા ગ્રુપ-એમાં 16 ખેલાડીઓની વચ્ચે મોખરે છે. તેમનું પર્સનલ અને સત્રનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.07 મીટર છે. જે તેણે માર્ચ 2021માં પટિયાલામાં ઇન્ડિયન ગ્રાં પ્રી 3માં બનાવ્યો હતો.

sports news sports tokyo olympics 2020