ભારતને ખેલાડીઓ પાસે રેકૉર્ડ મેડલની આશા

23 July, 2021 09:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજથી ટોક્યો ઑલિમ્પિક્સનો પ્રારંભ, છેલ્લાં ૧૦૦ વર્ષથી હૉકીને બાદ કરતાં ભારતનું પ્રદર્શન અંત્યત નબળું રહ્યું છે

ચિયર ફૉર ઇન્ડિયા : આજથી ટોક્યો ઑલિમ્પિક્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જાણીતા રેત શિલ્પકાર સુદર્શ પટનાઈકે પુરીના બીચ પર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. (તસવીરઃ પી.ટી.આઇ.)

આજથી શરૂ થતા ટોક્યો ઑલિમ્પિક્સ માટે ભારતે ૧૨૭ ખેલાડીઓને મોકલ્યા છે. લોકોને એવી આશા છે કે આ વખતે ખેલાડીઓ તમની રેકૉર્ડ મેડલની આશાને પૂર્ણ કરશે. કોરોનાના રોગચાળાના ડર વચ્ચે આ વખતે ઑલિમ્પિકનું આયોજન થયું છે. ખેલાડીઓએ છેલ્લાં પાંચ વર્ષથી તૈયારી કરી છે એથી તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઇચ્છે છે. ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન અસરકારક નથી રહ્યું. કુલ ૨૮ મેડલ પૈકી ૮ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રૉન્ઝ તો ૧૯૨૮થી ૧૯૮૦ સુધી હૉકીએ જ અપાવ્યા છે.

ટોક્યોમાં સ્ટેડિયમની બહાર મેન્સ હૉકી ટીમનો કૅપ્ટન મનપ્રીત સિંહ

૨૦૦૮માં અભિનવ બિન્દ્રાએ ૧૦ મીટર ઍર રાઇફલમાં ભારતને પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ૨૦૧૨ લંડનમાં ભારત સૌથી વધુ કુલ ૬ મેડલ જીત્યું હતું તો ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહેતાં બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ સિલ્વર અને મહિલા પહેલવાન સાક્ષી મલિક બ્રૉન્ઝ મેડલ જીતી હતી. આ વખતે ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ટાર્ગેટ ઑલિમ્પિક્સ પોડિયમના માધ્યમથી સારું માળખું તૈયાર કરવા માટે ખાસ્સી જેહમત ઉઠાવી છે.

28 - છેલ્લાં ૧૦૦ વર્ષમાં ભારતે ૯ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૨ બ્રૉન્ઝ સહિત કુલ આટલા મેડલ મેળવ્યા છે.

ગોલ્ડ જીતનારને ૭૫ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત

ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશને ગઈ કાલે જાહેરાત કરી હતી કે ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને ૭૫ લાખ રૂપિયાનું રોકડ ઇનામ અપાશે અને દરેક નૅશનલ સ્પોર્ટ ફેડરેશનને ૨૫ લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે. આ ઉપરાંત સિલ્વર મેડલ જીતનારને ૪૦ લાખ  તો બ્રૉન્ઝ જીતનારને ૨૫ લાખ રૂપિયાનું ઇનામ અપાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને એક લાખ રૂપિયા આપવામાં આવશે.

આજે ઑલિમ્પિક્સમાં ભારત

સવારે ૫.૩૦ : મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં દીપિકાકુમારી 

સવારે ૯.૩૦ : પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં અતનુ દાસ, તરુણદીપ, પ્રવીણ જાધવ

તીરંદાજ દીપિકાકુમારી પર આશા

ભારતીય તીરંદાજ આજથી રૅન્કિંગ રાઉન્ડ સાથે ટોક્યો ઑલિમ્પિક્સ અભિયાનની શરૂઆત કરશે તેમ જ ગયા ઑલિમ્પિક્સના પ્રદર્શનની કડવી યાદોને ભુલાવવા માગશે. ભલે મહિલા ટીમ ક્વૉલિફાય કરવામાં નિષ્ફળ રહી હોય; પરંતુ દીપિક કુમારી, અતનુ દાસ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની ચોકડી આ રમતમાં દેશને પહેલો મેડલ જિતાડવાની આશા સાથે ટોક્યો પહોંચી છે. આ પૈકી સૌથી વધુ આશા અતનુ દાસ અને દીપિકાની પતિ-પત્નીની જોડી પાસે છે, જે પૅરિસ વર્લ્ડ કપની મિક્સ્ડ ઇવેન્ટ જેવું જ પ્રદર્શન ટોક્યોમાં કરવા માગશે.

વર્ષ ૧૯૮૮ ગેમ્સ બાદ ભારતે આ રમતમાં ઘણાં ચૅમ્પિયન ખેલાડીઓ આપ્યા છે. જેમાં લિમ્બા રામ અને ડોલા બેનર્જી જેવા તમામ સ્તરની સ્પર્ધાઓમાં મેડલ જીત્યા છે. પરંતુ તેઓ ઑલિમ્પિક્સમાં મેડલ જીતી શક્યા નથી.

sports sports news tokyo olympics 2020