ભારતીય મહિલા હૉકી ટીમે ઇતિહાસ રચ્યો, ઑલિમ્પિકમાં પહેલી વાર સેમી ફાઇનલમાં

03 August, 2021 08:49 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-ટૂ અને ત્રણ વખતની ઑલિમ્પિક ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમને ૧-૦થી હરાવી દીધી : હવે આવતી કાલે આર્જેન્ટિના સામે ફાઇનલમાં પ્રવેશવા માટે ટક્કર

ભારતીય મહિલા હૉકી ટીમ

પ્રથમ ત્રણેય મૅચ હાર્યા બાદ ચારે બાજુથી ટીકાના વરસાદ વચ્ચે ફિનિક્સ પક્ષીની જેમ ફરી બેઠી થઈને ભારતીય મહિલા હૉકી ટીમે ગઈ કાલે ઇતિહાસ રચ્યો હતો. ગ્રુપની છેલ્લી બન્ને અને ડૂ ઑટ ડાઇ સમાન મૅચમાં જીત મેળવીને ભારતીય ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ગઈ કાલે ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને ૧-૦થી હરાવીને ઑલિમ્પિક ઇતિહાસમાં પહેલી વાર સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને દેશવાસીઓને ઝૂમતા કરી દીધા હતા. ભારતીય ટીમ વતી એ એકમાત્ર અને વિનિંગ ગોલ ગુરજિત કૌરે મૅચની ૨૨મી મિનિટે પેનલ્ટી કૉર્નર વડે કર્યો હતો.

રવિવારે ૪૯ વર્ષ બાદ પુરુષ ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં બ્રિટનને ૩-૧થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશી  દેશવાસીઓને આપેલી ખુશીને ગઈ કાલે મહિલા ટીમે બમણી કરી દીધી હતી.

ઑસ્ટ્રેલિયાની ટીમનું ડિફેન્સ આ ઑલિમ્પિકમાં સૌથી મજબૂત રહ્યું હતું. ગ્રુપ-સ્ટેજની પાંચ મૅચમાં ટીમે ૧૩ ગોલ કર્યા હતા અને તેમની સાથે માત્ર એક જ ગોલ થયો હતો, જ્યારે ભારતીય ટીમ સામે ૧૪ ગોલ થયા હતા અને તેમણે ફક્ત સાત જ ગોલ કર્યા હતા. આમ ભારતે તેમનું ડિફેન્સ મજબૂત કરવા ઉપરાંત ઑસ્ટ્રેલિયાના મજબૂત ડિફેન્સમાં ગાબડું પાડીને કમાલ કરી હતી.

રિયોમાં ૧૨ નંબરે રહી હતી

ભારતીય મહિલા હૉકી ટીમે ૧૯૮૦માં પહેલી વાર ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો ત્યારે સેમી ફાઇનલનું ફૉર્મેટ નહોતું. ગ્રુપ-સ્ટેજમાં ત્યાર બાદ સૌથી વધારે પૉઇન્ટ મેળવનાર બે ટીમ વચ્ચે સીધી ફાઇનલ રમાતી હતી. ભારતીય ટીમ ત્યારે તેના ૬ ટીમના ગ્રુપમાં ચોથા નંબરે રહી હતી. જ્યારે છેલ્લે ૨૦૧૬માં રિયો ઑલિમ્પિકમાં ભારતીય ટીમ છેક ૧૨મા નંબરે રહી હતી. ટીમે એ નામોશીને ભૂલીને કમાલના પર્ફોર્મન્સ સાથે આ વખતે ટૉપ ફોરમાં પ્રવેશ કરીને બધાને ચોંકાદી દીધા છે.

કૅપ્ટનને ગર્વ છે ટીમ પર

ટીમની કમાલ પર ગર્વ વ્યક્ત કરતાં કૅપ્ટન રાની રામપાલે કહ્યું હતું કે ‘ટીમ અને દરેક ખેલાડી પર મને સુપર પ્રાઉડ છે. મૅચ પહેલાં અમે એકબીજાને એક જ વાત કરી હતી કે સેમી ફાઇનલ કે ફાઇનલનો વિચાર કર્યા વગર તમારું બધું જ ઝોંકી દો આ મૅચમાં અને પછી જોઈશું શું થાય છે. અમે ફક્ત આ ૬૦ મિનિટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બધી જ શક્તિ લગાવી દીધી હતી. જીત બાદ થોડો સમય તો અમને વિશ્વાસ જ નહોતો થતો. એમ જ લાગતું હતું અમે સપનું જોઈ રહ્યા છીએ.’

ખેલ પ્રધાન અનુરાગ ઠાકુર, ભૂતપૂર્વ ખેલ પ્રધાન કિરેન રિજિજુ, સ્મૃતિ ઈરાની સહિત અનેક મહાનુભાવોએ ટીમને ટ્વીટ કરીને શુભેચ્છા આપી હતી. શાહરુખ ખાન સહિત અનેક ફિલ્મસ્ટારોએ પણ શુભેચ્છા ઉપરાંત ગોલ્ડ મેડલ લઈ આવવાનું કહ્યું હતું.

આવતી કાલે આર્જેન્ટિના સામે જંગ

ભારતીય ટીમ કાલે સેમી ફાઇનલમાં આર્જેન્ટિના સામે રમશે. આર્જેન્ટિનાએ ક્વૉર્ટર ફાઇનલમાં જર્મનીને ૩-૦થી પછાડીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ગુરજિતના પરિવારે મીઠાઈ વહેંચી

ભારતની આ જીતની સ્ટાર ગુરજિત કૌરનો અમ્રિતસર રહેતો પરિવાર મૅચ બાદ ગુરુદ્વારામાં વાહે ગુરુનો આભાર માનવા ગયો હતો‍. ત્યાર બાદ તેમણે તેમના વિસ્તારમાં મીઠાઈ વહેંચીને પુત્રીના પરાક્રમનું સેલિબ્રેશન કર્યું હતું.

રીલ સ્ટોરી બની રિયલ સ્ટોરી, લોકોએ ‘ચક દે ઇન્ડિયા’ને યાદ કરી

કમાલના કમબૅકને લીધે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ભારતીય મહિલા હૉકી ટીમ અને તેનો કોચ જોર્ડ મારિજ્‍ને છવાયેલા રહ્યાં હતાં. લોકોએ કોચને ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મમાં હૉકી ટીમના કોચની ભૂમિકા ભજવનાર શાહરુખ ખાન સાથે સરખાવ્યો હતો. કોચે ભારતીય ટીમ સાથેનો સેલ્ફી શૅર પોસ્ટ કરીને સાથે લખ્યું હતું,

‘સૉરી ફૅમિલી, અમે થોડા મોડા પાછા આવીશું.’

પહેલી ત્રણેય મૅચમાં નામોશીભર્યા પરાજય બાદ ભારતીય ટીમનું નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મુશ્કેલ લાગી રહ્યો હતો, પણ રાની રામપાલ ઍન્ડ કંપનીએ સૉલિડ કમબૅક કરીને ઇતિહાસ રચ્યો હતો. ટીમના આ કમબૅકનું શ્રેય કોચ જોર્ડ મારિજ્‍ને આપવામાં આવી રહ્યું છે. કોચે જ નિરાશાજનક સ્થિતિમાં ટીમને કમબૅક માટે માનસિક રીતે તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોચે ‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મની જેમ મૅચના એક દિવસ પહેલાં ટીમ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરીને ટીમને મોટિવેટ કરી હતી.

કોચે ટીમને કહ્યું હતું કે તમે એ નહીં વિચારો કે ઑસ્ટ્રેલિયા ટીમ કેટલી મજબૂત છે. ઑસ્ટ્રેલિયાની સ્ટ્રૉન્ગ અને કમજોર બાબતો પર ધ્યાન આપવાને બદલે એ વિચારો કે તમે શું કરી શકો છો. તમે આયરલૅન્ડ ટીમને હરાવી હતી જે ગઈ ઑલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચી હતી. પછી સાઉથ આફ્રિકાને પણ હરાવી હતી. જીતનું મોમેન્ટ તમારી સાથે છે. આ મૅચમાં ઑસ્ટ્રેલિયા દબાણમાં હશે.’

કોચે મહિલા હૉકી પર બનેલી સૌથી સફળ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ જોઈ છે. તેમણે બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે જ્યારથી હું ટીમ સાથે જોડાયો છું ત્યારથી હું મારા અનુભવ નિરંતર લખી રહ્યો છું. મને ઉમ્મીદ છે કે મારો પણ ‘ચક દે’ મોમેન્ટ આપશે અને આપણી ટીમ ઐતિહાસિક સફળતા મેળવશે.

નવાઈની વાત છે કે બે જ તેમના માટે ઑસ્ટ્રેલિયા સામે જીત સાથે પહેલો ‘ચક દે’ મોમેન્ટ આવી ગયો‍.

શું ભારતીય હૉકીનો ગોલ્ડન યુગ પાછો આવી રહ્યો છે?

બે દિવસમા બે મોટા સુખદ સમાચારને લીધે આજકાલ બધાને મનમાં એક જ સવાલ છે કે શું ભારતીય હૉકીનો ગોલ્ડન યુગ પાછો આવી રહ્યો છે? એક સમયે ભારતીય પુરુષ ટીમનો ઑલિમ્પિકમાં ભારે દબદબો હતો. સતત સાત ઑલિમ્પિક સહિત રેકૉર્ડ ગોલ્ડ મેડલ જીત્યા હતા. પણ ત્યાર બાદ મૉડર્ન યુગમાં બીજા દેશો વધુ તૈયારી સાથે મેદાનમાં ઊતરતા થતાં ભારતીય હૉકીના બેહાલ થયા હતા. ગ્રુપમાં એકાદ-બે જીત સિવાય ટીમ ક્યારેય આગળ નહોતી આવતી, પણ આ વખતે યુવા ટૅલન્ટેડ ખેલાડીઓના જોશને લીધે બધાને કંઈક ચમત્કારની આશા હતી અને પુરુષ ટીમે રવિવારે ૪૯ વર્ષે સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કર્યા બાદ હવે ગઈ કાલે મહિલા ટીમે પણ ટુર્નામેન્ટમાં ખરાબ શરૂઆત કર્યા છતાં શાનદાર કમબૅક સાથે ગઈ કાલે ત્રણ વખતની ઑલિમ્પિક વિજેતા ઑસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વાર સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને ધમાલ મચાવી હતી.

સેહવાગની અનોખી શુભેચ્છા

ભારતીય ટીમ પર તેમની કમાલ બદલ દેશભરમાંથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ક્રિકેટરો પણ દેશની મહિલાઓના આ ઐતિહાસિક પરાક્રમ બદલ તેમને બિરદાવવામાં પાછળ નહોતા રહ્યા. સોશ્યલ મીડિયામાં હટકે કમેન્ટ માટે જાણીતા વીરેન્દર સેહવાગે ટ્વીટમાં લખ્યું હતું કે ‘આટલી બધી ખુશી ભાગ્યે જ કોઈ જીતમાં મળી હશે. એકદમ શાનદાર ક્ષણ. ગર્વથી છાતી ફુલાઈ ગઈ છે. ચક દે ઇન્ડિયા’.

સેહવાગે બીજી એક ટ્વીટમાં થોડા સમય પહેલાં ઑસ્ટ્રેલિયન ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર વિજયને યાદ કર્યો હતો અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન લૅન્ગરનો ફોટો શૅર કરીને લખ્યું હતું, ક્યારેય પણ ક્યારેય પણ ભારતીયોને આંકી નથી શકાતા.’

sports sports news tokyo olympics 2020 hockey