Tokyo Olympics 2020: જાણો ગઈકાલે શું બન્યું

04 August, 2021 12:17 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હશે ઑલિમ્પિકના પ્લેયરો; ભાલાફેંકમાં અનુ રાની ૧૪મા નંબરે; પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ તોડી ગોલ્ડ જીત્યો વૉરહોમ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હશે ઑલિમ્પિકના પ્લેયરો

૧૫મી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કિલ્લા પરથી તેમના સળંગ આઠમા સંબોધન વખતે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ટોક્યો ઑલિમ્પિકમાં સામેલ દરેકને આમંત્રણ આપશે. આ ઉપરાંત વડા પ્રધાનના નિવાસસ્થાને ભોજનનું પણ આયોજન કરવામાં આવશે.

ટોક્યોમાં ૧૨૦ ખેલાડી ઉપરાંત અન્ય સ્ટાફ સાથે કુલ ૨૨૮ લોકોની ટીમ સામેલ થઈ હતી.

આ ઑલિમ્પિક દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અવારનવાર ટીમને પ્રોત્સાહિત કરવા મેસેજ મોકલ્યા હતા અને અમુક સાથે ફોન પર વાત પણ કરી હતી.

 

તેજિન્દરપાલ સિંહે પણ ન બતાવ્યું કોઈ તેજ

ભારતીય શૉર્ટપૂટ ખેલાડી તેજિન્દરપાલ સિંહ કોઈ કમાલ નહોતો કરી શક્યો અને ૧૩મા નંબરે રહેતાં ફાઇનલ રાઉન્ડ માટે ક્વૉલિફાય નહોતો કરી શક્યો. તેજિન્દરે ૧૯.૯૯ મીટરના થ્રો સાથે શરૂઆત કરી હતી, પણ બાકીના બન્ને પ્રયાસમાં ડિક્વૉલિફાય થતાં તેના ફાઇનલ રાઉન્ડમાં પહોંચવાના દરવાજા બંધ થઈ ગયા હતા. ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ માટે ૨૧.૨૦ મીટરનો થ્રો અથવા બન્ને ગ્રુપના મળીને ટૉપ ટ્વેલમાં રહેવું જરૂરી હોય છે.

 

છેલ્લી ફક્ત ૩૫ સેકન્ડ બાકી હતી ત્યારે રેસલર સોનમને તેની ગફલત ભારે પડી

ઑલિમ્પિકમાં પહેલી વાર રમી રહેલી ૧૮ વર્ષની યુવા ભારતીય રેસલર સોનમ મલિક પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગઈ હતી. ૬૨ કિલોગ્રામની કૅટેગરીમાં સોનમ મૉન્ગોલિયાના બોલોરતુયા ખુરેલખુ સામે હારી ગઈ હતી. સોનમે ૨-૦થી લીડ લઈ લીધી હતી, બોલોરતુયાએ ૩૫ સેકન્ડ બાકી હતી ત્યારે ઝપાટો બોલાવીને બે પૉઇન્ટ મેળવીને સ્કોર ૨-૨થી બરોબર કરી લીધો હતો. બાઉટના અંતે સ્કોરે ૨-૨થી બરોબર રહ્યો હતો, પણ નિયમ પ્રમાણે છેલ્લો પૉઇન્ટ બોલોરતુયાએ મેળવ્યો હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ૨૦૧૭ અને ૨૦૧૯માં કૅડેટ વર્લ્ડ ચૅમ્પિયન સોનમે એપ્રિલમાં એશિયલ ક્વૉલિફાયરની ફાઇનલમાં પ્રવેશ કરીને ટોક્યોની ટિકિટ કન્ફર્મ કરી હતી. હવે જો બોલોરતુયા ફાઇનલમાં પહોંચશે તો સોનમને બ્રૉન્ઝ મેડલ માટે ઉમેદવારી નોંધાવવા રેપેચાજ રાઉન્ડનો મોકો મળશે.

 

ભાલાફેંકમાં અનુ રાની ૧૪મા નંબરે

ગઈ કાલના ભારત માટે નિરાશાજનક દિવસે ભાલાફેંક સ્પધામાંથી પણ સારા સમાચાર નહોતા આવ્યા. અનુ રાની ૫૪.૦૪ મીટરના નિરાશાજનક પર્ફોર્મન્સ સાથે ૧૪મા અને છેલ્લા નંબરે રહી હતી. ૨૯ વર્ષની અનુએ ટૉપ ટ્વેલમાં જગ્યા બનાવવા બેસ્ટ પર્ફોર્મન્સની જરૂર હતી, પણ એ તેના ૬૩ મીટરના ક્વૉલિફિકેશન માર્ક તથા તેના બેસ્ટ પર્ફોર્મન્સ ૬૩.૨૪ની નજીક પણ નહોતી પહોંચી શકી.

 

સિંધુનું ભવ્ય સ્વાગત અને સન્માન

ટોક્યોમાં બૅડ્મિન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચીને ભારત પાછી ફરેલી પી. વી. સિંધુ ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર હજારો ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે તેનું અને તેના કોચનું જાયન્ટ સાઇઝના બ્રૉન્ઝ મેડલની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. અનુરાગ ઠાકુરે સિંધુને દેશની ગ્રેટેસ્ટ સ્પોર્ટિંગ આઇકન અને ઑલિમ્પિયન ગણાવી હતી.

 

પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ તોડી ગોલ્ડ જીત્યો, વૉરહોમે ટીશર્ટ ફાડીને કર્યું સેલિબ્રેશન

નૉર્વેનો દોડવીર કર્સ્ટન વૉરહોમ ૪૦૦ મીટરની હર્ડલ રેસ ૪૫.૯૪ સેકન્ડમાં જીતીને પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અપેક્ષા પ્રમાણે જ રેસ ખૂબ રસાકસીભરી રહી હતી અને વર્લ્ડ ચૅમ્પિયન વૉરહોમે નામના પ્રમાણે જ પર્ફોર્મ કરીને નવો વર્લ્ડ રેૉર્ડ રચીને ચાહકોને ખુશ કરી દીધા હતા. ૨૫ વર્ષના વૉરહોમે ગયા મહિને ઑસ્લોમાં બનાવેલો વર્લ્ડ રેકૉર્ડ ૦.૮ સેકન્ડના સુધારા સાથે તોડી નાખ્યો હતો. આ તીવ્ર હરીફાઈમાં જીત બાદ ખુશખુશાલ વૉરહોમે પોતાનું ટીશર્ટ ફાડીને જબરદસ્ત ખુશી મનાવી હતી.

 

ઑસ્ટ્રેલિયાને પ્લમ્બરે અપાવ્યો ૩૩ વર્ષ બાદ બૉક્સિંગમાં મેડલ

ઑસ્ટ્રેલિયાના હૅરી ગૅરસાઇડે લાઇટવેઇટ બૉક્સિંગ મુકાબલામાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને મેડલ પાક્કો કરી લીધો હતો. સેમી ફાઇનલમાં તે હારશે તો પણ તેનો બ્રૉન્ઝ પાક્કો થઈ ગયો છે. આ સાથે ૩૩ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાએ આ રમતમાં પહેલો મેડલ મેળવ્યો હતો. ગૅરસાઇડ સર્ટિફાઇડ પ્લમ્બર છે.

 

મેક્સિકોને હરાવીને બ્રાઝિલ ફુટબૉલની ફાઇનલમાં

બ્રાઝિલ મેન્સ ફુટબૉલની ફાઇનલમાં પહોંચી ગયું છે. સેમી ફાઇનલમાં તેણે મેક્સિકોને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૧થી હરાવ્યું હતું. ફાઇનલમાં હવે બ્રાઝિલનો સામનો યજમાન જપાન અથવા સ્પેન સામે થશે. ફાઇનલ શનિવારે રમાશે.

 

સિમોને બ્રૉન્ઝ જીત્યા બાદ કહ્યું, ‘આ મેડલ હું મારા માટે જીતી છું’

અમેરિકન લેજન્ડ જિમ્નૅસ્ટ ગઈ કાલે આખરે પહેલી વાર ટોક્યો ઑલિમ્પિકમાં મેદાનમાં ઊતરી હતી.  સિમોન બાઇલ્સ માનસિક તાણ અને અન્ય કારણસર પાંચ-પાંચ ફાઇનલ્સમાંથી હટી ગયા બાદ ગઈ કાલે તેણે જિમ્નૅસ્ટિક સ્પર્ધાની છેલ્લી બીમ ફાઇનલમાં ઝલક બતાવી હતી અને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ગોલ્ડ અને સિલ્વર મેડલ ચીનની ખેલાડીઓ જીતી હતી. મેડલ જીત્યા બાદ સિમોને કહ્યું કે, પરિણામ કરતાં મને હું પર્ફોર્મ કરી શકી એની ખુશી છે. આ મેડલ હું મારા માટે જીતી છું અને વધુ એક વાર પર્ફોર્મ કરવા મને મને મારી જાત પર ગર્વ છે.’

 

આજે ઑલિમ્પિક્સમાં ભારત

ઍથ્લેટિક

પુરુષોના જૅવલિન થ્રો ક્વૉલિફિકેશન ગ્રુપ-‘એ’માં નીરજ ચોપડા :  સવારે ૫.૩૫ વાગ્યે

પુરુષોના જૅવલિન થ્રો ક્વૉલિફિકેશન ગ્રુપ-‘બી’માં શિવપાલ સિંહ :  સવારે ૭.૦૫ વાગ્યે

બૉક્સિંગ

મહિલાઓની ૬૯ કિલોગ્રામ કૅટેગરીની સેમી ફાઇનલમાં લવલિના બોર્ગોહેઇન વિરુદ્ધ બુસેનાઝ સુરમેનેલી (ટર્કી) : સવારે ૭ વાગ્યે

હૉકી

મહિલાઓની સેમી ફાઇનલમાં ભારત વિરુદ્ધ આર્જેન્ટિના : બપોરે ૩.૩૦ વાગ્યે

રેસલિંગ

મહિલાઓની ફ્રીસ્ટાઇલ ૫૭ કિલોગ્રામ કૅટેગરીના પાંચમા બાઉટમાં અંશુ મલિક વિરુદ્ધ ઇરિના ખુરાચકિના (બેલારસ) : સવારે ૮ વાગ્યા પછી

પુરુષોની ફ્રીસ્ટાઇલ ૫૭ કિલોગ્રામ કૅટેગરીમાં ચોથા બાઉટમાં રવિ કુમાર વિરુદ્ધ ટીગ્રેરોસ  (કોલમ્બિયા) : સવારે ૮ વાગ્યા પછી

પુરુષોની ફ્રીસ્ટાઇલ ૮૬ કિલોગ્રામ કૅટેગરીમાં આઠમા બાઉટમાં દીપક પુનિયા વિરુદ્ધ એકેરેકેમી અગિયોમોર (નાઇજિરિયા) : સવારે ૮ વાગ્યા પછી

ગોલ્ફ

મહિલાઓની ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રોકપ્લે રાઉન્ડ-વનમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર : સવારે ૪ વાગ્યે

sports sports news tokyo tokyo olympics 2020