Tokyo Olympics 2020: ગઈ કાલનો દિવસ ભારત અને અન્ય દેશ માટે કેવો રહ્યો

01 August, 2021 03:15 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

સિંધુ સેમીમાં હારી ગઈ; ડિસ્ક્સ-થ્રોમાં કમલપ્રીત ફાઇનલમાં, પુનિયા આઉટ અને અન્ય સમાચાર

તિરંગો માસ્ક પહેરીને સિંધુની મૅચ માણી રહેલો ભારતીય ચાહક તેની હારને લીધે ભારે નિરાશ થયો હતો

સિંધુ સેમીમાં હારી ગઈ, આજે બ્રૉન્ઝ માટે જંગ

ભારતીય સ્ટાર ચાઇનીઝ તાઇવાનની નંબર-વન ખેલાડી સામે ૧૮-૨૧, ૧૨-૨૧થી હારી ગઈ, ત્રીજા સ્થાન માટે આજે ચીની ખેલાડી સામે ટક્કર

મહિલા બૅડ્મિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સની કમાલ ટોક્યોમાં કરવામાં સફળ નહોતી શઈ શકી. રિયોમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુ ગઈ કાલે સેમી ફાઇનલમાં ચાઇનીઝ તાઇવાનની નંબર-વન ખેલાડી અને તેની કટ્ટર હરીફ તાઇ ત્ઝુ યિન્ગ સામે ૧૮-૨૧, ૧૨-૨૧થી સીધા સેટમાં માત્ર ૪૦ મિનિટમાં હારતાં કરોડો ભારતીયોનાં દિલ તૂટી ગયાં હતાં.

તાઇવાન ખેલાડી હંમેશાં સિંધુ પર હાવી રહી હતી અને બન્ને વચ્ચેની આ ૧૯મી ટક્કરમાં તેનો આ ૧૪મો વિજય હતો.

ગોલ્ડનું સપનું તૂટી ગયા બાદ સિંધુએ હવે આજે સંપૂર્ણ જોર બ્રૉન્ઝ મેડલ જીતવા પર લગાવી દેવું પડશે. સેમી ફાઇનલમાં હારેલી બન્ને ખેલાડીઓ વચ્ચે બ્રૉન્ઝ મેડલ માટેના જંગમાં સિંધુની ટક્કર ચીનની ખેલાડી હી બિન્ગ જિયાઓ સામે થશે.

 

ડિસ્ક્સ-થ્રોમાં કમલપ્રીત ફાઇનલમાં, પુનિયા આઉટ

મહિલા ડિસ્ક્સસ થ્રોમાં ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભારતની કમલપ્રીત કૌર ૬૪ મીટર થ્રો કરીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જ્યારે અન્ય ભારતીય ખેલાડી સીમા પુનિયા ૬૦.૫૭ મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી.

કમલપ્રીત પહેલા પ્રયાસમાં ૬૦.૨૯ મીટર, બીજા પ્રયાસમાં ૬૩.૯૭ અને ત્રીજા પ્રયાસમાં ૬૪ મીટર દૂર થ્રો કરીને ગ્રુપ-‘બી’માં બીજા નંબરે રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ હતી. નંબર-વન પર રહેલી અમેરિકાની ખેલાડીએ ૬૬.૪૨ મીટરનો થ્રો કર્યો હતો. ગ્રુપ-‘એ’માં પણ કોઈ ખેલાડી ૬૪ મીટરનો આંકડો પાર નહોતી કરી શકી હોવાથી ઓવરઑલ કમલપ્રીત બીજા નંબરે રહેતાં ભારતને તેની પાસેથી એક મેડલની આશા જાગી છે.

હવે ફાઇનલ આવતી કાલે રમાશે.

 

અતનુ દાસે પણ નિરાશ કર્યા

સાઉથ કોરિયાના અને બે વાર ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ઓહ જીન હ્યેકને હરાવીને મોટો અસપેટ સર્જીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર અતનુ દાસે પણ ભારતવાસીઓને નિરાશ કર્યા છે. અતનુ દાસ ગઈ કાલે જપાનના તાકાહારુ ફુરુકાવા સામે ૪-૬થી હારી ગયો હતો.

 

પૂજા રાની ક્વૉર્ટરમાં ફસડાઈ

પહેલી વાર ઑલિમ્પિક્સમાં રમી રહેલી મહિલા બૉક્સર પૂજા રાની ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને રિયો ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ચીનની લી ક્યુઆન સામે ૦-૫થી હારી ગઈ હતી.

 

વર્લ્ડ નંબર વન અમિત પાંઘલ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જ આઉટ

ભારતને ગઈ કાલે સૌથી મોટો ધક્કો લાગ્યો હતો. મેડલ માટે જેની પાસેથી ૧૦૦ ટકા ખાતરી હતી એ બાવન કિલોગ્રામ કૅટેગરીમાં વર્લ્ડ નંબર વન બૉક્સર અમિત પાંઘલ ગઈ કાલે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયો છે. પહેલી વાર ઑલિમ્પિકમાં રમી રહેલા અને ટૉપ સીડેડ અમિત પાંઘલને બાવન ક્રિલોગ્રામ કૅટેગરીમાં પહેલા રાઉન્ડમાં બાય મળી, પણ ગઈ કાલે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કોલમ્બિયાના અને ૨૦૧૬માં રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા યુબેર્જન માર્ટિનેઝ સામે ૧-૪થી આઘાતજનક રીતે હારી ગયો હતો.

સમગ્ર ફાઇટ દરમ્યાન માર્ટિનેઝ અમિત પર હાવી રહ્યો હતો. જોકે અમિતે શરૂઆત સારી કરી હતી અને પહેલો રાઉન્ડ ૨૯-૨૮થી જીતી લીધો હતો, પણ ત્યાર બાદ તેણે લય ગુમાવી દીધો હતો અને બાકીના ચારેચાર રાઉન્ડ ૨૭-૨૯, ૨૭-૩૦, ૨૮-૨૯ અને ૨૮-૨૯થી ગુમાવી બેઠો હતો અને ૧-૪થી હારીને બહાર થઈ ગયો હતો.

અમિત હાલમાં બાવન કિલોગ્રામ કૅટેગરીમાં દુનિયાનો નંબર વન બૉક્સર છે. નંબર વન રૅન્ક સાથે ઑલિમ્પિકમાં જનાર અમિત ભારતનો પહેલો ખેલાડી બન્યો હતો. અમિતે ૨૦૧૯માં વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત તે ૨૦૧૮માં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને ૨૦૨૦માં બૉક્સિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ શાનદાર પર્ફોર્મન્સને લીધે જ ભારતીયોને તેની પાસેથી મેડલની આશા હતી.

 

નંબર વન જૉકોવિચ ખાલી હાથ ઘરભેગો

સર્બિયાના ટોચના ખેલાડીએ બ્રૉન્ઝ મેડલ માટેના જંગમાં હાર દરમ્યાન અનેક વાર પોતાના રૅકેટ પર ગુસ્સો ઉતાર્યો હતો. ત્યાર બાદ ખભાની ઇન્જરીને લીધે એક મિક્સ્ડ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ માટેની ટક્કરમાંથી પણ ખસી જતાં તેણે હવે ખાલી હાથ ઘરે જવાનો વારો આવ્યો છે.

વર્લ્ડ નંબર વન મેન્સ સિંગલ્સ ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જૉકોવિચે ખાલી હાથે ઘરભેગા થવાની નામોશી જોવી પડી છે. જૉકોવિચ આ વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ત્રણેય ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો છે અને તે હવે છેલ્લી યુએસ ઓપન તથા ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન ગ્રૅન્ડ સ્લૅમની અનોખી સિદ્ધિ સાથે ઇતિહાસ રચવા ટોક્યો ગયો હતો. જોકે શુક્રવારે સેમી ફાઇનલમાં હાર્યા બાદ ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ માટેનો જંગ પણ સ્પેનના પાબ્લો કૅરેનો બુસ્ટા સામે ૪-૬, ૭-૬, ૩-૬થી હારી ગયો હતો. મૅચ દરમ્યાન જૉકોવિચે અનેક વાર તેનો પિત્તો ગુમાવ્યો હતો અને રૅકેટ ફેંકી દઈને તોડી નાખ્યું હતું. તેની આ વર્તણૂક બદલ તેને અમ્પાયર તરફથી વૉર્નિંગ પણ મળી હતી.

જૉકોવિચ મિક્સ્ડ ડબલ્સની સેમી ફાઇનલમાં પણ હારી ગયો હતો અને એમાં પણ બ્રૉન્ઝ મેડલ માટે કોર્ટમાં ઊતરવાનું હતું, પણ ખભાની ઈજાને લીધે તે ખસી ગયો હતો. આમ વર્લ્ડ નંબર વન જૉકોવિચ ઇતિહાસ રચવા ટોક્યો આવ્યો હતો, પણ ખાલી હાથે ઘરે જવાની નામોશી વહોરવી પડી હતી. સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં મળીને ચાર દિવસમાં તે કુલ ૧૬ સેટ રમ્યો હતતો અને એના થાકની અસર જ તેના પર્ફોર્મન્સમાં અને મગજ પર ગઈ કાલે જોવા મળી હતી.

 

વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર ચીનનો આ ખેલાડી સૌથી મોટો

ચીનના ખેલાડીઓએ આ ટોક્યો ગેમ્સમાં દબદબો જાળવી રાખતાં ગઈ કાલે ૮૧ કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં લીઉ ઝિયાઓજુને કુલ ૩૭૪ કિલોગ્રામ વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે સ્નૅચમાં ૧૭૦ કિલોગ્રામ અને ક્લીન ઍન્ડ જર્કમાં ૨૦૪ કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. લીઉ ૩૭ વર્ષની ઉંમરે ગોલ્ડ જીતીને વેઇટલિફ્ટિંગમાં આવી કમાલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો.

 

ટેનિસમાં મહિલા સિંગલ્સનો ગોલ્ડ જીતી સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિસ

ટેનિસમાં મહિલા સિંગલ્સનો ગોલ્ડ સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિસે જીતી લીધો છે. ૧૨મા ક્રમાંકિત બેન્સિસે ફાઇનલમાં ચેક રિપબ્લિકની માર્કેટા વૉન્ડ્રોઉસોવાને ત્રણ સેટના સંઘર્ષમાં ૭-૫, ૨-૬, ૬-૩થી હરાવી હતી. બેન્સિસ વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પણ પહોંચી ગઈ હોવાથી ડબલ ગોલ્ડ જીતવાનો પણ મોકો છે.

 

૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં ડ્રેસેલ પોતાનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

અમેરિકન સ્ટાર સ્વિમર સેઇલેબ ડ્રેસેલે તેનો શાનદાર પર્ફોર્મન્સ જાળવી રાખતાં ગઈ કાલે ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો ઑલિમ્પિકમાં આ તેનો ત્રીજો ગોલ્ડ મેડલ હતો. બે વખતના વર્લ્ડ ચૅમ્પિયને આ રેસ નવા રેકૉર્ડ ટાઇમ ૪૯.૪૫ સેકન્ડમાં પૂરી કરીને ૨૦૧૯માં બનાવેલો ૪૯.૫૦ સેન્કડનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

 

કોરોના પ્રોટોકોલના ભંગ બદલ પ્રથમ હકાલપટ્ટી

ધ ટોક્યો ઑલિમ્પિક્સ ઑર્ગેનાઇઝિંગ કમિટીએ ગઈ કાલે કોવિડ-19 પ્રોટોકોલને ભંગ કરવા બદલ રમત સાથે સંકળાયેલી એક વ્યક્તિનું એક્રિડિટેશન રદ કરવામાં આવ્યું હતું. અહેવાલ પ્રમાણે એ માણસ ઍથ્લેટિક્સ વિલેજની બહાર સાઇટ સીઇંગ માટે ગયો હતો. ટોક્યો  ગેમ્સમાં આ પ્રકારનો આ પહેલો જ બનાવ હતો.

sports sports news tokyo olympics 2020