Tokyo Olympics 2020: જાણો ગઈ કાલનો દિવસ કેવો રહ્યો

03 August, 2021 11:29 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ભારતનો ઘોડેસવાર ૨૩મા નંબરે; કમલપ્રીત ન કરી શકી ફાઇનલમાં કમાલ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ભારતનો ઘોડેસવાર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યા બાદ રહ્યો ૨૩મા નંબરે

અર્શ્વારોહણ સ્પર્ધામાં ભારતના ઘોડેસવાર ફૌઆદ મિર્ઝાએ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટની જમ્પિંગ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. આવી કમાલ કરનાર તે ભારતનો પ્રથમ ઘોડેસવાર બન્યો હતો. બૅન્ગલોરનો ૨૯ વર્ષનો ઘોડેસવાર ફૌઆદ મિર્ઝા ક્વૉલિફાઇંગ ઇવેન્ટમાં ટૉપ ૨૫ ઘોડેસવારોમાં જળવાઈને ફાઇનલમાં પ્રવેશ્યો, પણ ફાઇનલ રાઉન્ડમાં તે ૨૩મા નંબરે રહ્યો હતો. છેલ્લા બે દાયકામાં ઑલિમ્પિક્માં અર્શ્વારોહણ સ્પર્ધામાં ભાગ લેનાર ફૌઆદ મિર્ઝા પહેલો ભારતીય છે. છેલ્લે ૨૦૦૦માં સિડની ઑલિમ્પિકમાં ભારત વતી ઇમ્તિયાઝ અનીસ ક્વૉલિફાય થયો હતો.

 

કમલપ્રીત ન કરી શકી ફાઇનલમાં કમાલ, ૬૩.૭૦ મીટરના થ્રો સાથે રહી છઠ્ઠા નંબરે

ડિસ્ક્સ થ્રો ખેલાડી કમલપ્રીત કૌર તેના પ્રથમ ઑલિમ્પિકમાં કમાલનું પર્ફોર્મ કર્યું હતું, પણ દેશ માટે કોઈ મેડલ નહોતી જીતી શકી. ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર પર્ફોર્મન્સ સાથે બીજા નંબરે રહેતા દેશવાસીઓને તેની પાસેથી મેડલની આશા હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી ફાઇનલમાં તે ૬૩.૭૦ મીટરના થ્રો સાથે છઠ્ઠા નંબરે રહી હતી. ૬૮.૯૮ મીટર સાથે અમેરિકન ખેલાડીએ ગોલ્ડ, ૬૬.૮૬ મીટર

સાથે જર્મની ખેલાડીએ સિલ્વર અને ૬૫.૭૨ મીટર સાથે ક્યુબાની હાલની વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીએ બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

 

સીઝનના બેસ્ટ પર્ફોર્મન્સ છતાં દુતી ચંદ છેલ્લા નંબરે

ભારતની સ્ટાર દોડવીર દુતી ચંદ ૨૦૦ મીટરની રેસમાં સીઝનનો બેસ્ટ પર્ફોર્મન્સ કર્યા છતાં છેલ્લા નંબરે રહેતાં સેમી ફાઇનલમાં ક્વૉલિફાય નહોતી થઈ શકી.

૨૫ વર્ષની દુતી તેની ફેવરિટ ઇવેન્ટ ૧૦૦ મીટરની રેસમાં પણ પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. દુતી ચંદ ૨૩.૮૫ સેકન્ડના સમય સાથે સાતમા ક્રમાંકે રહી હતી. એ રેસમાં ટૉપના  ત્રણ ફાઇનલમાં અને ચોથાથી છઠ્ઠા ક્રમાંકે રહેનાર સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થતા હોય છે. કુલ ૪૧ સ્પર્ધકોમાં ૩૮મા નંબરે રહેતાં તેને માટે બીજી ઑલિમ્પિક પણ નિરાશાજનક રહી હતી.

 

ગોપી સરે અભિનંદન આપ્યાં, પણ સાઇનાએ નહીં: સિંધુ

રવિવારે બ્રૉન્ઝ મેડલ સાથે પી. વી. સિંધુ સતત બે ઑલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેના આ પરાક્રમ બદલ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત અનેક મહાનુભાવોએ તેને શુભેચ્છા આપી હતી. ગઈ કાલે તેને નૅશનલ કોચ ગોપીચંદ અને અન્ય ભારતીય સ્ટાર સાઇના નેહવાલે અભિનંદન આપ્યાં કે નહીં એના જવાબમાં તેણે કહ્યું કે ‘અફ કોર્સ, ગોપી સરે મને અભિનંદન આપ્યાં હતાં. સોશ્યલ મીડિયા મેં હજી ચેક નથી કર્યું. ધીમે-ધીમે બધાને રિપ્લાય કરી રહી છું.’

સિંધુને પૂછતાં તેણે કહ્યું કે ‘ગોપી સરે મને મેસેજ મોકલ્યો છે. સાઇનાએ નહીં. અમે વધુ વાતચીત ન કરતા હોવાથી કદાચ.’

ગયા વર્ષે કોરોના મહામારી દરમ્યાન તે લંડનમાં ત્રણેક મહિના ટ્રેઇનિંગ માટે ગઈ ત્યારે સિંધુ અને ગોપીચંદ વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા ચગી હતી. જોકે સિંધુએ ખુલાસો કર્યો હતો કે તે લંડન રિકવરી અને ન્યુટ્રિશન પ્રોગ્રામ માટે ગઈ હતી, પણ ભારત પાછી આવ્યા બાદ તે ગોપીચંદની ઍકૅડેમી છોડીને બીજે શિફ્ટ થઈ ગઈ હતી. તૈયારીઓ દરમ્યાન પણ તેને પૂછવામાં આવતાં તેણે કહ્યું કે તેની તૈયારીઓ બરાબર ચાલી રહી છે અને ગોપીચંદને જરાય મિસ નથી કરી રહી.

બીજી તરફ ભારતની બે સ્ટાર ખેલાડીઓ સિંધુ અને સાઇના વચ્ચે કોર્ટની અંદરની સ્પર્ધા બહાર પણ પહોંચી ગઈ હતી. ચર્ચા પ્રમાણે ૨૦૧૭માં સાઇના ગોપીચંદ પાસે ટ્રેઇનિંગ લેવા તેના કોચ વિમલકુમારને છોડીને પાછી ફરી ત્યારથી તેના અને સિંધુના સંબંધોમાં તિરાડ પડી હતી.

કોરોનાને કારણે અનેક ક્વૉલિફાય ઇવેન્ટ કૅન્સલ થતાં સાઇના ટોક્યો માટે ક્વૉલિફાય નહોતી કરી શકી અને ત્યારથી તે સોશ્યલ મીડિયામાં પણ ઍક્ટિવ નથી અને ઑલિમ્પિક ટીમને શુભેચ્છા આપતા એકેય મેસેજ પોસ્ટ નથી કર્યા.

 

૧૯૧૨ બાદ જોવા મળ્યા જૉઇન્ટ વિજેતા

ઑલિમ્પિક્સમાં ભાગ્યે જ જોવા મળતા ગોલ્ડ મેડલ માટેના જૉઇન્ટ વિનરો ગઈ કાલે ટોક્યોમાં હાઈ જમ્પમાં જોવા મળ્યા હતા. કતારનો મુતાઝ બર્શિમ અને ઇટલીનો જિયાનમાર્કો તામ્બેરી હાઈ જમ્પમાં સંયુક્ત રીતે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ઇતિહાસ રચાયો હતો. ઍથ્લેટિક સ્પધામાં ૧૯૧૨માં પહેલી વાર પોડિયમ પર જૉઇન્ટ વિજેતા જોવા મળ્યા હતા. ૨.૩૯ મીટરના માર્ક પહેલાં કોઈનો પ્રયાસ નિષ્ફળ નહોતો રહ્યો, પણ ૨.૩૦મા માર્કમાં બન્ને ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ અધિકારીઓ વિજેતા નક્કી કરવા જમ્પ-ઑફની ચર્ચા રહી હતી ત્યારે કતારના ખેલાડીએ સૂચન કર્યું હતું કે શું બન્નેને ગોલ્ડ ન મળી શકે? ત્યાર બાદ બન્ને ગળે મળીને સેલિબ્રેટ કરવા લાગ્યા હતા.

 

અમેરિકન ખેલાડીના આ વિરોધની તપાસ થશે

અમેરિકન શાર્ટપુટ ખેલાડી રાવેન સૌન્દર્સની મેડલ જીત્યા બાદ બન્ને હાથ વડે ક્રૉસની સાઇન બનાવી કરાયેલા પ્રદર્શન અંગે તપાસ કરવામાં આવશે. ૨૫ વર્ષીય અમેરિકન ખેલાડીએ શૉર્ટપુટમાં સિલ્વર મેડલ જીતી હતી. મેડલ લીધા બાદ પોડિયમમાં પણ તેણે કરેલો કહેવાતો વિરોધ ટોક્યો ગેમ્સમાં પહેલો જ બનાવ બની રહ્યો હતો. અમેરિકન મીડિયામા રિપોર્ટ પ્રમાણે રાવેન બ્લૅક ખેલાડી છે અને એલજીબીટી (લેસ્બીયન, ગે, બાયો-સેસ્કયુએલ અને ટ્રાન્સજેન્ડર) રાઇટ્સની સપોર્ટ છે અને એનો ઇશારો એ લોકોના સપોર્ટ માટે જ હતો.

 

૧૫૦૦ મીટરમાં પડ્યા છતાં જીતી ગઈ

વર્લ્ડ ચૅમ્પિયન સિફાન હસન ગઈ કાલે ૧૫૦૦ મીટરની રેસમાં પડી જવા છતાં જીત મેળવીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. રેસના પહેલા રાઉન્ડમાં કેન્યાની ખેલાડી સાથે ટકરાઈને પડી ગઈ હતી, પણ ત્યાર બાદ બેઠી થઈને શાનદાર કમબૅક સાથે ૪ મિનિટ ૫.૧૭ સેકન્ડમાં રેસ પૂરી કરીને સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગઈ હતી.

 

લેજન્ડ સિમોન બાઇલ્સની ઝલક ટોક્યોમાં જોવા મળશે

માનસિક તાણ અને અન્ય કારણસર પાંચ-પાંચ ફાઇનલ્સમાંથી હટી ગયા બાદ અમેરિકન લેજન્ડ જિમ્નૅસ્ટની ઝલક આખરે જોવા મળી શકે છે. મહિલાઓની જિમ્નૅસ્ટિક સ્પર્ધાની છેલ્લી બીમ ફાઇનલમાં જાહેર

થયેલા આઠ ફાઇનલિસ્ટોમાં તેનો સમાવેશ હતો. અમેરિકાએ પણ જાહેર કર્યું હતું કે છ વખતની ઑલિમ્પિક મેડલસ્ટિ સિમોન આ ફાઇનલ સ્પર્ધા માટે ઊતરશે.

 

આજે આૅલિમ્પિક્સમાં ભારત

ઍથ્લેટિક

મહિલાઓની જેવલિન થ્રો ક્વૉલિફિકેશન ગ્રુપ-‘એ’માં અનુ રાની : સવારે ૫.૫૦ વાગ્યે

પુરુષોના શૉટપુટ ક્વૉલિફિકેશન ગ્રુપ-‘એ’માં તેજિન્દરપાલ

સિંહ : સવારે ૩.૪૫ વાગ્યે

હૉકી

પુરુષોની સેમી ફાઇનલમાં ભારત વિરુદ્ધ બેલ્જિયમ : સવારે ૭ વાગ્યે

રેસલિંગ

મહિલાઓની ૬૨ કિલોગ્રામ કૅટેગરીમાં સેવન્થ બાઉટમાં સોમન મલિક વિરુદ્ધ બોલોરતુયા ખુરેલ્ખુ (મૉન્ગોલિયા) : સવારે ૮.૩૦ વાગ્યા પછી

sports sports news tokyo olympics 2020