બે ઑલિમ્પિક મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની સિંધુ

02 August, 2021 10:54 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ચીની ખેલાડીને હરાવીને જીતી બ્રૉન્ઝ, અગાઉ પહેલવાન સુશીલ કુમાર જીત્યો હતો બે મેડલ

મેડલ સેરેમની દરમ્યાન વચ્ચે ગોલ્ડ સાથે ચીનની ચેન યુફેઈ, ડાબે ચાઇનીઝ તાઇવાનની તાઇ ત્ઝુ યિન્ગ અને પી. વી. સિંધુ

વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ બૅડ્મિન્ટનની બ્રૉન્ઝ મેડલની મૅચમાં ચીનની હે બિન્ગ જીઆઓને હરાવીને બે ઑલિમ્પિક મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. કૉમનવેલ્થ, એશિયન ગેમ્સ અને બૅડ્મિન્ટન વર્લ્ડ ટૂર જેવી તમામ સ્પર્ધાઓમાં તે મેડલ જીતીને આવી છે. પાંચ વર્ષ પહેલાં રિયોમાં સિલ્વર મેડલ જીતનારી સિંધુએ ગઈ કાલે જીઆઓને ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવીને બ્રૉન્ઝ જીતી હતી. પહેલવાન સુશીલ કુમાર પણ ૨૦૦૮ની બીજિંગમાં બ્રૉન્ઝ અને ૨૦૧૨ લંડનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

સિંધુએ અગાઉ કુલ ૧૫ વખત થયેલી ટક્કરમાં જીઆઓને ૯ વખત હરાવી હતી. સિંધુએ આ જીત સાથે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો. મીરાબાઈ ચાનુએ સિલ્વર તો બૉક્સર લવલિના બોર્ગોહેઇને પણ બ્રૉન્ઝ મેડલ તો પાક્કો કર્યો જ છે. ચાઇનીઝ તાઇવાનની તાઇ ત્ઝુ યિન્ગ સામે સેમી ફાઇનલ મૅચમાં ખરાબ હારની નિરાશાને ખંખેરતાં ગઈ કાલે તેણે આક્રમક રમત દર્શાવી હતી. સિંધુએ શરૂઆતમાં જ ૪-૦થી લીડ મેળવી લીધી હતી,પ રંતુ ત્યાર બાદ જિઆઓએ મોટી રૅલીમાં તેને ગૂંચવીને ભૂલ કરવાની ફરજ પાડી હતી અને સ્કોર ૫-૫નો કર્યો હતો. ચીનની ખેલાડીએ સિંધુને પાવરપ્લેનું પ્રદર્શન કરતાં અટકાવી હતી, પરંતુ સિંધુએ હરીફ ખેલાડીને ભૂલ કરવાની ફરજ પાડી હતી અને પહેલી ગેમ જીતી લીધી હતી.

બીજી ગેમમાં પણ તેણે આક્રમક રમતનું પ્રદર્શન કરતાં ૪-૧થી લીડ મેળવી હતી. જિઆઓએ મૅચના રૂખને બદલવાનો પ્રયાસ કરી જોયો હતો, પરંતુ સિંધુએ તેને કોઈ તક આપી નહોતી. બીજી તરફ ગઈ કાલે મેન્સ સિંગલ્સ ખેલાડી બી. સાઈ પ્રણીથ અને મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી તથા સા​ત્ત્વકિ સાઈરાજની જોડી નૉકઆઉટ સ્ટેજમાં જ હારી ગઈ હતી.

હારને લીધે હતાશ થયેલી સિંધુ પાસે પપ્પાએ માગી મેડલની ગિફ્ટ

ચાઇનીઝ તાઇવાનની ખેલાડી સામે સેમી ફાઇનલમાં હારી જતાં સિંધુ હતાશ હતી ત્યારે તેના  પપ્પા પી. વી. રામન્નાએ તેની પાસે બ્રૉન્ઝ મેડલની ગિફ્ટ માગી હતી. સિંધુએ મેડલ જીતીને પપ્પાની એ ઇચ્છા પૂરી કરી છે. સિંધુના વિજય બાદ તેના પપ્પાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને ગિફ્ટ આપવા બદલ તારો આભાર. પત્રકારો સાથે વાત કરતાં રામન્નાએ કહ્યું હતું કે સિંધુ પાછળ ઘણી મહેનત કરવા બદલ સાઉથ કોરિયાના કોચ પાર્ક તાએ સૅન્ગનો આભાર. મને ખબર છે કે ત્રીજા અને ચોથા નંબરની મૅચ ઘણી દુખદ હોય છે. ગઈ કાલે મારે તેને ઘણો જુસ્સો આપવો પડ્યો હતો.’ શનિવારની મૅચ બાદ શું થયું હતું એ વિશે વાત કરતાં રામન્નાએ કહ્યું હતું કે ‘ચોક્કસ તે રડી પડી હતી. મહત્ત્વની વાત એ હતી કે તે ઝડપથી આઘાતમાંથી બહાર આવી અને જીતી. ઑલિમ્પિક બહુ મોટી ઇવેન્ટ છે. ગોલ્ડ, સિલ્વર કે બ્રૉન્ઝ મેડલ તો મેડલ જ છે. ત્રીજી ઑગસ્ટે તેને લેવા માટે હું દિલ્હી જવાનું વિચારી રહ્યો છું.’

પી.વી. સિંધુ સાથે આઇસક્રીમ ખાશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ટોક્યોમાં ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ખેલાડી પી. વી. સિંધુને ગઈ કાલે વડા પ્રધાન મોદીએ ફોન કરીને શુભેચ્છા આપી હતી. મોદીએ ટ્વીટ કરીને સિંધુની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘તું ભારતનું ગર્વ છે અને સતત સાતત્યભર્યું પ્રદર્શન કરનાર ખેલાડી છે.’

ખેલાડીઓ જ્યારે ટોક્યો જવા રવાના થયા હતા એ પહેલાં વડા પ્રધાન મોદીએ તેમની સાથે વર્ચ્યુઅલ વાતો કરી હતી, જેમાં વડા પ્રધાને સિંધુ પર તેના કોચ પી. ગોપીચંદે ૨૦૧૬માં આઇસક્રીમ ખાવા પર પ્રતિબંધ મૂક્યો હતો એ વાતની યાદ અપાવી હતી અને વચન આપ્યું હતું કે તું સફળ થઈને આવશે તો સાથે આઇસક્રીમ ખાઈશું.

કોણે શું કહ્યું?

સિંધુએ સાતત્ય અને સમર્પણની નવી ઊંચાઈઓ સર કરી છે. બે વખત મેડલ જીતનારી તે પહેલી મહિલા અને બીજી ભારતીય ખેલાડી બની છે.

રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ

તેં શાનદાર રમત દર્શાવી અને ઇતિહાસ રચ્યો. ભારતને તારા પર ગર્વ છે અને તું પાછી ફરે એની રાહ જોઈ રહ્યા છીએ.

અનુરાગ ઠાકુર, યુનિયન

સ્પોર્ટ્સ મિનિસ્ટર

ટોક્યોમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સિંધુને અભિનંદન.

મીરાબાઈ ચાનુ, મહિલા વેઇટલિફ્ટર

૨૦૧૬માં સિલ્વર અને ૨૦૨૦માં બ્રૉન્ઝ, દેશ માટે બે મેડલ. સમગ્ર દેશને તારા પર ગર્વ છે સિંધુ.

સચિન તેન્ડુલકર, ભૂતપૂર્વ ક્રિકેટર

તારા પર અમને ગર્વ છે સિંધુ.

અભિનવ બિન્દ્રા, ભૂતપૂર્વ શૂટર

સતત બીજો મેડલ જીતવા બદલ સિંઘુને અભિનંદન. આ તેની તેમ જ કોચ અને સપોર્ટ-સ્ટાફની મહેનતનું પરિણામ છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, ભારત સરકાર તેમ જ તેલંગણ સરકારનો પણ આભાર. બૅડ્મિન્ટન ખેલાડીઓ સતત ત્રણ વખતથી મેડલ જીતી રહ્યા છે એ જોઈને સારું લાગી રહ્યું છે.

ગોપીચંદ, ચીફ નૅશનલ બૅડ્મિન્ટન કોચ

આજે આૅલિમ્પિક્સમાં ભારત

ઍથ્લેટિક

મહિલાઓની ૨૦૦ મીટર સ્પર્ધામાં દુતી ચંદ ઃ સવારે ૭.૨૫ વાગ્યે

મહિલાઓની ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં કમલજિત કૌર ઃ બપોરે ૪.૩૦ વાગ્યે

ઇક્યુસ્ટિયન

સેકન્ડ હોઝ ઇન્સ્પેક્શન : સવારે ૬ વાગ્યે

ઇવેન્ટિંગ જમ્પિંગ ઇન્ડિવિજ્યુઅલ ક્વૉલિફાયરમાં ફૌઆદ

મિર્ઝા : બપોરે ૧.૩૦ વાગ્યે

ઇવેન્ટિંગ ઇન્ડિવિજ્યુઅલ જમ્પિંગ ફાઇનલ : સાંજે ૫.૧૫ વાગ્યે

હૉકી

વિમેન્સ  ક્વૉર્ટર ફાઇનલમાં ભારત વિરુદ્ધ ગ્રેટ ઑસ્ટ્રેલિયા મૅચ ઃ સવારે ૮.૩૦ વાગ્યે

શૂટિંગ

મેન્સ ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર : સવારે ૮ વાગ્યે

sports sports news tokyo olympics 2020