પિસ્તોલે તોડ્યું મનુ ભાકરનું સપનું

26 July, 2021 10:53 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

શૂટિંગમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ભારતીય શૂટરોનું ખરાબ પ્રદર્શન

પિસ્તોલમાં સર્જાયેલી યાંત્રિક ખામીને કારણે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જતાં મનુ ભાકર ભાંગી પડી હતી. કોચ રોનક પંડિતે તેને આશ્વાસન આપવું પડ્યું હતું.

ભારતની શૂટિંગ-ટીમ બીજા દિવસે પણ મેડલ જીતવાથી વંચિત રહી હતી. મહિલાઓની ૧૦ મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકર પર સૌથી વધુ આશા હતી, પરંતુ તેની પિસ્તોલ બગડી જતાં ફાઇનલ રાઉન્ડમાં પહોંચી શકી નહોતી. પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલી ૧૯ વર્ષની મનુ ભાકરની પિસ્તોલનું લીવર ઠીક કરાવવા માટે બહાર જવું પડ્યું હતું જેને લીધે તેની ૨૦ મિનિટ બગડી હોવા છતાં તે ૧૨મા ક્રમાંકે આવી હતી. અન્ય એક ખેલાડી યશસ્વિની સિંહ દેસવાલ ખરાબ શરૂઆત છતાં ૧૩મા ક્રમાંકે આવી છે.

પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં અનુભવી દીપક કુમાર અને ટીનેજર દિવ્યાંશ સિંહ પવાર અનુક્રમે ૨૬ તથા ૩૨મા ક્રમાંકે આવ્યાં હતાં. દીપકના કુલ ૬૨૪.૭ અને દિવ્યાંશના ૬૨૨.૮ શૉટ્સ હતા. મનુ ભાકરના કોચ રોનલ પંડિતે કહ્યું કે મનુએ ઓપનિંગ સિરીઝમાં ૧૦૦માંથી ૯૮ પૉઇન્ટ મેળવ્યા હતા, પરંતુ ત્યાર બાદ તેની પિસ્તોલમાં ખામી સર્જાઈ હતી. પરિણામે ૨૦ મિનિટ બગડતાં એ પ્રેશરમાં આવી ગઈ હતી. ઝડપથી રાઉન્ડ પૂરા કરવાના ચક્કરમાં તેણે એકાગ્રતા ગુમાવી દીધી હતી એથી ત્યાર બાદ તેણે અનુક્રમે ૧૦૦માંથી ૯૫, ૯૪, ૯૫ પૉઇન્ટ મેળવ્યા. ત્યાર બાદ ફરી ૯૮ અને છઠ્ઠા અને સાતમા રાઉન્ડમાં ૯૫ પૉઇન્ટ મેળવતાં કુલ ૬૦૦માંથી ૫૭૫નો સ્કોર હતો. નિયમ મુજબ કોઈને પણ એક્સ્ટ્રા ટાઇમ ન મળે એને પરિણામે તે છેલ્લે દબાણમાં આવી ગઈ હતી. ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ખરાબ પ્રદર્શન બાદ અભિનવ બિન્દ્રાના નેતૃત્વમાં એક પૅનલ બનાવાઈ હતી, જેના સારાં પરિણામ વર્લ્ડ કપ, ​એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ જોવા મળ્યાં હતાં, પરંતુ ટોક્યો ગેમ્સમાં ભારત અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

મેન્સ હૉકી ટીમનું શર્મનાક પ્રદર્શન

ઑસ્ટ્રેલિયાએ ૭-૧થી હરાવ્યું, ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય થવા ત્રણ મૅચ જીતવી જરૂરી

વિશ્વની નંબર-વન ટીમ ઑસ્ટ્રેલિયાએ હૉકીમાં ભારતની મેન્સ ટીમને ૭-૧થી હરાવ્યું હતું. ટોક્યોમાં શનિવારે રમાયેલી મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને ૩-૨થી હરાવ્યું હતું, પરંતુ ગઈ કાલે ૨૦૦૪ ઑલિમ્પિક ગેમ્સમાં ચૅમ્પિયન બનનાર ટીમે ભારત સામે ૭ ગોલ કર્યા હતા. ફર્સ્ટ ક્વૉર્ટર સુધી ભારતે બરાબર લડત આપી હતી. બીજા ક્વૉર્ટરમાં ઑસ્ટ્રેલિયાની ટીમે વધુ ત્રણ ગોલ કર્યા હતા. ઑસ્ટ્રેલિયા ૪-૦થી આગળ હતી. ત્યાર બાદ ભારતે એક ગોલ કર્યો ત્યારે એવી આશા બંધાઈ હતી કે હવે ભારત વળતી લડત આપશે, પરંતુ ત્રીજા ક્વૉર્ટરમાં બ્લૅક ગોવર્સે વધુ બે ગોલ અને ટિમ બૅન્ડે એક ગોલ કર્યો. ભારતીય ટીમ સાવ પાણીમાં બેસી ગઈ હતી. આજે ભારત માટે વિરામનો દિવસ છે.  ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા હવે શરતે ત્રણ મૅચ જીતવી જરૂરી છે. 

બાજવાને ફાઇનલમાં પહોંચવાની તક

પુરુષોની સ્કિટ શૂટિંગ ઇવેન્ટમાં યુવા ખેલાડી અંગદ વીર સિંહ બાજવા કુલ ૭૫ પૈકી બે નિશાન ચૂકી ગયો હતો અને હાલમાં તે ૧૧મા ક્રમાંક પર છે. ૨૦૧૯ની એશિયન ચૅ​મ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ૨૫ વર્ષના ખેલાડીએ અન્ય ૭ શૂટરો સાથે કુલ ૭૩ નિશાન તાક્યાં હતાં. પરિણામે સોમવારે રમાનારી ફાઇનલમાં પહોંચવાની તેને તક છે. બે ખેલાડીઓએ તમામ ૭૫ નિશાન તાક્યાં છે, તો પાંચ શૂટરોએ કુલ ૭૪ નિશાન તાક્યાં છે. આજે થનારી ઇવેન્ટમાં જો તે એક પણ નિશાન ચૂક્યો તો તેને માટે મુશ્કેલી સર્જાશે.

સ્વિમર માના પટેલે પોતાની હિટમાં મેળવ્યો બીજો ક્રમાંક

૧૦૦ મીટર બૅકસ્ટ્રોકની સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થવામાં રહી નિષ્ફળ

ભારતીય મહિલા સ્વિમર માના પટેલ ટોક્યો ગેમ્સની ૧૦૦ મીટર બૅકસ્ટ્રોક સ્પર્ધામાં પોતાની હિટમાં બીજા ક્રમાંકે આવી હોવાથી તે આ સ્પર્ધાની સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ શકી નહોતી. પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલી માનાએ આ અંતર એક મિનિટ ૫.૨૯ સેકન્ડમાં કાપ્યું હતું, જ્યારે પ્રથમ આવેલી ઝિમ્બાબ્વેની ડોનાટા કતાઈએ એક મિનિટ ૨.૭૩ સેકન્ડમાં આ અંતર કાપ્યું હતું. ૨૧ વર્ષની ખેલાડી યુનિવિર્સિટી ક્વોટા હેઠળ આ સ્પર્ધા માટે ક્વૉલિફાય થઈ હતી. ઓવરઑલ સ્પર્ધામાં તેનો ક્રમાંક ૩૯મો હતો.

જિમ્નૅસ્ટ પ્રણતી નાયકે કર્યા નિરાશ

ભારતની એકમાત્ર જિમ્નૅસ્ટ પ્રણતી નાયક ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ શકી નહોતી. ૨૬ વર્ષની પ્રણતીએ કુલ ચાર વર્ગમાં ૪૨.૫૬૫ પૉઇન્ટ બનાવ્યા હતા. બીજા સબ-ડિવિઝન બાદ તે ૨૯મા ક્રમાંકે રહી હતી. તેની બાળપણની કોચ મિનાર બેગમે પોતાની આ શિષ્યના પ્રદર્શનથી ભારે નિરાશા વ્યક્ત કરી હતી. ગયા વખતે દીપા કર્માકર પહેલી વખત ફાઇનલમાં પહોંચી હતી, પણ સહેજ માટે મેડલ ચૂકી ગઈ હતી‍ એથી આ વખતે બધાને આશા હતી, પરંતુ એ ઠગારી નીવડી હતી.

વિજેતાઓને ફોટો-સેશન માટે માસ્ક હટાવવાની છૂટ

પોડિયમ સેરેમની દરમ્યાન વિજેતા ખેલાડીઓને ફોટો-સેશન દરમ્યાન ૩૦ સેકન્ડ માટે માસ્ક હટાવવાની પરવાનગી આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ આપી છે. અગાઉ કોરોનાના ખતરાને જોતાં ખેલાડીઓ, કોચ અને અધિકારીઓને હંમેશાં માસ્ક પહેરવાનું જણાવાયું હતું. રવિવારથી બદલવામાં આવેલા નિયમ મુજબ વિજેતા ખેલાડીઓ સેરેમની દરમ્યાન માસ્ક હટાવી શકશે. માસ્ક સાથે ગ્રુપ-ફોટો પણ પાડી શકશે.

ઑલિમ્પિક્સમાં ચોથા દિવસે ભારત

તીરંદાજી

મેન્સ ટીમ એલિમિનેશનમાં પ્રવીણ જાધવ, અતનુ દાસ અને તરુણદીપ રાય સવારે ૬.૦૦

બૅડ્મિન્ટન

મેન્સ ડબલ્સમાં સાત્ત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મૅચ : સવારે ૯.૧૦

બૉક્સિંગ

પુરુષોના ૭૫ કિલોગ્રામ વર્ગમાં આશિષ કુમારની મૅચ : બપોરે ૩.૦૬

ફૅન્સિંગ

મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં ભવાનીદેવીની મૅચ : સવારે ૫.૩૦

હૉકી

મહિલાઓની પુલ-એમાં ભારત વિરુદ્ધ જર્મનની મૅચ : સાંજે ૫.૪૫

સેઇલિંગ

મેન્સ લેસર રેસમાં વિષ્ણુ સર્વાનન : સવારે ૮.૩૫

મહિલાઓની લેસર રેડિયલ રેસમાં નેત્રા કુમાનન : સવારે ૧૧.૦૫

શૂટિંગ

મેન્સ સ્કિટ ઇવેન્ટમાં માઇરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા ઃ સવારે ૬.૩૦

મેન્સ સ્કિટ ફાઇનલ : બપોરે ૧૨.૨૦

સ્વિમિંગ

પુરુષોની બટરફ્લાય હિટમાં સાજન પ્રકાશ ઃ બપોરે ૩.૪૫

ટેબલ ટેનિસ

મેન્સ સિંગલ્સમાં અંચતા શરદ કમલ : સવારે ૬.૩૦

મહિલાઓની સિંગ્લસ મનિકા બત્રા : બપોરે ૧૨

sports sports news tokyo olympics 2020