Tokyo Olympics 2020: જાણો કઈ સ્પર્ધામાં કયા દેશે જીત્યું મેડલ

26 July, 2021 09:47 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

સ્વિમિંગની ૪X૧૦૦ ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયાની ટીમનો વર્લ્ડ રેકૉર્ડ; ફેલ્પસ વગર પણ સ્વિમિંગમાં અમેરિકાની ટીમનો દબદબો; ટ્યુનિશિયાનો સ્વિમર ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

નવા વર્લ્ડ રેકૉર્ડની અને ઑલિમ્પિક્સ ગોલ્ડની ઉજવણી કરતી ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ

સ્વિમિંગની ૪X૧૦૦ ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયાની ટીમનો વર્લ્ડ રેકૉર્ડ

૪X૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ નવા વર્લ્ડ રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી હતી. આ સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયાનો આ સતત ત્રીજો ગોલ્ડ મેડલ હતો. ટોક્યો ઍક્વાટિક સેન્ટરમાં યોજાયેલી આ સ્પર્ધામાં બ્રોન્ટ કૅમ્પબેલના નેતૃત્વમાં તેની મોટી બહેન કૅટ સાથે આ અંતર ૩ મિનિટ ૨૯.૬૯ સેકન્ડમાં કાપ્યું હતું અને અગાઉના ૩ મિનિટ ૩૦.૦૫ સેકન્ડના તેમના ૨૦૧૮ના કૉમનવેલ્થ ગેમ્સમાં બનાવેલો તેમનો જ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. બ્રોન્ટ કૅમ્પબેલ કહ્યું હતું કે વર્લ્ડ રેકૉર્ડ તોડવો એક અનોખી સિદ્ધિ છે.’

કૅનેડાની ટીમ બીજા ક્રમાંકે અને અમેરિકાની ત્રીજા ક્રમાંકે આવી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમે રિયોમાં નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો, તો લંડનમાં ઑલિમ્પિક રેકૉર્ડ બનાવતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ફેલ્પસ વગર પણ સ્વિમિંગમાં અમેરિકાની ટીમનો દબદબો

શાનદાર વિજયની ઉજવણી કરી રહેલો સ્વિમર ચેસ કાલિસ

અમેરિકાની સ્વિ​​મિંગની ટીમનો એક સમયનો મહત્વનો ખેલાડી રહેલો માઇકલ ફેલ્પસ ભલે આ વખતે કોમેન્ટેટરની ભુમિકામાં હોય પણ એણે જે વારસો મુક્યો હતો એને નવા ખેલાડીઓએ આગળ ધપાવ્યો છે. ગઈ કાલે સવારે થયેલી ફાઇનલમાં કુલ ૧૨ પૈકી ૬ મેડલ અમેરિકાએ જીત્યા હતા. ૪૦૦ મીટર ઇન્ડિવીડયુઅલ મેડલી (individual medley)સ્પર્ધામાં ચેસ કાલિસે  (Chase Kalisz)ગોલ્ડ જીત્યો હતો. કાલિઝે રિયોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ટ્યુનિશિયાનો સ્વિમર ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

સ્પર્ધા જીત્યા બાદ અહમદ હફનોઈ

આફ્રિકા ખંડના ટ્યુનિશિયાના ૧૮ વર્ષના સ્વિમર અહમદ હફનોઈ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ૩ મિનિટ અને ૪૩.૩૬ સેકન્ડમાં કાપી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને એશિયન દેશોનું પ્રભુત્વ તોડ્યું હતું. અહમદ હફનોઈ ઑલિમ્પિક્સની સ્વિમિંગની ફાઇનલમાં પહોંચનાર બીજો ખેલાડી હતો.

sports sports news tokyo olympics 2020