મૅરી કૉમ, સિંધુ અને મનિકાની આગેકૂચ

26 July, 2021 09:44 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

મહિલા બૉક્સર બીજા રાઉન્ડમાં, સિંધુનો આસાન વિજય, ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં

એમસી મૅરી કૉમ, પી. વી. સિંધુ, મનિકા બત્રા

મહિલા બૉક્સર બીજા રાઉન્ડમાં

છ વખત વર્લ્ડ ચૅમ્પિયન અને લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર એમસી મૅરી કૉમે ગઈ કાલે ટોક્યોમાં વિજયથી પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મહિલાઓના ૫૧ કિલોગ્રામ વર્ગમાં તેણે ડોમિનિયન રિપબ્લિકની મિગુલીના હેરનાન્દેઝ ગાર્સિયાને ૪-૧થી હરાવીને રાઉન્ડ ઑફ સિક્સ્ટીનમાં પ્રવેશ કર્યો હતો. ઇમ્ફાલની ૩૮ વર્ષની ખેલાડીએ બચાવ અને આક્રમણ એ બેવડી નીતિ અપનાવી હતી. મૅરી ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થઈ શકી નહોતી. મૅરી કૉમ નવેમ્બરમાં ડેન્ગીનો શિકાર બની હતી. પરિણામે ફરી ફિટનેસ મેળવતાં તેને બે મહિના લાગ્યા હતા. પહેલાં તેની ઇચ્છા પુણેમાં કોચ છોટેલાલ યાદવ પાસે તાલીમ લેવાની હતી, પરંતુ પછી તે વિચાર બદલીને અન્ય બૉક્સર સાથે ઇટલી ગઈ હતી.

સિંધુનો આસાન વિજય

ઑલિમ્પિક્સમાં ઇઝરાઇલની સેનિયા પૉલિકાર્પોવાને સરળતાથી હરાવીને પી. વી. સિંધુએ વિજય અભિયાનનો પ્રારંભ કર્યો હતો. હાલમાં વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવનાર સિંધુએ પહેલી મૅચમાં પૉલિકાર્પોવાને ૨૧-૭, ૨૧-૧૦થી હરાવી હતી. જીત બાદ સિંધુએ કહ્યું હતું કે ‘ભલે આ મૅચ મારા માટે સરળ હતી, પરંતુ દરેક પૉઇન્ટ અને મૅચ માટે મેં તૈયારી કરી છે. મને કોર્ટનો અનુભવ થાય એ માટે મેં આ મૅચને થોડી લંબાવી હતી.’ સિંધુ હવે પોતાની આગળની મૅચ હૉન્ગકૉન્ગની ચીઉંગ ગેન યી સામે રમશે. ઇઝરાયલની ખેલાડી ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમી રહી હતી. તેને સ્ટ્રોક ફટકારવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.

ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં

ટેબલ ટેનિસમાં ભારતની મનિકા બત્રાએ પહેલી બે ગેમમાં પરાજય છતાં શાનદાર વાપસી કરીને યુક્રેનની માર્ગરીટા પેસોત્સ્કાને બીજા રાઉન્ડમાં હરાવી હતી. પહેલા બે રાઉન્ડમાં હાર્યા છતાં મનિકાએ વાપસી કરતાં માર્ગરીટાને ૪-૧૧, ૪-૧૧, ૧૧-૭, ૧૨-૧૦, ૮-૧૧, ૧૧-૫, ૧૧-૭થી હરાવી હતી. આ મૅચ ૫૭ મિનિટ ચાલી હતી. માર્ગરીટા વિશ્વમાં ૩૨મો ક્રમાંક ધરાવે છે, જેણે શરૂઆતમાં લીડ મેળવી હતી, પરંતુ ભારતીય ખેલાડીએ ત્રીજી ગેમથી વાપસી કરી હતી. મનિકા હવે ઑસ્ટ્રેલિયાની સાફિયા પોલકાનોવા સામે રમશે. બીજી તરફ પુરુષ ખેલાડી સાથિયાન ગનાશેકર હૉન્કૉન્ગના લામ સિઉ હૅન્ગે ૩-૪થી સેકન્ડ રાઉન્ડમાં હરાવતાં બહાર ફેંકાઈ ગયો હતો.

રોવિંગમાં ભારતની મેડલની આશા જીવંત

સ્પર્ધા દરમ્યાન ભારતીય જોડી અર્જુનલાલ જાટ અને અ​રવિંદ સિંહ

નૌકાયાન સ્પર્ધામાં ભારતીય જોડી અર્જુનલાલ જાટ અને અ​રવિંદ સિંહની જોડી પુરુષોની લાઇટવેઇટ ડબલ્સ સર્કલ્સ સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ગઈ કાલે સી ફૉરેસ્ટ વૉટરવેમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતીય જોડીએ  ૬ મિનિટ ૫૧.૩૬ સેકન્ડમાં કાપીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. પોલૅન્ડની જોડી ૬ મિનિટ ૪૩.૪૪ સેકન્ડમાં કાપી પ્રથમ નંબરે અને સ્પેનની જોડી ૬ મિનિટ ૪૫.૭૧ સેકન્ડમાં કાપીને બીજા ક્રમાંકે રહી હતી. ૨૭ જુલાઈએ સેમી ફાઇનલ યોજાશે.

sports sports news tokyo olympics 2020