મેન્સ હૉકીની સેમી ફાઇનલમાં જર્મની અને ઑસ્ટ્રેલિયાની ટક્કર

02 August, 2021 11:10 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

મેન્સ ક્વૉર્ટર ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ બ્રિટનને ૩-૧થી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવા માટે આવતી કાલે બેલ્જિયમ સામે થશે ટક્કર

સાથી ખેલાડી સાથે ગોલની ઉજવણી કરતો ગુર્જંત સિંહ (તસવીરઃ પી.ટી.આઇ.)

ટોક્યો ઑલિમ્પિક્સમાં ગઈ કાલે ભારતે ગ્રેટ બ્રિટનને ૩-૧થી હરાવીને ૪૯ વર્ષ બાદ હૉકીની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેન્સ ટીમના દિલપ્રીત ​સિંહ (૭મી મિનિટે) ગુર્જંત સિંહ (૧૬મી મિનિટે) અને હાર્દિક સિંહે (૫૭મી મિનિટે) ગોલ કરતાં આઠ વખત ઑલિમ્પિક ચૅમ્પિયન રહેનાટ ટીમ જીતી હતી. બ્રિટન તરફથી એકમાત્ર ગોલ સૅમ વૉર્ડે (૪૫મી મિનિટે) કર્યો હતો.

ભારત છેલ્લો ઑલિમ્પિક ગોલ્ડ મેડલ મૉસ્કો ગેમ્સમાં જીત્યું હતું, પરંતુ એ વખતે માત્ર ૬ ટીમે જ ભાગ લીધો હોવાથી કોઈ સેમી ફાઇનલ રમાઈ નહોતી. ભારત છેલ્લી સેમી ફાઇનલ ૧૯૭૨માં મ્યુનિક ગેમ્સમાં  પાકિસ્તાન સામે રમ્યું હતું, જેમાં એ ૦-૨થી હારી ગયું હતું. ભારત આવતી કાલે સેમી ફાઇનલમાં વર્લ્ડ ચૅમ્પિયન બેલ્જિયમ સામે ટકરાશે..

ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના અને નેધરલૅન્ડ્સની ટીમ આઉટ

શૂટઆઉટમાં નેધરલૅન્ડ્સને હરાવીને વિશ્વની નંબર વન ટીમ ઑસ્ટ્રેલિયા ટોક્યો ગેમ્સની મેન્સ હૉકી સ્પર્ધાની સેમી ફાઇનલમાં ​ચાર વખત ચૅમ્પિયન રહેલી જર્મની સામે ટકરાશે. પુલ-‘એ’ના પહેલા ક્રમાંકે રહેલી ઑસ્ટ્રેલિયા પુલ-‘બી’માં ચોથા ક્રમાંકે રહેલી નેધરલૅન્ડ્સ સામે ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાઈ હતી, જે નિયત સમયમાં બન્ને ટીમ ૨-૨ ગોલ સાથે ડ્રૉ રહી હતી. શૂટઆઉટ ટાઇબ્રેકરમાં ઑસ્ટ્રેલિયાએ નેધરલૅન્ડ્સને ૩-૦થી હરાવી હતી. ઑસ્ટ્રેલિયા પુલ-‘એ’માં ટોચ પર રહી હતી છતાં નેધરલૅન્ડ્સે સારી ફાઇટ આપી હતી. છેલ્લે ગોલકીપરની શાનદાર રમતે ઑસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો.

દરમ્યાન ૨૦૧૬ રિયો ઑલિમ્પિક્સમાં ચૅમ્પિયન રહેલી ટીમ આર્જેન્ટિનાને જર્મનીએ ૧-૩થી પરાજિત કરી હતી. આમ જર્મનીએ હૉકીમાં ૧૨મા મેડલની આશા જીવંત રાખી હતી.

મહિલા હૉકી ટીમની આજે કસોટી

પહેલી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનાર ભારતીય મહિલા ટીમની આજે ઑસ્ટ્રેલિયા સામે આકરી કસોટી થશે. પુલ-‘એ’માં ભારતીય મહિલા ટીમ ચોથા ક્રમાંકે રહી હતી. ટોક્યોમાં પહેલી ત્રણ મૅચ હાર્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયાની ટીમ પુલ-‘બી’માં એક પણ મૅચ હારી નથી. એની સામે માત્ર એક જ ગોલ થયો છે.

sports sports news tokyo olympics 2020