મિક્સ્ડ ઇવેન્ટમાં તીરંદાજ દીપિકા કુમારી પતિ સાથે નહીં, પણ પ્રવીણ જાધવ સાથે જમાવશે જોડી

24 July, 2021 08:12 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ઑલિમ્પિક્સના રૅન્કિંગ રાઉન્ડમાં મિશ્ર પ્રદર્શન બાદ ભારત સામે આજે કોરિયન તીરંદાજોનો પડકાર

દીપિકા કુમારી, પ્રવીણ જાધવ

વિશ્વની નંબર વન તીરંદાજ દીપિકા કુમારીનું પ્રદર્શન સારું નહોતું રહ્યું હતું, પરંતુ યુવા પુરુષ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઑલિમ્પિક્સની તૈયારીઓ માટે અન્ય તમામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાંથી દૂર રહેલા કોરિયાના ખેલાડીઓ મહિલાઓના વર્ગમાં ટૉપ-૩માં રહ્યા હતા. મહિલા તીરંદાજ એન સેને ૨૫ વર્ષ જૂનો ઑલિમ્પિક રેકૉર્ડ તોડ્યો હતો. 

પુરુષોની તીરંદાજી ટીમમાં અતનુ દાસ, પ્રવીણ જાધવ અને તરુણદીપ રાય પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યા નહોતા. જોકે ટૉપ-૧૦માં પ્રવેશ મેળવી લીધો હતો. અડધે સુધી ચોથા ક્રમાંક પર રહેલી દીપિકા ૬૬૩ પૉઇન્ટ સાથે નવમા ક્રમાંક પર રહી હતી, જ્યારે તેના શ્રેષ્ઠ રૅન્કિંગ પૉઇન્ટ ૬૮૬ છે. દીપિકાએ કહ્યું હતું કે મારું પ્રદર્શન સારું અને ખરાબ બન્ને પ્રકારનું રહ્યું હતું. દીપિકા માટે સૌથી મોટો પડકાર સેનનો રહેશે. જે પહેલી વખત ઑલિમ્પિકમાં રમી રહી છે. દીપિકાએ કહ્યું હતું કે હું અહીં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.’ પુરુષોની ટીમ અને મિક્સ્ડ સ્પર્ધાની ક્વૉટર ફાઇનલમાં ભારતનો મુકાબલો કોરિયા સામે થશે. પુરુષોની ટીમ અને મિક્સ્ડ પૅર ઇવેન્ટમાં ભારત નવમા ક્રમાંકે રહ્યું હતું. મિક્સ્ડ ઇવેન્ટમાં દીપિકા પોતાના પતિ અતનુ દાસ સાથે નહીં, પણ પહેલી વખત ઑલિમ્પિક રમી રહેલા પ્રવીણ જાધવ સાથે જોડી જમાવશે. અતનુ કરતાં પણ પ્રવીણનું પ્રદર્શન સારું રહ્યું છે. પ્રવીણ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં દહાડિયા મજૂર તરીકે કામ કરનારનો દીકરો છે. તેણે સારું પ્રદર્શન કરતાં ૬૫૬ પૉઇન્ટ મેળવ્યા હતા અને ૩૧મો ક્રમાંક મેળવ્યો હતો. તો અતનુએ એના કરતાં ત્રણ પૉઇન્ટ ઓછા મેળવ્યા હતા.

અતનુ દાસ અને દીપિકાએ ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં. ભારત પાસે અતનુ અને દીપિકાને મિક્સ્ડ ઇવેન્ટમાં મોકલવાની તક હતી, પરંતુ પ્રવીણ જાધવનું અત્યારનું પ્રદર્શન જોતાં તેની પસંદગી કરાઈ હતી. 

sports sports news tokyo olympics 2020