મીરાએ રચ્યો ઇતિહાસ

25 July, 2021 09:48 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી આ સ્પર્ધામાં ૨૦ વર્ષની આતુરતાનો અંત આણ્યો, ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતની શાનદાર શરૂઆત

સફળતાપૂર્વક વેઇટલિફ્ટિંગ બાદ ચહેરા પર સ્મિત સાથે મીરાબાઈ ચાનુ

મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતવાના ભારતના ૨૦ વર્ષના ઇન્તજારનો અંત આણ્યો હતો. ૪૯ કિલોગ્રામ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીતીને પાંચ વર્ષ પહેલાં આ જ પ્લૅટફૉર્મ પર થયેલી ખરાબ શરૂઆતને પાછળ છોડી હતી. એના આ ઐતિહાસિક વિજયને કારણે ભારત પહેલી વખત થોડા સમય માટે મેડલ ટેલીમાં બીજા ક્રમાંકે રહ્યું હતું, જે અગાઉ ક્યારેય નહોતું થયું. વળી પહેલી જ વખત ભારત ઑલિમ્પિક્સની સ્પર્ધાના પહેલા જ દિવસે મેડલ જીત્યું છે. મણિપુરની આયર્ન લેડીએ કુલ ૨૦૨ કિલોગ્રામ (૮૭ કિલોગ્રામ અને ૧૧૫ કિલોગ્રામ) વજન ઊંચક્યું હતું. આમ ૨૦૦૦ના સિડની ઑલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીના બ્રૉન્ઝ રેકૉર્ડ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું. ૨૦૧૬માં મીરાબાઈ એક પણ વખત યોગ્ય રીતે વજન ઊંચકી શકી નહોતી.

છેલ્લા કેટલા‍ક મહિનાથી અમેરિકામાં તાલીમ લેનાર મીરાભાઈએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘હું ઘણી ખુશ છું. છેલ્લાં પાંચ વર્ષથી હું આ સપનું જોતી હતી. હું ગોલ્ડ માટે પ્રયત્ન કરતી હતી, પરંતુ સિલ્વર પણ મારા માટે શ્રેષ્ઠ સિદ્ધિ છે.’ એક મણિપુરી તરીકે તમને કેવું લાગે છે એવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘ભારત માટે પહેલો મેડલ જીતતાં હું ખુશ છું. હું માત્ર મણિપુરની નથી, સમગ્ર દેશની છું. હું મારા કોચ વિજય શર્મા અને સમગ્ર સપોર્ટ સ્ટાફની પણ આભારી છુ.’

સમગ્ર પ્રદર્શન દરમ્યાન સતત તેના ચહેરા પર સ્માઇલ હતું. તેણે ઑલિમ્પિકના શેપની ઇઅર-રિંગ પણ પહેરી હતી, જે તેની મમ્મીએ તેને આપી હતી. તેણે કહ્યું હતું કે ‘હું મારા પરિવારની આભારી છું. ખાસ કરીને મારી મમ્મીનો, જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો. આ સ્પર્ધામાં ચીનની હોઉ ઝીબુઇ ગોલ્ડ જીતી હતી. તેણે કુલ ૨૧૦ કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. વળી સ્નૅચ, ક્લીન અને જર્ક ત્રણેયમાં ઑલિમ્પિક રેકૉર્ડ પણ બનાવ્યો હતો.

મીરાબાઈને ખબર પડી કે તે મેડલ જીતી છે ત્યારે તે કોચ વિજય શર્માને ભેટી પડી હતી. નિયમ મુજબ વિજેતા ખેલાડીઓએ સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું હતું તેમ જ ગ્રુપ-ફોટો પાડવાનો નહોતો, પરંતુ ત્રણેય વિજેતા ખેલાડીઓએ એકબીજાને અભિનંદન આપ્યાં હતાં અને એકસાથે ભેગાં થયાં હતાં.

ભૂલથી બની ગઈ વેઇટલિફ્ટર

મીરાબાઈના પપ્પા ઇન્ડિયન રેલવેમાં કામ કરતા હતા. ૧૨ વર્ષની વયે તે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં તીરંદાજીમાં પોતાનું નામ લખાવવા આવી હતી. તીરંદાજીનું સેન્ટર બંધ હોવાથી તે વેઇટલિફ્ટિંગ વિભાગમાં તીરંદાજી વિશે પૂછવા ગઈ હતી. જોકે ત્યાં પડેલાં વજનિયાં જોઈને તે એની તરફ આકર્ષાઈ હતી. લાકડાંનો ભારો ઊંચકીને ટેકરી પર ચડવાની આદતને કારણે તેને આ રમતમાં ફાવટ આવી ગઈ. શરૂઆતનાં કેટલાંક વર્ષો દરમ્યાન તે દરરોજ ૨૦ કિલોમીટરનો પ્રવાસ કરતી હતી. એક વખત રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન બાદ તે દિલ્હીમાં સ્થાયી થઈ હતી. તેને પહેલી સફળતા ૨૦૧૪ની ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં મળી, જ્યાં તે ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

મમ્મીએ પોતાના દાગીના વેચીને બનાવી હતી આ સ્પેશ્યલ રિંગ

મમ્મીએ આપેલી સ્પેશ્યલ ઇઅર-રિંગ અને જીતેલા સિલ્વર મેડલ સાથે ચાનુ

મીરાબાઈની મમ્મીએ પાંચ વર્ષ પહેલાં પોતાના દાગીના વેચીને બનાવેલી ઑલિમ્પિકની પાંચ રિંગવાળી સોનાની રિંગ પણ ચર્ચામાં હતી. તેની મમ્મી સારા નસીબ માટે આ ઇઅર-રિંગ આપી હતી. ભલે ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સમાં સફળતા ન મળી હોય, પરંતુ તેના પ્રયત્નનું ફળ તેને ટોક્યોમાં મળ્યું હતું, જ્યાં તે સિલ્વર મેડલ જીતી હતી. ત્યાર બાદ તેની મમ્મી આંસુ રોકી શકી નહોતી. લેઇમાના મણિપુરના ઘરમાં તેનાં સગાંવહાલાંઓ, મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. લેઇમાએ કહ્યું હતું કે ‘મેં ટીવી ઇઅર-રિંગ જોયાં હતાં, જે મેં ૨૦૧૬માં રિયો ઑલિમ્પિક્સ પહેલાં મારા સોનાના દાગીના અને મારી થોડી બચતમાંથી બનાવ્યાં હતાં.

મીરાબાઈનું ઘર નૉન્ગપોક કાકચિંગ ગામ મણિપુરની રાજધાની ઇમ્ફાલથી ૨૫ કિલોમીટર દૂર છે. મીરાબાઈને ત્રણ બહેનો અને બે ભાઈઓ છે. તેના ઘરમાં લગભગ ૫૦ લોકો હતા, જેઓ ટોક્યોમાં મીરાબાઈનું પ્રદર્શન જોવા માટે ભેગા થયા હતા. ઘરમાં જાણે ઉત્સવનો માહોલ હતો. ઘણા બધા પત્રકારો પણ ઘરે આવ્યા હતા.

અભિનંદનનો વરસાદ

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન

‘આ ભવ્ય રમતોત્સવની આનાથી સારી શરૂઆત બીજી હોઈ ન શકે. મીરાબાઈના શાનદાર પ્રદર્શનથી ભારત ઉત્સાહી છે. તેની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે.’

રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ

વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ટોક્યો ઑલિમ્પિક્સની મેડલ ટેલીમાં ભારતનું નામ સામેલ કરનાર મીરાબાઈ ચાનુને અભિનંદન.

રાહુલ ગાંધી, કૉન્ગ્રેસના નેતા

પહેલા જ દિવસે દેશને પહેલો મેડલ અપાવવા બદલ અભિનંદન, ભારતને પોતાની દીકરીઓ પર ગર્વ છે.

સચિન તેન્ડુલકર, ભૂતપૂર્વ ક્રિકેટર

વેઇટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન. ઈજા બાદ તેં જે રીતે તારામાં બદલાવ આણ્યો અને દેશ માટે મેડલ જીતી એ અદ્ભુત છે.

અભિનવ બિન્દ્રા, શૂટર

શાનદાર પ્રદર્શન જે લાંબા સમય સુધી બધાને યાદ રહેશે અને પ્રેરણા પૂરી પાડતું રહેશે.

અનુરાગ ઠાકુર, યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર

પહેલા જ દિવસે સિલ્વર મેડલ જીતીને તેં ૧૩૫ કરોડ ભારતીયોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. તેં દેશના બીજા ખેલાડીઓને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે.

વીરેન્દર સેહવાગ, ભૂતપૂર્વ ક્રિકેટર

‘ગજબ ભારતીય નારી, સબ પર ભારી’ અમને ગર્વનો અહેસાસ કરાવવા બદલ.

મીરાબાઈના પ્રદર્શનને જોઈને એના પરિવારના સભ્યો તેમ જ પાડોશીઓ એકદમ જ ખુશખુશાલ થઈ ગયા હતા

ભારતીય વેઇટલિફ્ટિંગને મળશે ભરપૂર પ્રોત્સાહન : કર્ણમ મલ્લેશ્વરી

મીરાબાઈ ચાનુના પ્રદર્શનની ભારતની બે દિગ્ગજ મહિલા વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી અને એન કુંજરાનીદેવીએ ભારે પ્રશંસા કરી હતી. વેઇટલિફ્ટિંગમાં ભારતને ૨૦૦૦ના સિડની ઑલિમ્પિકસમાં પહેલો મેડલ અપાવનાર કર્ણમ મલ્લેશ્વરીએ કહ્યું હતું કે ‘રિયોમાં ખરાબ પ્રદર્શન છતાં મેં આશા છોડી નહીં. ૨૧ વર્ષ બાદ ભારત મેડલ જીતતાં વેઇટલિફ્ટર માટે મોટી સિદ્ધિ છે.’ મલ્લેશ્વરી મહિલાઓની ૬૯ કિલોગ્રામ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તેણે કહ્યું હતું કે નવા વેઇટલિફ્ટરો માટે મીરાબાઈનું પ્રદર્શન મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.’ ૧૯૮૯ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર કુંજરાનીદેવીએ કહ્યું હતું કે ‘તે મારા રાજ્ય મણિપુરની છે અને દેશ માટે પહેલો મેડલ જીતી છે. મને તેના પર ગર્વ છે.’

sports sports news tokyo olympics 2020