ભારતને પહેલી વાર કિંગ બનવાની તક : ઇન્ડોનેશિયાને ૧૫મી વાર ચૅમ્પિયન બનવું છે

15 May, 2022 12:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

થોમસ કપ બૅડ્‍મિન્ટનમાં આજે રોમાંચક ફાઇનલ

ભારત થોમસ કપની ફાઇનલમાં પહેલી વાર પહોંચ્યું છે. સેમીમાં ભારતીયોએ ૨૦૧૬ના ચૅમ્પિયન ડેન્માર્કને આંચકો આપ્યો હતો.

પુરુષો માટેની થોમસ કપ બૅડ્‍મિન્ટન ચૅમ્પિયનશિપ્સના ૭૯ વર્ષના ઇતિહાસમાં ભારત પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું છે અને બૅન્ગકૉક ખાતેનો એ નિર્ણાયક મુકાબલો આજે ઇન્ડોનેશિયા સાથે થશે. ઇન્ડોનેશિયા સૌથી વધુ ૧૪ વાર ચૅમ્પિયન બન્યું છે અને ભારતના ખેલાડીઓ જો આજે એને હરાવશે તો બૅડ્‍મિન્ટનના ભારતના ઇતિહાસમાં એ બહુ મોટી સિદ્ધિ કહેવાશે. ઇન્ડોનેશિયાને હરાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ ભારતીય ખેલાડીઓ મલેશિયા અને ડેન્માર્ક જેવા ભૂતપૂર્વ ચૅમ્પિયન દેશોના પ્લેયરોને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા હોવાથી ઇન્ડોનેશિયા જરૂર સાવચેત રહેશે.
દર બે વર્ષે રમાતી આ સ્પર્ધામાં અગાઉ ભારત વધુમાં વધુ સેમી ફાઇનલ સુધી પહોંચ્યું હતું અને એ છેક ૧૯૭૯માં (૪૩ વર્ષ પૂર્વે) બન્યું હતું. શુક્રવારે એચ. એસ. પ્રણોયે ૨૦૧૬ના ચૅમ્પિયન ડેન્માર્ક સામેનો નિર્ણાયક મુકાબલો જીતીને ભારતને ૩-૨ના વિજયી માર્જિન સાથે ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

ભારતીય ટીમમાં કોણ-કોણ?
ભારતીય ટીમમાં એચ. એસ. પ્રણોય, કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન, સત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, ક્રિષ્ના પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલા, એમ. આર. અર્જુન અને ધ્રુવ કપિલાનો સમાવેશ છે. બીજી બાજુ ઇન્ડોનેશિયાની ટીમમાં જોનતન ક્રિસ્ટી, ઍન્થની સિનિસુકા ગિન્ટિન્ગ, શેસર હાઇરેન રુસ્તાવિતો, કેવિન સૅન્જયા સુકામુલ્યો, મોહમ્મદ એહસાન, હેન્ડ્રા સેતિયાવાન સામેલ છે.

કોણ કેવી રીતે ફાઇનલમાં?

ભારત : લીગ રાઉન્ડમાં જર્મની સામે ૫-૦થી જીત, કૅનેડા સામે ૫-૦થી જીત, ચાઇનીઝ તાઇપેઇ સામે ૨-૩થી હાર, ક્વૉર્ટર ફાઇનલમાં મલેશિયા સામે ૩-૨થી જીત અને સેમી ફાઇનલમાં ડેન્માર્ક સામે ૩-૨થી જીત.

ઇન્ડોનેશિયા : લીગ રાઉન્ડમાં સિંગાપોર સામે ૪-૧થી જીત, થાઇલૅન્ડ સામે ૪-૧થી જીત, સાઉથ કોરિયા સામે ૩-૨થી જીત, ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન ચીન સામે ૩-૦થી જીત અને સેમી ફાઇનલમાં પડકારરૂપ જપાન સામે ૩-૨થી જીત.

"ઘૂંટીની ઈજાને લીધે મને રમવામાં તકલીફ પડવાની હતી અને માનસિક રીતે પણ હું ખૂબ મૂંઝવણમાં હતો, પરંતુ મેં નક્કી કર્યું હતું કે હિંમત તો નથી જ હારવી. ઘૂંટીમાં દુખાવો ન વધે એની હું ભગવાન પાસે પ્રાર્થના કરતો હતો. જેમ-જેમ રમતો ગયો એમ-એમ મને પગમાં પેઇન ઓછું થતું ગયું." : એચ. એસ. પ્રણોય

sports sports news badminton news india indonesia