✕

Sports Upadte : સ્પોર્ટ્‌સ મિનિસ્ટરને ૧૫ ભૂતપૂર્વ ફુટબૉલર્સે લેટર લખીને AIFFના પ્રમુખને હટાવવાની અપીલ કરી

20 November, 2026 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેટરમાં લખવામાં આવ્યું હતું કે ‘કલ્યાણ ચૌબેની આગેવાની હેઠળની વર્તમાન ગવર્નિંગ કમિટી હેઠળ વર્લ્ડ રૅન્કિંગ્સમાં ભારતીય મેન્સ ટીમ ૯૫થી ૧૩૮મા ક્રમે પહોંચી ગઈ છે. AIFF દેશમાં રમતના વિકાસને નુકસાન પહોંચાડી રહ્યું છે.

કલ્યાણ ચૌબે

ભારતના ૧૫ ભૂતપૂર્વ ફુટબૉલર્સે ભારતીય ફુટબૉલની દયાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્‌સ મિનિસ્ટર મનસુખ માંડવિયાને લેટર લખ્યો છે. આ લેટરમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF)ના પ્રમુખ કલ્યાણ ચૌબેના સ્થાને ઉત્તમ ટ્રૅક રેકૉર્ડ ધરાવતી કોઈ વ્યક્તિને નિયુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે.

લેટરમાં લખવામાં આવ્યું હતું કે ‘કલ્યાણ ચૌબેની આગેવાની હેઠળની વર્તમાન ગવર્નિંગ કમિટી હેઠળ વર્લ્ડ રૅન્કિંગ્સમાં ભારતીય મેન્સ ટીમ ૯૫થી ૧૩૮મા ક્રમે પહોંચી ગઈ છે. AIFF દેશમાં રમતના વિકાસને નુકસાન પહોંચાડી રહ્યું છે એટલું જ નહીં, આપણા દેશની છબીને પણ ખરડાવી રહ્યું છે. ૨૦ ડિસેમ્બરની નવી ગવર્નિંગ કમિટીની ચૂંટણી માટે યોગ્ય વ્યક્તિને નૉમિનેટ કરો. વર્તમાન પરિસ્થિતિમાંથી રમતને પુનર્જીવિત કરવામાં દાયકાઓ લાગશે.’

હૉકી ઇન્ડિયાની મેન્સ ટીમે ઑકલૅન્ડમાં અને વિમેન્સ ટીમે ભોપાલમાં જીત મેળવી

ગઈ કાલે એક જ દિવસે હૉકી ઇન્ડિયાની મેન્સ અને વિમેન્સ ટીમે પોતાની મૅચોમાં વિજય મેળવ્યો હતો. સવારે ઑકલૅન્ડમાં ન્યુ ઝીલૅન્ડ સાથેના ૧૦૦ વર્ષના સ્પોર્ટ્‌સ સંબંધોની ઉજવણીના ભાગરૂપે આયોજિત ત્રણ મૅચની સિરીઝમાં ભારતીય મેન્સ ટીમે વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતીય ટીમે ૩-૨ની સ્કોરલાઇનથી મૅચ જીતી હતી.

બીજી તરફ મધ્ય પ્રદેશના ભોપાલમાં ભારતીય વિમેન્સ ટીમે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં સરળ જીત મેળવી હતી. સાંજે રમાયેલી આ મૅચમાં ભારતે મલેશિયાને ૪-૧ની સ્કોરલાઇનથી માત આપી હતી.

લૉર્ડ્‌સના મેદાન પર આવતા વર્ષે ૩ જૂને નેપાલ-બંગલાદેશ વચ્ચે T20 મૅચ રમાશે

એ જ દિવસે લૉર્ડ્‌સમાં અલગ સમયે T20 બ્લાસ્ટની મૅચ પણ રમાવાની છે

મૅરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) અને નેપાલ ક્રિકેટ બોર્ડે સાથે મળીને ગઈ કાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ૨૦૨૭ની ૩ જૂને લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેપાલ અને બંગલાદેશની મેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે T20 મૅચ રમાશે. એ જ દિવસે ત્યાં અલગ સમયે T20 બ્લાસ્ટની મૅચ પણ રમાવાની છે. પહેલી વખત આ મેદાન પર એક જ દિવસે ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક મૅચ સાથે રમાશે.

નેપાલ અને બંગલાદેશની એ સમયે ઇંગ્લૅન્ડ ટૂર આવી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. નેપાલ એ સમયે આયરલૅન્ડ અને સ્કૉટલૅન્ડ સામે પણ અલગ મેદાન પર મૅચો રમશે.

બંગલાદેશની મેન્સ ટીમ લૉર્ડ્‌સના ઐતિહાસિક મેદાન પર T20 મૅચ રમશે. લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલક મૅરિલબોન ક્રિકેટ ક્લબ ૨૦૧૯થી નેપાલ ક્રિકેટને મદદ કરી રહ્યું છે. તેમના સમર્થન હેઠળ નેપાલની ટીમ અગાઉ ૨૦૧૬માં વન-ડે ફૉર્મેટ અને ૨૦૧૮માં T20 ફૉર્મેટની મૅચો લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી ચૂકી છે. 

football all india football federation india sports news sports cricket news nepal team india