સર્જિયો રામોસે 16 સીઝન બાદ રિયાલ મૅડ્રિડ છોડ્યું

18 June, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરો કપની ધમાધમી વચ્ચે સર્જિયો રામોસ તરફથી રિયાલ મૅડ્રિડ ક્લબ છોડી રહ્યો હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

સર્જિયો રામોસ

યુરો કપની ધમાધમી વચ્ચે સર્જિયો રામોસ તરફથી રિયાલ મૅડ્રિડ ક્લબ છોડી રહ્યો હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ૧૬ સીઝન સુધી રિયાલ મૅડ્રિડ ક્લબનો ચહેરો બની રહેનાર ૩૫ વર્ષના રામોસ આ મહિનાના અંતે તેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થયા બાદ ક્લબને અલવિદા કરી દેશે. ક્લબ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે તેઓ તેમના લાડલા કૅપ્ટનના માનમાં ફેરવેલ પાટીર્નું આયોજન કરવામાં આવ્યું છે. 

રામોસે ફેરવેલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘મારો ક્લબ છોડવાનો કોઈ ઇરાદો નહોતો, પણ ક્લબને એવું લાગી રહ્યું છે કે મારો સમય પૂરો થઈ ગયો છે. આથી હું તેમની ભાવના સ્વીકારીને જઈ રહ્યો છું.’

૨૦૦૫માં રિયાલ મૅડ્રિડ સાથે જોડાનારા રામોસે ક્બલને ચાર ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ, પાંચ લા લીગા ટ્રોફી, ચાર ક્લબ વર્લ્ડ કપ, ત્રણ યુરોપિયન સુપર કપ, ચાર સ્પેનિસ સુપર કપ અને બે કોપા ડેલ રે ટાઇટલ જિતાડીને વિદાય લઈ રહ્યો છે. 

મૅડ્રિડ વતી ૬૭૧ મૅચ રમનાર અને ૧૦૧ ગોલ કરનાર રામોસે જોકે તેના ભવિષ્યની યોજના વિશે કોઈ ફોડ નહોતો પાડ્યો. જોકે મેન્ચેસ્ટર સિટી તેને સામેલ કરવામાં રસ ધરાવતું હોવાનું જાણવા મળ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી રામોસ ઇન્જરીઓથી પરેશાન છે અને ગઈ સીઝનમાં ઘણી મૅચો એ બદલ ગુમાવવી પડી હતી. ઇન્જરીને લીધે સ્પેન ટીમે તેને યુરો કપ ટીમમાં સામેલ નથી કર્યો. 

sports news sports real madrid football