રોનાલ્ડોના વિશ્વવિક્રમી ગોલ પછી પોર્ટુગલ ઘાનાના ઘાથી બચ્યું

26 November, 2022 06:32 PM IST  |  Qatar | Gujarati Mid-day Correspondent

પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફુટબોલર ઃ આફ્રિકન હરીફોના ઉપરાઉપરી બે ગોલે શ્વાસ અધ્ધર કરી દીધા અને ત્રીજો થતાં-થતાં રહી ગયો ઃ પોર્ટુગલનો ૩-૨થી વિજય

રોનાલ્ડોના વિશ્વવિક્રમી ગોલ પછી પોર્ટુગલ ઘાનાના ઘાથી બચ્યું

સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ સાથે અચાનક છેડો ફાડવાના આઘાતમાંથી બહાર આવીને ગુરુવારે આફ્રિકન હરીફ દેશ ઘાના સામે પૂરી તાકાતથી રમ્યો હતો અને તેની પોર્ટુગલની ટીમે એને ૩-૨થી પરાજિત કરીને વિજય મેળવવા બદલ ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા.
ગ્રુપ ‘એચ’ના આ મુકાબલામાં રોનાલ્ડોએ સેકન્ડ હાફની ૨૦મી મિનિટે પેનલ્ટીમાં ગોલ કર્યો હતો. એ સાથે તે પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનારો વિશ્વનો પહેલો જ ફુટબોલર બન્યો છે. જોકે પોર્ટુગલના સેકન્ડ હાફના આક્રમણનો ઘાનાએ ૭૩મી મિનિટે વળતો જવાબ આપ્યો હતો, જેમાં ઑન્ડ્રે આયેવે ગોલ કરીને સ્કોર ૧-૧ની બરાબરી પર લાવી દીધો હતો. 
૭૮મી મિનિટે પોર્ટુગલના શોઆઉ ફીલક્સે અને ૮૦મી મિનિટે રાફેલ લેઆઉએ પણ ગોલ કરીને પોર્ટુગલની સરસાઈ ૩-૧ની કરી દીધી હતી. જોકે રોનાલ્ડોની ટીમને ઘાનાના આક્રમણનો ડર હતો અને એવું જ થયું. ૮૯મી મિનિટે ઑસ્માન બુકારીના ગોલથી સ્કોર ૩-૨ થયો હતો. મૅચની અંતિમ પળમાં પોર્ટુગલના ગોલકીપર કૉસ્ટાએ બૉલ પરનો કબજો ભૂલથી ગુમાવી દેતાં ઘાનાના વિલિયમ્સે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સજાગ બનીને આવી ગયેલા ડાયસ અને પરેરાએ તેને એમાં નિષ્ફળ બનાવ્યો હતો. 
મૅચની અંતિમ ક્ષણોમાં પોર્ટુગલની ટીમ જાણે સાવ ભાંગી પડી હતી જેનો લાભ ઘાના લેવા માગતું હતું, પણ ઘાના ત્રીજો ગોલ કરીને મૅચને ડ્રૉમાં લઈ જવામાં નિષ્ફળ જતાં પોર્ટુગલે ૩-૨થી જીત મેળવી ગ્રુપ ‘એચ’માં મોખરાનું સ્થાન મેળવી લીધું છે.

sports news world cup football