મેસી, રોનાલ્ડોની ભલામણ કરનાર લેવાન્ડોવ્સ્કીને મળ્યો ફિફાનો સર્વશ્રેષ્ઠ ફુટબોલરનો પુરસ્કાર

19 January, 2022 02:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પોલૅન્ડના સ્ટાર-પ્લેયરે મેસી ઉપરાંત સાલહને પણ હરાવ્યો : રોનાલ્ડોને સ્પેશ્યલ અવૉર્ડ અપાયો

લેવાન્ડોવ્સ્કી

પોલૅન્ડના સ્ટાર-ફુટબોલર અને બાયર્ન મ્યુનિકના ખેલાડી રૉબર્ટ લેવાન્ડોવ્સ્કીએ સતત બીજા વર્ષે ‘ધ બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર’ અવૉર્ડ જીતીને તેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની બરાબરી કરી છે. લેવાન્ડોવ્સ્કીએ આ પુરસ્કાર જીતવા માટેની રેસમાં આર્જેન્ટિના અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ના લિયોનેલ મેસીને તથા ઇજિપ્ત અને લિવરપુલના મોહમ્મદ સાલહને હરાવ્યા હતા. જર્મનીની બન્ડસલીગા સ્પર્ધામાં લેવાન્ડોવ્સ્કીએ ૨૦૨૦માં ૪૧ ગોલ કરીને બાયર્નને ટાઇટલ અપાવ્યું હતું, જ્યારે ૨૦૨૧માં તેણે ૪૩ ગોલ કર્યા હતા.
દરેક નૅશનલ ફુટબૉલ ટીમના કૅપ્ટન, કોચને તેમ જ ૨૦૦ દેશોના પસંદગીના મીડિયામેન અને સોકરચાહકોને આ સર્વશ્રેષ્ઠ પુરસ્કારનો વિજેતા કોણ હોવો જોઈએ એ માટે બે નામ સૂચવવાનું કહ્યું હતું. લેવાન્ડોવ્સ્કીને સૌથી વધુ ૪૮ વોટ મળ્યા હતા, જ્યારે મેસીને ૪૪ અને સાલહને ૩૯ મત મળ્યા હતા. વિશ્વભરના અનેક ફુટબૉલપ્રેમીઓએ આપેલા વોટમાં મેસીને લેવાન્ડોવ્સ્કી કરતાં બમણાથી પણ વધુ મત મળ્યા હતા, પરંતુ છેવટે કૅટેગરીને લગતાં ધોરણો મુજબ લેવાન્ડોવ્સ્કી વિજેતા ઘોષિત થયો હતો.
વોટિંગમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બેસ્ટ અવૉર્ડ માટે જે ત્રણ નામ સૂચવ્યાં હતાં એમાં સૌથી પહેલું નામ લેવાન્ડોવ્સ્કીનું હતું. જોકે લિયોનેલ મેસીએ પોતાનાં ત્રણ નામમાં લેવાન્ડોવ્સ્કીનું કે મોહમ્મદ સાલહનું નામ નહોતું સૂચવ્યું અને નેમાર, ઍમ્બપ્પે સહિતનાં ત્રણ નામ સૂચવ્યાં હતાં. લેવાન્ડોવ્સ્કીએ આપેલાં ત્રણ નામમાં મેસી અને રોનાલ્ડોનો ઉલ્લેખ હતો, પરંતુ છેવટે લેવાન્ડોવ્સ્કીને જ વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
રોનાલ્ડોને વિશેષ પુરસ્કાર કેમ?
પોર્ટુગલના કૅપ્ટન અને મૅન્ચેસ્ટર યુનાઇટેડના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને નૅશનલ ટીમ સોકરમાં ઑલ-ટાઇમ સ્કોરિંગ રેકૉર્ડ નોંધાવવા બદલ સ્પેશ્યલ અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. મહિલા પુરસ્કાર સ્પેનની ઍલેક્સિયા પુટેલસને મળ્યો મહિલાઓનો બેસ્ટ ફિફા પ્લેયરનો અવૉર્ડ સ્પેનની અને બાર્સેલોનાની મિડફીલ્ડર ઍલેક્સિયા પુટેલસને મળ્યો હતો.

અવૉર્ડ માટે કોણે કોને વોટ આપ્યો?

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો : રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી, ઍન્ગોલો કેન્ટ અને જૉરજિન્યો
લિયોનેલ મેસી : નેમાર, કીલિયાન ઍમ્બપ્પે અને કરીમ બેન્ઝેમા
રૉબર્ટ લેવાન્ડોવ્સ્કી : જૉરજિન્યો, લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ઇટલીમાં મોખરાની ટીમોનાં પરિણામો

ઇટલીની સેરી-એ લીગમાં પૉઇન્ટ્સ-ટેબલની મોખરાની ટીમ ઇન્ટર મિલાનની ચોથા નંબરની ઍટલાન્ટા સામેની મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી. બીજા નંબરની ટીમ એસી મિલાનની ૧૪મા નંબરની સ્પેઝિયા સામે ૧-૨થી હાર થઈ હતી અને ત્રીજા નંબરની નેપોલીનો ૧૩મા નંબરની બૉલોગ્ના સામે ૨-૦થી વિજય થયો હતો.

sports sports news football