કતારે જાસૂસીથી ફિફા વર્લ્ડ કપનું યજમાનપદ મેળવ્યું

24 November, 2021 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઆઇએના અધિકારી મારફત ટોચના ફુટબૉલ અધિકારીઓ પર વર્ષો સુધી નજર રખાવી હોવાનો દાવો

ફિફા વર્લ્ડ કપના સ્ટેડિયમમાં પહેલાં રમાશે આરબ કપની મૅચ

ફિફા વર્લ્ડ કપના સ્ટેડિયમમાં પહેલાં રમાશે આરબ કપની મૅચ

પશ્ચિમ એશિયાના આરબ દેશ કતારના પાટનગર દોહામાં બનેલું સ્ટેડિયમ-૯૭૪. આ અદ્યતન સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઈ ગયું છે જેમાં આવતા વર્ષે નવેમ્બરમાં શરૂ થનારા ફિફા વર્લ્ડ કપની મૅચો રમાશે. જોકે આગામી ૩૦ નવેમ્બરે આ સ્ટેડિયમમાં આરબ કપની પ્રારંભિક મૅચ રમાશે, જેમાં યુએઈ અને સિરિયા વચ્ચે મુકાબલો થશે. ૪૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતાવાળા આ સ્ટેડિયમની ડિઝાઇન અનોખી અને નવા જ પ્રકારની છે અને એના મોટા ભાગના હિસ્સા શિપિંગ કન્ટેનરથી બનેલા છે.  એ.એફ.પી.

અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના એક ભૂતપૂર્વ અધિકારી આવતા વર્ષના ફિફા ફુટબૉલ વર્લ્ડ કપના યજમાન આરબ દેશ કતાર માટે કાર્યરત રહેવામાં વર્ષો સુધી ટોચના સોકર અધિકારીઓ પર નજર રાખતા રહ્યા, એવું અસોસિએટેડ પ્રેસ (એ.પી.)ની તપાસમાં જાણવા મળ્યું છે.
કતારને ૨૦૧૦માં ૨૦૨૨ના વિશ્વકપ માટે પસંદ કરવામાં આવ્યું એ પહેલાં ફિફાના મુખ્ય અધિકારીઓએ કતાર ઉપરાંત અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા હરીફ દેશો સામે કતારના દાવાને પહેલાં પસંદ કરવામાં આવે એ માટે કતારે સીઆઇએના ઑફિસરમાંથી પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર બનેલા કેવિન ચૉકરને ભાડે રાખ્યા હોવાનું એ.પી.ની તપાસમાં જણાયું છે. કહેવાય છે કે કતારને યજમાનપદ મળી ગયું ત્યાર બાદ કતારની ટીકા કરનારાઓને પણ અંકુશમાં રાખવાનું કામ ચૉકરે કર્યું હોવાનું ચૉકરના ભૂતપૂર્વ સાથીઓના ઇન્ટરવ્યુમાંથી તેમ જ કૉન્ટ્રૅક્ટ્સ, ઇન્વોઇસિસ, ઈ-મેઇલ અને બિઝનેસ સંબંધી અન્ય દસ્તાવેજો પરથી એ.પી.ને જાણવા મળ્યું છે. આ જાસૂસીમાં બનાવટી ફોટો-જર્નલિસ્ટનો ઉપયોગ થયો હતો તેમ જ ઑનલાઇન પર મોહક સ્ત્રીનો સમાવેશ ધરાવતા ‘ફેસબુક હનીપૉટ’ને પણ માધ્યમ બનાવવામાં આવ્યું હતું.
અમેરિકાના ગુપ્તચર વિભાગમાં માનવ અધિકારો વિશે સંદેહજનક રેકૉર્ડ ધરાવતા ભૂતપૂર્વ અધિકારીઓ લાખો અને કરોડો ડૉલરના બદલામાં વિદેશી સરકારો માટે કામ કરતા હોવાની પ્રથા બહુ જૂની છે. ન્યુ જર્સીના ડેમોક્રૅટ ટૉમ મૅલિનોવ્સ્કીના મતે વૉશિંગ્ટન ડી.સી. મારફત અખાતના દેશોમાંથી પુષ્કળ ભંડોળ આવતું હોય છે અને કેટલાક અમેરિકનો લાલચમાં આવી જાય છે.
વિશ્વના સૌથી ધનિક દેશોમાં કતારનો પણ સમાવેશ છે.

જર્મન સ્પોર્ટ્સમાં કોરોનાની ચોથી વેવથી ફફડાટ

બર્લિનથી મળતા અહેવાલો મુજબ કોરોના વાઇરસનો ચેપ લાગવાના અસંખ્ય બનાવો બનતાં જર્મનીમાં અને ખાસ કરીને જર્મન સ્પોર્ટ્સમાં આ મહામારીની ચોથી વેવ શરૂ થઈ ગઈ હોવાથી લોકો ભયભીત છે. અનેક મૅચો રદ થઈ રહી છે, ખેલાડીઓને ક્વૉરન્ટીનમાં જવાનું કહેવામાં આવી રહ્યું છે અને વૅક્સિનના ફરજિયાત ડોઝ વિશે દલીલો થઈ રહી છે.
દેશની સૌથી મોટી ફુટબૉલ સ્પર્ધા બન્ડસલીગાની શક્તિશાળી ટીમ બાયર્ન મ્યુનિકના પાંચ ખેલાડીઓએ વૅક્સિન ન લીધી હોવાથી તેમને ક્વૉરન્ટીનમાં મોકલી દેવાયા છે. બીજા બે પ્લેયરના કોવિડના પૉઝિટિવ રિપોર્ટ આવતાં તેઓ આઇસોલેશનમાં છે. બાયર્નની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે અને બીજા નંબરની ડૉર્ટમન્ડની ટીમ એનાથી એક જ પૉઇન્ટ પાછળ છે. બાયર્ને ઘણા ખેલાડીઓની ગેરહાજરીને લીધે બીજા સ્થાને ધકેલાવું પડે તો નવાઈ નહીં.

55
જર્મનીમાં અત્યાર સુધી કોરોનાના કુલ આટલા લાખ કેસ બન્યા છે જેમાં ૯૯,૫૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે.

sports news sports football