પૅરાલિમ્પિક્સના સ્ટાર્સને મળ્યા પીએમ

10 September, 2021 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિદ્વાનો સાથે બેસીને ખુશ છું : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પૅરાલિમ્પિક્સના સ્ટાર્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૅરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને એમના આવાસ પર નાસ્તા માટે આમંત્રિત કરીને તેમનું સન્માન કર્યું હતું, બદલામાં ખેલાડીઓએ પોતે સાઇન કરેલી એક શાલ તેમને આપી હતી. ભારત આ વખતે પાંચ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીત્યું હતું. ખેલાડીઓએ તેઓ જે રમતગમતનાં સાધનથી મેડલ જીત્યા હતા એ સાધન પણ વડા પ્રધાનને ભેટમાં આપ્યાં હતાં. વડા પ્રધાને ખેલાડીઓ ઉપરાંત તેમના કોચ સાથે પણ વાત કરી હતી. ખેલાડીઓએ આપેલાં સાધનોની બાદમાં હરાજી કરવામાં આવશે.

વડા પ્રધાને આ ખેલાડીઓ જ્યારે મેડલ જીત્યા હતા ત્યારે પણ તેમની સાથે વાતો કરી હતી જેમાં નોઇડાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સુહાસ યથિરાજ (સિલ્વર મેડલ વિજેતા), ક્રિષ્ણા નાગર (ગોલ્ડ મેડલ વિજેતા) અને પલક કોહલીનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ પણ વડા પ્રધાને આપેલા આમંત્રણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ તેમની સાથે ટેબલ પર બેસવું એ પણ એક મોટી સિદ્ધિ ગણાવી હતી.

વિદ્વાનો સાથે બેસીને ખુશ છું : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ગઈ કાલે બૅડ્મિન્ટન ખેલાડી-કમ-આઇએએસ અધિકારી સુહાસ યથીરાજ અને તીરંદાજ-કમ-ઇકૉનૉમિક સ્કૉલર હરવિન્દર સિંહ સાથે નાસ્તા દરમ્યાન વડા પ્રધાને કહ્યું કે વિદ્વાનો સાથે બેસીને ખુશ છે. શિક્ષણ અને રમત સાથે ન ચાલે એ વાત આ લોકોએ ખોટી પાડી છે.’ શૂટર અવનિ લેખરાએ કઈ રીતે પોતે અભિનવ બિન્દ્રાની આત્મકથા વાંચીને પ્રેરણા લીધી હતી એ વાત પણ કરી હતી. વડા પ્રધાને ત્યાં હાજર તમામ ખેલાડીઓ સાથે વ્યક્તિગત વાત કરી હતી. તેમણે દેવેન્દ્ર ઝાઝરિયાને સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા માટે આપેલા વચનની પણ યાદ અપાવી હતી.

sports sports news narendra modi