બ્રાઝિલને જિતાડી નેમાર પાછો ફૉર્મમાં

16 October, 2021 07:14 PM IST  |  Mumbai | Agency

વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં એક ગોલ કર્યો અને ત્રણમાં મદદરૂપ બન્યો : નિવૃત્તિનો વિચાર પડતો મૂકવા મિત્રોની અપીલ

બ્રાઝિલમાં મૅનોસ ખાતેની ગુરુવારની ઉરુગ્વે સામેની મૅચમાં ગૅબ્રિયલ બાબોર઼્સા ગોલ કર્યા પછી ટીમના સૌથી લોકપ્રિય ખેલાડી નેમાર પર ટિંગાઈ ગયો હતો. મૅચનો પહેલો ગોલ નેમારે કર્યો હતો. અે.અેફ.પી.

કતારમાં આવતા વર્ષે યોજાનારા ફિફા વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રવિવારે કોલમ્બિયા સામેની ૦-૦ની ડ્રૉ મૅચમાં નબળા પર્ફોર્મન્સ બદલ સુપરસ્ટાર ફુટબૉલ ખેલાડી નેમારે ચાહકો અને નિષ્ણાતોની ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો અને તેણે વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઈ લેવાનો વિચાર વહેતો મૂક્યો હતો, પરંતુ ગુરુવારે ઉરુગ્વેની મજબૂત ટીમ સામે બ્રાઝિલને ૪-૧થી જ્વલંત વિજય અપાવ્યા પછી હવે નેમાર ફરી ખુશખુશાલ છે. કેટલાક સાથી ખેલાડીઓએ તેને રિટાયરમેન્ટનો વિચાર પડતો મૂકવાની અપીલ કરી છે. નેમાર ૭ ઑક્ટોબરે સસ્પેન્શનને કારણે વેનેઝુએલા સામેની મૅચમાં નહોતો રમ્યો. બ્રાઝિલ એ મૅચ ૩-૧થી જીત્યું હતું.
૨૯ વર્ષના નેમારે ઉરુગ્વે સામે ૧૦મી મિનિટે ડ્રિબ્લિંગથી ગોલકીપરને થાપ આપીને ટીમનો પહેલો ગોલ નોંધાવ્યો હતો. ત્યાર પછી બ્રાઝિલ વતી ડેબ્યુ કરનાર રાફિન્હાએ ૧૮મી અને ૫૮મી મિનિટે જે ગોલ કર્યા હતા એ નેમારની મદદથી થયા હતા. નેમારના એ બે અસિસ્ટ બાદ બ્રાઝિલે ૬૩મી મિનિટે નેમારના વધુ એક અસિસ્ટથી ગોલ કર્યો હતો. એ ગોલ ગૅબ્રિયલ બાર્બોસાએ કર્યો હતો. ઉરુગ્વે વતી થયેલો એકમાત્ર ગોલ લુઇસ સ્વારેઝે કર્યો હતો.
હવે ૧૧ નવેમ્બરે ક્વૉલિફાઇંગ રાઉન્ડની બાકીની મૅચો શરૂ થશે જેમાં જો બ્રાઝિલ પ્રથમ મુકાબલામાં કોલમ્બિયાને હરાવશે તો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ જશે.

અન્ય મૅચોમાં શું બન્યું?
ક્વૉલિફાઇંગ રાઉન્ડના દક્ષિણ અમેરિકાના દેશોના ગ્રુપમાં બીજા નંબરના આર્જેન્ટિનાએ ગુરુવારે પેરુને ૧-૦થી હરાવ્યું હતું અને આવતા મહિને ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. લિયોનેલ મેસી માટે હમણાં સારો સમય નથી ચાલી રહ્યો એટલે આર્જેન્ટિનાએ નાની ટીમો સામે પણ જીતવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
ચિલીએ વેનેઝુએલાને ૩-૦થી મહાત આપી હતી.
બોલિવિયાએ પારાગ્વેને ૪-૦થી હરાવ્યું હતું.
કોલમ્બિયા-ઇક્વાડોરની મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી.

4
દક્ષિણ અમેરિકાના દેશોવાળા ગ્રુપની ૧૦માંથી આટલી ટીમો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ શકશે. બ્રાઝિલ ૧૦ ટીમોના ગ્રુપમાં ૩૧ પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે આર્જેન્ટિના (૨૫) બીજા નંબરે, ઇક્વાડોર (૧૭) ત્રીજે અને કોલમ્બિયા (૧૬) ચોથે છે.

sports news sports football