News In Shorts: સૅડ્યો મેને ઑપરેશનને લીધે વર્લ્ડ કપની બહાર

19 November, 2022 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આફ્રિકન દેશ સેનેગલનો મુખ્ય પ્લેયર સૅડ્યો મેનેએ પગની ઈજા બાદ સર્જરી કરાવી હોવાથી તે આવતી કાલે શરૂ થતા ફિફા વર્લ્ડ કપમાં નહીં રમી શકે.

સૅડ્યો મેને

સૅડ્યો મેને ઑપરેશનને લીધે વર્લ્ડ કપની બહાર
આફ્રિકન દેશ સેનેગલનો મુખ્ય પ્લેયર સૅડ્યો મેનેએ પગની ઈજા બાદ સર્જરી કરાવી હોવાથી તે આવતી કાલે શરૂ થતા ફિફા વર્લ્ડ કપમાં નહીં રમી શકે. ૩૦ વર્ષનો સૅડ્યો બે વખત આફ્રિકન પ્લેયર ઑફ ધ યરનો અવૉર્ડ જીતી ચૂક્યો છે. તેણે ઑસ્ટ્રિયામાં ઑપરેશન કરાવ્યું છે. સેનેગલની ટીમ સૅડ્યોની ગેરહાજરીને લીધે નબળી પડી છે. સૅડ્યોની હાજરીને લીધે આ ટીમ વર્લ્ડ કપની અત્યાર સુધીની સેનેગલની તમામ ટીમોમાં બેસ્ટ મનાતી હતી. સેનેગલની ટીમ કતાર પહોંચી ગઈ છે અને સોમવારે એની પ્રથમ મૅચ નેધરલૅન્ડ્સ સામે છે.

આર્જેન્ટિનાની ટીમમાંથી પણ બે ઈજાગ્રસ્ત ખેલાડીઓની બાદબાકી
વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ ગણાતી ટીમોમાં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાનો પણ સમાવેશ છે. આ ટીમે મંગળવારે સાઉદી અરેબિયા સામે પોતાની પહેલી મૅચ રમાય એ પહેલાં ઈજાને કારણે બે ખેલાડીને ટીમમાંથી ગુમાવી દીધા છે. નિકોલસ ગૉન્ઝાલેઝ અને જૉકિમ કોરીઆને ઈજા થઈ છે અને તેમના સ્થાને અનુક્રમે ઍન્જેલ કોરીઆ અને ટિઆગો અલ્માડાને ટીમમાં સમાવવામાં આવ્યા છે. આ ગ્રુપમાં મેક્સિકો અને પોલૅન્ડ પણ છે.

વર્લ્ડ નંબર સેવન સ્પેને જૉર્ડનને ૩-૧થી હરાવ્યું
ફુટબૉલ વિશ્વના સાતમા નંબરના સ્પેને ગુરુવારે દોહામાં વર્લ્ડ કપ પહેલાંની વૉર્મ-અપ મૅચમાં ૮૪મા નંબરના જૉર્ડનને ૩-૧થી હરાવીને પોતાની તાકાત બતાવી દીધી હતી. ઍન્સુ ફાતીએ ૧૩મી મિનિટે ગોલ કર્યો ત્યાર બાદ ૫૬મી મિનિટે ગાવીએ સ્પેનને બીજો ગોલ અપાવતાં સ્કોર ૨-૦નો થયો હતો. ૭૨મી મિનિટે ફાતીના સ્થાને નિકો વિલિયમ્સને મોકલવામાં આવ્યો હતો અને તેણે ૮૪મી મિનિટે ગોલ કરીને સ્કોર ૩-૦નો કર્યો હતો. જૉર્ડનના ખેલાડી હમ્ઝાએ ૯૨મી મિનિટે ટીમને પ્રથમ ગોલ અપાવ્યો હતો.

 

world cup football