ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો ખેલ જગતના તમામ સમાચાર

19 June, 2021 11:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઍથ્લિટો પાછળ ખેલ મંત્રાલયે પાંચ વર્ષમાં ૧૧૬૯.૬૫ કરોડ ખર્ચ્યા; સીપીએલ આવ્યું આઇપીએલની મદદે અને વધુ સમાચાર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ભારતીય મેન્સ હૉકી ટીમમાં ૧૦ ઑલિમ્પિક્સ ડેબ્યુટન્ટ

ઑલિમ્પિક્સ માટેની ભારતીય મેન્સ હૉકી ટીમની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. ૧૬ મેમ્બરોની ટીમમાં અનુભવીઓ પી. આર. શ્રીજેશ, મનપ્રીત સિંહ, હર્મનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ, સુરેન્દરકુમાર અને મનદીપ સિંહ સાથે ૧૦ એવા ખેલાડીઓ સામેલ કરવામાં આવ્યા છે જેઓ પહેલી વાર ઑલિમ્પિક્સમાં રમશે. આ ૧૦ ખેલાડીઓમાં અમિત રોહિદાસ, હાર્દિક સિંહ, વિવેકસાગર પ્રસાદ, નીલકાંત શર્મા, સુમીત, શમશેર સિંહ, દિલપ્રીત સિંહ, ગુર્જત સિંહ અને લલિતકુમાર ઉપાધ્યાનો સમાવેશ છે; જેઓ ટોક્યોમાં ઑલિમ્પિક્સ ડેબ્યુ કરશે.

૨૦૧૬માં રિયો ઑલિમ્પિક્સમાં રમ્યા હોય એવા ત્રણ જ પ્લેયર આ ટીમમાં સામેલ છે. રિયોમાં રમ્યા હોય, પણ આ વખતે ટીમમાં સામેલ ન થયા હોય એવા જાણીતાઓમાં આકાશદીપ સિંહ અને રમણદીપ સિંહનો સમાવેશ છે. ટીમના કૅપ્ટનની જાહેરાત નથી કરવામાં આવી, પણ મોટા ભાગે મનપ્રીત સિંહ ટીમની કમાન સંભાળશે.

ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત પુલ-‘એ’માં છે જેમાં બીજી ટીમ ગયા વખતની ચૅમ્પિયન આર્જેન્ટિના, ત્રણ વખતની વર્લ્ડ ચૅમ્પિયન અને હાલની નંબર-વન ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને સ્પેનનો સમાવેશ છે.

 

ઍથ્લિટો પાછળ ખેલ મંત્રાલયે પાંચ વર્ષમાં ૧૧૬૯.૬૫ કરોડ ખર્ચ્યા

૨૦૧૬ના રિયો ઑલિમ્પિક્સ બાદ અત્યાર સુધી એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના સ્પોર્ટ્સ મંત્રાલયે આગામી ટોક્યો ઑલિમ્પિક્સના ઍથ્લેટિકો પાછળ ૧૧૬૯.૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મંત્રાલયે ખેલાડીઓની ટ્રેઇનિંગ, વિદેશી ટૂર, દેશ-વિદેશીની સ્પર્ધાઓ (જુનિયર અને સિનિયર) માટે સાધનસામગ્રી સહિતના ખર્ચ ઉપયાંત કોચ, રેફરી અને ટેક્નિકલ સ્ટાફના ખર્ચા વગેરે પાછળ આ પૈસા વાપરવામાં આવ્યા હતા.

 

ઇન્સ્ટાગ્રામમાં ૩૦ કરોડ ફૉલોઅર્સથી  ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાનો પ્રથમ

પોર્ટુગલનો સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાનની સાથોસાથ સોશ્યલ મીડિયા પણ ગજવી રહ્યો છે. તેના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર ૩૦ કરોડ ફૉલોઅર્સ થઈ ગયા છે અને આ માઇલસ્ટોન હાંસલ કરનાર તે દુનિયાનો પ્રથમ વ્યક્તિ બન્યો છે.

યુવેન્ટ્સ ક્લબ વતી રમતો રોનાલ્ડો આ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ૨૦ કરોડ ફૉલોઅર્સનો લૅન્ડમાર્ક હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વ્યક્તિ બન્યો છે.

બે દિવસ પહેલાં પોર્ટુગલના કૅપ્ટન રોનાલ્ડોએ હંગેરી સામેની મૅચમાં બે ગોલ સાથે યુરો કપમાં સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત આ બે ગોલ સાથે તેના ઇન્ટરનૅશનલ ગોલની સંખ્યા પણ ૧૦૬ થઈ ગઈ હતી અને ઈરાનના ખેલાડીના રેકૉર્ડ ૧૦૯ ગોલથી હવે તે માત્ર ત્રણ ગોલ જ દૂર છે. આ ઉપરાંત રોનાલ્ડો રેકૉર્ડ પાંચમી વાર યુરો કપમાં રમી રહ્યો છે.

 

સ્વીડને સ્લોવાકિયાને હરાવ્યું

ગઈ કાલે સાંજે ગ્રુપ-‘ઇ’ની ટક્કરમાં સ્વીડને સ્લોવાકિયાને ૧-૦થી હરાવીને પહેલી જીત નોંધાવી હતી. સ્વીડનનો સ્પેન સામેનો પહેલો મુકાબલો ગોલ વગર ડ્રો રહ્યો હતો. જ્યારે સ્લોવાકિયા તેની પહેલી ટક્કરમાં પોલેન્ડ સામે ૨-૧થી જીત મેળવી હતી.

 

પેરુને ૪-૦થી કચડી બ્રાઝિલ ટૉપમાં

બ્રાઝિલમાં ચાલી રહેલી કોપા અમેરિકા ફૂટબોલ ટુર્નામેન્ટમાં યજમાને બ્રાઝિલે પેરુને ૪-૦થી કચડીને સતત બીજા વિજય સાથે ગ્રુપ ‘બી’માં પૉઇન્ટ ટેબલમાં ટૉપમાં પહોંચી ગયું હતું. આ ચાર ગોલમાં સ્ટાર ખેલાડી નેમારે પણ એક ગોલ કર્યા હતો. અનેક યુવા ખેલાડીઓને તક આપી હોવા છતાં શાનદાર જીતને લીધે બ્રાઝિલ ફરી ચૅમ્પિયન બનવા હોટ ફૅવરિટ બની ગયું છે.

નેમારના આ મૅચના ગોલ સાથે હવે તેના કુલ ૭૭ ગોલ થઈ ગયા છે. બ્રાઝિલ વતી સૌથી વધુ ૭૭ ગોલના લેજન્ડ પેલેના રેકોર્ડથી હવે એ ફક્ત ૯ ગોલ દૂર છે.

 

બોપન્ના અને શરન ક્વૉર્ટર ફાઇનલમાં હાર્યા

જર્મનીમાં ચાલી રહેલી નોવેન્ટી ઓપનની ભારતીય જોડી રોહન બોપન્ના અને દિવિજ શરન મેન્સ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયા છે. બેલ્જિયમની જોડી સામે બોપન્ના-શરનની જોડીનો ૩-૬, ૬-૭ એમ સીધા સેટમાં પરાજય થયો હતો. ટોક્યો ઑલિમ્પિક્સમાં જોડી તરીકે ક્વૉલિફાય થવાની રાહ જોતા બોપન્ના-શરનની ૧૪ જૂનની કટ ઑફ તારીખે તેમનનું કુલ ટોટલ રૅન્કિંગ ૧૧૩ (બોપન્નાની ૩૮ અને શરનની ૭૫) જેટલી નીચી હોવાથી હવે બીજા દેશના વધુ ખેલાડીઓ હટી જાય તો જ તેમનો નંબર લાગી શકે છે.

 

સીપીએલ આવ્યું આઇપીએલની મદદે: ભારતીય ક્રિકેટ બોર્ડની વિનંતીને માન આપીને કેરેબિયન પ્રિમિયર લીગ શૅડ્યુલ બદલાયું, ચાર દિવસ વહેલી પૂરી કરાશે

બાયો-બબલ્સમાં કોરોના કેસીસ વધતા આઇપીએલની ૧૪મી સીઝન ૨૯ મૅચ બાદ રોકી દેવી પડી હતી. હવે બાકીની મૅચો રમાડવા ભારતીય ક્રિકેટ બોર્ડે યુએઈમાં ૧૯ સમ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર દરમ્યાન આયોજન કરી રહી છે. જોકે બીજા અનેક વિઘ્ન વચ્ચે કૅરેબિયન પ્રમિયર લીગને લીધે શરૂઆતની અમુક મૅચોમાં આઇપીએલ વેસ્ટ ઇન્ડિયન ખેલાડી વગર રમવું પડે એમ હતું. કૅરેબિયન પ્રિમિયર લીગ ૨૮ ઓગસ્ટ શરૂ થઈને ૨૯ સપ્ટેમ્બરના રોજ પૂરી થવાની હતી. ત્યારબાદ યુએઈમાં ત્રણેક દિવસ ક્વૉરન્ટાઇના પણ ગણીએ તો પહેલું અઠવાડિયા વેસ્ટ ઇન્ડિયન ખેલાડી ઉપરાંત એ ટૂર્નામેન્ટમાં સામેલ અન્ય વિદેશી ખેલાડી વગર રમવું પડે એમ હતું.

જોકે હવે ભારતીય ક્રિકેટ બોર્ડની વિનંતીને માન્ય કરતા કૅરેબિયન પ્રિમિયલ લીગ હવે ૨૫ ઓગસ્ટે શરૂ થશે અને ૧૫ સપ્ટેમ્બરે પુરી થઈ શકે. આમ હવે કૅરેબિયનો હવે ૧૯મી પહેલી મૅચમાં પર સામેલ થઈ શકશે. ઑસ્ટ્રેલિયન અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ રમવા આવશે કે કેમ એ અંગે હજુ સસ્પેન્ડ બનેલું હોવાથી જો વેસ્ટ ઇન્ડિયન્સ ખેલાડી પણ બાકીની મૅચમાંથી આઉટ થઈ જાત તો આઇપીએલનો રોમાન્સ ઓછો થઈ જાત.

sports sports news cristiano ronaldo rio olympics 2016 peru brazil football rohan bopanna