News In Shorts: પાંચ ફુટબૉલ વર્લ્ડ કપ રમનાર પ્રથમ પ્લેયરનું નિધન

11 May, 2023 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેઓ મેક્સિકોના ગોલકીપર હતા અને ૧૯૫૦થી ૧૯૬૬ સુધીના પાંચ વર્લ્ડ કપમાં કુલ ૧૧ મૅચ રમ્યા હતા

ઍન્ટોનિયો કાર્બાયલ

પાંચ ફુટબૉલ વર્લ્ડ કપ રમનાર પ્રથમ પ્લેયરનું નિધન

ફુટબૉલના પાંચ વર્લ્ડ કપ રમનાર પ્રથમ ફુટબોલર ઍન્ટોનિયો કાર્બાયલનું ૯૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ મેક્સિકોના ગોલકીપર હતા અને ૧૯૫૦થી ૧૯૬૬ સુધીના પાંચ વર્લ્ડ કપમાં કુલ ૧૧ મૅચ રમ્યા હતા. તેમના સિવાય પાંચ વિશ્વકપ રમી ચૂકેલા જાણીતા ખેલાડીઓમાં લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લૉથાર મૅથ્યુઝ અને જિયાનલુઇગી બુફોંનો સમાવેશ છે.

સેમીમાં મૅડ્રિડ, સિટીની પ્રથમ તબક્કાની મૅચ ૧-૧થી ડ્રૉ

સ્પેનના મૅડ્રિડમાં મંગળવારે રિયલ મૅડ્રિડ અને મૅન્ચેસ્ટર સિટી વચ્ચેની ચૅમ્પિયન્સ લીગ સેમી ફાઇનલના પ્રથમ તબક્કાની મૅચ ભારે રસાકસી બાદ ૧-૧થી ડ્રૉમાં પરિણમી હતી અને હવે બીજા તથા નિર્ણાયક તબક્કાની મૅચ આવતા અઠવાડિયે મૅન્ચેસ્ટરમાં રમાશે. ગઈ સીઝનમાં મૅડ્રિડે સેમીમાં સિટીને હરાવી હતી. સિટીના મુખ્ય ખેલાડી અને આ સ્પર્ધાના ટૉપ-સ્કોરર એર્લિંગ હાલાન્ડને મૅડ્રિડના ડિફેન્ડર્સે કાબૂમાં રાખ્યો હતો અને તેને એકેય ગોલ નહોતો કરવા દીધો. મૅડ્રિડ વતી એકમાત્ર ગોલ વિનિસિયસ જુનિયરે ૩૬મી મિનિટમાં અને સિટીનો એકમાત્ર ગોલ કેવિન ડિ બ્રુઈને ૬૭મી મિનિટમાં કર્યો હતો.

પૅરિસમાં ૧૫,૦૦૦ ઍથ્લીટ્સને ભોજન મળશે, પણ દારૂ નહીં

પૅરિસમાં આવતા વર્ષે જે સમર ઑલિમ્પિક્સ યોજાવાની છે એ દરમ્યાન ફ્રાન્સ આવનાર ૧૫,૦૦૦ જેટલા ઍથ્લીટ્સને ફ્રાન્સના વિશિષ્ટ ભોજનનો, હેલ્ધી ફૂડનો તેમ જ બ્રેડની અનેક વાનગીઓનો આસ્વાદ કરવા મળશે, પરંતુ દારૂનું સેવન નહીં કરવા મળે. એ ઑલિમ્પિક ગેમ્સ દરમ્યાન પૅરિસના ઑલિમ્પિક વિલેજમાં દરરોજ કુલ ૪૦,૦૦૦ જણને ભોજનની વાનગીઓ પીરસવામાં આવશે, જેમાંની કેટલીક વાનગીઓ ફ્રાન્સના જાણીતા શેફ દ્વારા બનાવવામાં આવી હશે.

બૉક્સર દીપક અને હુસામુદ્દીને બે વર્લ્ડ મેડલ પાકા કર્યા

તાશ્કંદમાં મુક્કાબાજીની વિશ્વસ્પર્ધામાં ભારતના દીપક ભોરિયા (૫૧ કિલો) અને મોહમ્મદ હુસામુદ્દીને (૫૭ કિલો) ગઈ કાલે સેમી ફાઇનલમાં પહોંચીને ભારત માટે બે મેડલ પાકા કરી લીધા હતા. હરિયાણાના દીપકે ક્વૉર્ટર ફાઇનલમાં કીર્ગિઝસ્તાનના નર્ઝીગિટ દુશેબાવને ૫-૦થી હરાવી દીધો હતો, જ્યારે બે વખત કૉમનવેલ્થ મેડલ જીતી ચૂકેલા હુસામુદ્દીને બલ્ગેરિયાના જે. ડિયાઝ સામે ભારે લડ્યા બાદ ૪-૩થી જીત મેળવી હતી.

sports sports news football boxing paris