News In Short: કતારના રાષ્ટ્રીય પ્રતીકમાં વર્લ્ડ કપની જર્સી

19 September, 2022 11:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં પહેલી મૅચ ૨૦ નવેમ્બરે યજમાન કતાર અને ઇક્વેડોર વચ્ચે રમાશે.

કતારના રાષ્ટ્રીય પ્રતીકમાં વર્લ્ડ કપની જર્સી

કતારના રાષ્ટ્રીય પ્રતીકમાં વર્લ્ડ કપની જર્સી

બે મહિના પછી આરબ દેશ કતારમાં ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ રમાશે અને એ નિમિત્તે કતારે પોતાના રાષ્ટ્રીય પ્રતીકમાં ફેરફાર કર્યો છે. રાબેતા મુજબના પ્રતીકમાં બે તલવાર વચ્ચે દરિયામાં બોટ અને તાડનાં બે ઝાડ છે, પરંતુ સરકારે એમાં વર્લ્ડ કપની જર્સી ઉમેરી છે. વર્લ્ડ કપમાં પહેલી મૅચ ૨૦ નવેમ્બરે યજમાન કતાર અને ઇક્વેડોર વચ્ચે રમાશે.

વેસ્ટ-સાઉથ વચ્ચે રમાશે દુલીપ ટ્રોફીની ફાઇનલ

પાંચ-દિવસીય દુલીપ ટ્રોફી ફાઇનલ બુધવાર ૨૧ સપ્ટેમ્બરથી કોઇમ્બતુરમાં વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાશે. ગઈ કાલે પહેલી સેમી ફાઇનલમાં સેન્ટ્રલ ઝોન ૫૦૧ રનના લક્ષ્યાંક સામે મુંબઈના શમ્સ મુલાનીની પાંચ અને અમદાવાદના ચિંતન ગજાની ત્રણ વિકેટને કારણે ૨૨૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં વેસ્ટ ઝોને ૨૭૯ રનથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી સેમીમાં નૉર્થ ઝોન ૭૪૦ રનના તોતિંગ ટાર્ગેટ સામે કે. ગૌતમ, રવિ સાઈ કિશોર અને તનય ત્યાગરાજનની ત્રણ-ત્રણ વિકેટને કારણે ફક્ત ૯૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું જેમાંથી ૫૯ રન ઓપનર યશ ધુલના હતા.

ઇન્ડિયા ‘એ’ના વિજયે આપ્યો નવો સ્પિનર સૌરભ

અમદાવાદના બૅટર પ્રિયાંક પંચાલના સુકાનમાં ઇન્ડિયા ‘એ’ ટીમે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ ‘એ’ને ત્રીજી બિનસત્તાવાર ટેસ્ટમાં ૧૧૩ રનથી હરાવીને ૧-૦થી સિરીઝ જીતી લીધી એમાં સૌથી મોટું યોગદાન ઉત્તર પ્રદેશના ૨૯ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર સૌરભ કુમાર (૪૮ રનમાં ચાર અને ૧૦૩ રનમાં પાંચ વિકેટ)નું હતું. તેના તરખાટને કારણે વિદેશી ટીમ પહેલા દાવમાં ૨૩૭ રનમાં અને બીજા દાવમાં ૪૧૬ રનના લક્ષ્યાંક સામે ૩૦૨ રનમાં તંબુભેગી થઈ ગઈ હતી. જોકે પહેલા દાવમાં રાહુલ ચાહરે ત્રણ અને બીજા દાવમાં સરફરાઝ ખાને બે વિકેટ લીધી હતી. પહેલી બે મૅચ ડ્રૉ થઈ હતી.

sports news sports football qatar