News In Short: હિમા દાસ નૅશનલ ગેમ્સના પ્રથમ મેડલની તલાશમાં

20 September, 2022 12:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બરે શરૂ થનારી નૅશનલ ગેમ્સમાં દેશની ટોચની રનર હિમા દાસ આ રમતોત્સવનો પ્રથમ ચંદ્રક જીતવા કોઈ કસર નહીં છોડે.

હિમા દાસ

હિમા દાસ નૅશનલ ગેમ્સના પ્રથમ મેડલની તલાશમાં

રાષ્ટ્રીય રમતોત્સવ ૭ વર્ષે ફરી યોજાવાનો છે. ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બરે શરૂ થનારી નૅશનલ ગેમ્સમાં દેશની ટોચની રનર હિમા દાસ આ રમતોત્સવનો પ્રથમ ચંદ્રક જીતવા કોઈ કસર નહીં છોડે. બીજી ટોચની રનર દુતી ચંદ ૨૦૧૫ના ગયા રાષ્ટ્રીય રમતોત્સવમાં ૧૦૦ મીટરની દોડમાં ગોલ્ડ અને ૨૦૦ મીટરની દોડમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી, પરંતુ હિમા પ્રથમ મેડલની તલાશમાં છે. ભાલાફેંકમાં ઑલિમ્પિક્સનો ગોલ્ડ જીતી ચૂકેલો નીરજ ચોપડા આ રમતોત્સવમાં ભાગ નથી લેવાનો, પરંતુ સ્ટીપલચેઝનો ટોચનો ઍથ્લીટ અવિનાશ સાબળે અને લૉન્ગ જમ્પર મુરલી શ્રીશંકર પોતાની કાબેલિયત પુરવાર કરતા જોવા મળશે. ઘણા ઍથ્લીટ્સ આ રમતોત્સવમાં ચૅમ્પિયન થઈને વિશ્વસ્પર્ધા માટેનું ક્વૉલિફિકેશન મેળવી શકશે.

કપિલ દેવના નામે રમાશે ગૉલ્ફ ટુર્નામેન્ટ

ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવ બહુ સારા ગૉલ્ફર છે અને તેમણે ગ્રાન્ટ થૉર્નટન ભારત નામની કન્સલ્ટેશન કંપની સાથે હાથ મિલાવ્યા છે અને એના ભાગરૂપે કપિલ દેવ-ગ્રાન્ટ થૉર્નટન ઇન્વિટેશનલ નામની ગૉલ્ફ ટુર્નામેન્ટ રમાશે. ૨૭ સપ્ટેમ્બરથી ગુરુગ્રામમાં રમાનારી આ સ્પર્ધામાં અનેક પ્રોફેશનલ ગૉલ્ફર્સ ભાગ લેશે અને સ્પર્ધામાં કુલ એક કરોડ રૂપિયાનાં ઇનામ અપાશે.

ફિફાના પ્રમુખ મોદીને મળવા કદાચ ભારત આવશે

ફુટબૉલ વિશ્વનું સંચાલન કરતી સંસ્થા ફિફાના પ્રમુખ ગિઆની ઇન્ફેન્ટિનો કદાચ ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયા દરમ્યાન ભારતના પ્રવાસે આવશે અને ભારતમાં ફુટબૉલની રમતને કઈ રીતે આગળ લઈ જવી એ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ ગોલકીપર અને બીજેપીના નેતા કલ્યાણ ચૌબે ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશનના પ્રમુખ બન્યા હતા.

લખનઉમાં મિચલ જૉન્સનનાં રૂમમાં સાપ

લેજન્ડ્સ લીગ ક્રિકેટ રમવા ભારત આવેલા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મિચલ જૉન્સનની લખનઉ હોટેલમાંની રૂમમાં દરવાજા નજીક એક સાપ દેખાયો હોવાના અહેવાલે ગઈ કાલે ચકચાર જગાવી હતી. જૉન્સને મીડિયાની એક પોસ્ટમાં લખ્યું હતું, ‘કોઈ મને કહેશે કે આ સાપ કેવા પ્રકારનો છે? મારી રૂમના દરવાજા પાસે ફરી રહ્યો છે.’

sports news sports cricket news kapil dev