News in Short: ૨-૬ની હાર પરથી શીખેલા ઈરાનને આજે બેલનો ડર

25 November, 2022 11:07 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ મૅચમાં ઈરાને ૨-૬થી જે પરાજય જોયો એમાં એના પ્લેયર્સ બ્રિટિશ ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

૨-૬ની હાર પરથી શીખેલા ઈરાનને આજે બેલનો ડર

ફિફા વર્લ્ડ કપમાં આજે ગ્રુપ ‘બી’માં ઈરાનનો મુકાબલો વેલ્સ સામે છે. ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ મૅચમાં ઈરાને ૨-૬થી જે પરાજય જોયો એમાં એના પ્લેયર્સ બ્રિટિશ ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યા છે એવું ગઈ કાલે ઈરાનના કોચ કાર્લોસ ક્વિરોઝે આજના વેલ્સ સામેના મુકાબલા વિશે પત્રકારોને કહ્યું હતું. ઈરાનમાં સરકાર વિરુદ્ધ અશાંતિનો માહોલ છે અને એ જ કારણ ઇંગ્લૅન્ડ સામેની ૨-૬ની હાર માટે આપવામાં આવી રહ્યું છે. જોકે વેલ્સની ટીમ આજે ઈરાનને હરાવીને ત્રણ પૉઇન્ટ મેળવવા કોઈ કસર બાકી નહીં રાખે. ખાસ કરીને ઈરાનને વેલ્સનો ગારેથ બેલ નડી શકે. વેલ્સે પહેલી મૅચ અમેરિકા સામે ૧-૧થી ડ્રૉ કરાવીને ૧૯૫૮ની સાલ પછી વર્લ્ડ કપમાં પહેલો પૉઇન્ટ મેળવ્યો હતો.

કતાર આજે સાઉથ આફ્રિકાના ખરાબ રેકૉર્ડની પણ બરાબરી કરશે?

કતારે રવિવારે ઇક્વાડોર સામેની પહેલી મૅચમાં ૦-૨થી સહેવા પડેલા પરાજયને લીધે સૌપ્રથમ મૅચમાં પરાજિત થનારા વર્લ્ડ કપના સૌથી પહેલા યજમાન દેશ તરીકેની નાલેશી પોતાના નામે લખાતી જોવી પડી ત્યાર પછી હવે આજે પણ જો સેનેગલ સામે એનો પરાજય થશે તો ગ્રુપ-સ્ટેજમાં જ સ્પર્ધાની બહાર થઈ જનાર સાઉથ આફ્રિકા પછીનો બીજો દેશ બનશે. 

બે ગ્રુપ-ટૉપરની આજે અલગ મૅચમાં કસોટી

વર્લ્ડ કપના ગ્રુપ ‘એ’માં નેધરલૅન્ડ્સ મોખરે છે અને એની આજે બીજા નંબરની ટીમ ઇક્વાડોર સામે ટક્કર છે. બન્નેના એક-એક વિજય બદલ ત્રણ-ત્રણ પૉઇન્ટ છે. આજે ચડિયાતા પુરવાર થવા માટેનો ખરો મુકાબલો નેધરલૅન્ડ્સના મેમ્ફિસ ડીપે અને ઇક્વાડોરના એનર વાલેન્સિયા વચ્ચે જોવા મળશે. ગ્રુપ ‘બી’માં ઇંગ્લૅન્ડ ત્રણ પૉઇન્ટ સાથે અવ્વલ છે અને એનો આજે અમેરિકા સાથે જંગ છે. હૅરી કેનની બ્રિટિશ ટીમને અમેરિકા સામે ડર માત્ર એટલો છે કે આ વર્લ્ડ કપમાં મંગળવારથી મોટા અપસેટ થવા માંડ્યા છે. એક અપસેટમાં સાઉદીએ આર્જેન્ટિનાને ૨-૧થી અને બીજા શૉકિંગ રિઝલ્ટમાં જપાને જર્મનીને ૨-૧થી હરાવ્યું છે.

sports sports news football