મહારાષ્ટ્રની રિતિકા શ્રીરામની ડાઇવિંગમાં ગોલ્ડન હૅટ-ટ્રિક

06 October, 2022 11:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આજથી યોગાસનની હરીફાઈઓ : મહિલાઓની ટ્રેડિશનલ કૉમ્પિટિશનથી શરૂઆત

મહારાષ્ટ્રની રિતિકા શ્રીરામની ડાઇવિંગમાં ગોલ્ડન હૅટ-ટ્રિક

નૅશનલ ગેમ્સમાં ગઈ કાલે મહારાષ્ટ્રની રિતિકા શ્રીરામ ડાઇવિંગની હરીફાઈમાં ત્રણ દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતી હતી. ખરેખર તો રિતિકાનો ડાઇવિંગમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ હોવાથી તેણે ગોલ્ડન હૅટ-ટ્રિક કરી છે. તેણે આ સિદ્ધિ રાજકોટના સરદાર પટેલ ઍક્વેટિક્સ કૉમ્પ્લેક્સમાં મેળવી હતી. રિતિકા નૅશનલ ગેમ્સમાં કુલ મળીને ૧૦ ચંદ્રક જીતી છે.

રિતિકા શ્રીરામ સોલાપુરની છે, પરંતુ મુંબઈમાં રહે છે. રેલવેની આ ટોચની ડાઇવર ગઈ કાલે તેના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં નહોતી, છતાં ગોલ્ડ જીતી હતી. તેણે સૌથી વધુ ૧૭૯.૩૦ પૉઇન્ટ મેળવ્યા હતા. મધ્ય પ્રદેશની પલક શર્મા (૧૭૫.૧૦) સિલ્વર મેડલ અને મહારાષ્ટ્રની એશા વાઘમોડ (૧૭૨.૩૫) બ્રૉન્ઝ જીતી હતી.

આજથી યોગાસનની હરીફાઈઓ : મહિલાઓની ટ્રેડિશનલ કૉમ્પિટિશનથી શરૂઆત

ખેલ મહાકુંભ પછી હવે ગુજરાતના રાષ્ટ્રીય રમતોત્સવમાં પણ યોગાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે યોગાસનની હરીફાઈનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં નૅશનલ ગેમ્સની હરીફાઈઓ યોજાઈ રહી છે. આજે સવારે ૧૦.૦૦ વાગ્યાથી મહિલાઓની ટ્રેડિશનલ યોગાસનની હરીફાઈના આરંભ સાથે જ આ રમતના વિજેતાઓ જાહેર થવાની શરૂઆત થઈ જશે. આર્ટિસ્ટિક તથા રિધમિક યોગાસનની હરીફાઈઓ પણ થશે. યોગાસનની હરીફાઈઓ માટેના વિવિધ ડ્રૉમાં ગુજરાત પ્રથમ સ્થાને, ઝારખંડ બીજા નંબરે અને છત્તીસગઢ ત્રીજા ક્રમે છે.

sports news sports ahmedabad