સ્પેનમાં પ્રેક્ષકને હાર્ટ-અટૅક આવતાં ફુટબૉલ મૅચ ૫૦ મિનિટ અટકાવાઈ!

12 September, 2022 01:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રેક્ષકને ઍમ્બ્યુલન્સમાં સુવડાવીને સ્થાનિક હૉસ્પિટલ લઈ જવાયો એ પછી જ રમત ફરી શરૂ થઈ હતી

શનિવારે સ્પેનના કૅડિઝ શહેરમાં એક પ્રેક્ષક હૃદયરોગના હુમલાનો શિકાર બનતાં રમત અટકાવાઈ હતી (ડાબે) અને એ પ્રેક્ષકને સ્ટ્રેચરની મદદથી ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાયો હતો. તસવીર એ.એફ.પી.

સ્પેનના કૅડિઝ શહેરમાં શનિવારે બાર્સેલોના અને કૅડિઝ ક્લબની ટીમ વચ્ચે રમાયેલી લા લીગા લીગની મૅચ દરમ્યાન એક સ્ટૅન્ડમાં બેઠેલા એક પુરુષ પ્રેક્ષકને હાર્ટ-અટૅક આવતાં રમત લગભગ ૫૦ મિનિટ સુધી અટકાવાઈ હતી. બન્ને ટીમના ખેલાડીઓ મેદાન પર ચિંતાજનક હાલતમાં જોવા મળ્યા હતા, પ્રેક્ષકને મેડિકલ ટીમ દ્વારા (બાર્સેલોનાની ટીમે આપેલા) ડેફિબ્રિલેટરની મદદથી સફળ પ્રાથમિક સારવાર અપાઈ હતી, ખુદ કૅડિઝનો ગોલકીપર જર્મિયાસ લેડેસ્મા દોડીને પોતાની મેડિકલ કિટ નાદુરસ્ત પ્રેક્ષકની સહાય માટે લઈ આવ્યો હતો. પ્રેક્ષકને ઍમ્બ્યુલન્સમાં સુવડાવીને સ્થાનિક હૉસ્પિટલ લઈ જવાયો એ પછી જ રમત ફરી શરૂ થઈ હતી. બાર્સેલોનાના કોચ ઝાવીએ પત્રકારોને મૅચ પછી કહ્યું કે ‘અમે બધા રમત અટકાવવા માટે સંમત થયા હતા. કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે ગંભીર હાલતમાં મુકાય તો તેને મદદ કરવી જોઈએ. સદ્નસીબે, મેડિકલ ટીમના મેમ્બર્સ એ પ્રેક્ષકનો જીવ બચાવવામાં સફળ રહ્યા એનો અમને આનંદ છે.’
આ મૅચમાં બાર્સેલોનાએ યજમાન કૅડિઝની ટીમને ૪-૦થી હરાવી હતી. એમાંનો એક ગોલ રૉબર્ટ લેવાન્ડોવ્સ્કીએ ૬૫મી મિનિટે કર્યો હતો.

નેમારનો ૧૧૦મો ગોલ : પીએસજીના ફુટબોલર્સમાં ચોથા નંબરે

બ્રાઝિલના ફુટબોલર નેમારે શનિવારે પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી ૧૧૦મો ગોલ કર્યો હતો. આ ટીમના ટૉપ-સ્કોરરમાં તે હવે પૉલેટાથી આગળ થઈ ગયો છે. નેમારના એકમાત્ર ગોલની મદદથી પીએસજીએ ફ્રેન્ચ લીગ-૧માં બ્રેસ્ટ ક્લબની ટીમને ૧-૦થી હરાવી હતી. નેમારને લિયોનેલ મેસીના પાસિંગમાં આ ગોલ કરવાનો મોકો મળી ગયો હતો. તેણે મેસી તરફથી પોતાની પાસે આવેલા બૉલને જમણા પગે અટકીને ડાબા પગથી બૉલને ગોલપોસ્ટમાં મોકલી દીધો હતો. પીએસજીના ટૉપ ગોલ-સ્કોરર્સમાં એડિન્સન કવાની (૨૦૦ ગોલ) પહેલા નંબરે, કીલિયાન ઍમ્બપ્પે (૧૮૦) બીજા નંબરે અને ઝ્‍‍લાટન ઇબ્રાહિમોવિચ (૧૫૬) ત્રીજા નંબરે છે.

sports news sports la liga football fc barcelona