25 December, 2023 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે અમદાવાદમાં જાહેરાત કરી હતી કે ‘૨૦૩૬ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ જો ભારતને સોંપવામાં આવશે તો એ મહા રમતોત્સવ અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક બની રહેલા સરદાર પટેલ કૉમ્પ્લેક્સમાં યોજીશું. સરકારે દેશના સૌથી મોટા સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ માટે ૪૬૦૦ કરોડ રૂપિયા અને (અમદાવાદ શહેરના) નવરંગપુરા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ માટે ૬૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.’
ઑક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં કહ્યું હતું કે ભારત ૨૦૩૬ની ઑલિમ્પિક્સ માટે બિડ મોકલશે. ગુજરાતમાં વિશ્વની આ મેગા ઇવેન્ટ યોજી શકાય એ માટે રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા સારામાં સારી કંપનીઓની મદદ લીધી છે. અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરમાં તેમના મતવિસ્તારમાં આયોજિત સંસદ ખેલ પ્રતિયોગિતાના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે ‘મોદીજીએ તમામ સંસદસભ્યોને પોતપોતાના વિસ્તારમાં ખેલકૂદને પ્રમોટ કરવા કહ્યું છે. સ્પોર્ટ્સ આપણામાં ખેલદિલીની ભાવના લાવે છે. પરાજય માનપૂર્વક સ્વીકારવો જોઈએ અને જીતવાની આદત પાડવી જોઈએ. ખેલકૂદ અને રાજકારણમાં મેલી રમત રમનારાઓમાં ખેલદિલીની ભાવનાનો અભાવ હોય છે.’