ફુટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારત અને કતાર વચ્ચેની મેચ ડ્રો

11 September, 2019 08:55 PM IST  |  Mumbai

ફુટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારત અને કતાર વચ્ચેની મેચ ડ્રો

ભારતીય ફુટબોલ ટીમ

Mumbai : ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરના રાઉન્ડ-2માં ભારતીય ફૂટબોલ ટીમે મંગળવારે મોડી રાત્રે દોહામાં એશિયન ચેમ્પિયન કતાર સામેની મેચ 0-0થી ડ્રો કરી હતી. આ ડ્રો સાથે ભારતે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ પોઇન્ટ મેળવ્યો છે. ગઈ મેચમાં ભારત ઓમાન સામે 1-2થી હારી ગયું હતું. 2022ના વર્લ્ડ કપની યજમાન ટીમ કતાર વર્લ્ડ રેન્કિંગમાં 62મા સ્થાને છે. બીજી તરફ ભારતીય ટીમ 103 નંબર ધરાવે છે. ભારત આગામી મુકાબલામાં કોલકાતા ખાતે બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારત માટે આ ડ્રો એટલે મહત્ત્વપૂર્ણ છે કારણકે તે આ વર્ષે કતાર સામે ન હારનાર પ્રથમ દેશ બન્યો છે. તેમજ કતારે બ્રાઝિલ। આર્જેન્ટિના અને કોલંબિયા જેવી મજબૂત ટીમો સામે ગોલ કર્યો છે, પરંતુ ભારતે તેને ગોલ કરવા દીધો ન હતો.


ગોલકીપર ગુરપ્રીતે 11 સીધા શોટ્સને ગોલપોસ્ટમાં જતા રોક્યા
કતારે મેચમાં 27 વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધૂ અને મજબૂત ડિફેન્ડર્સે તેમને તેવું કરતા રોક્યા હતા. ગુરપ્રીત આ મેચમાં ભારતનો સૌથી સફળ પ્લેયર સાબિત થયો હતો. તેણે 11 સીધા શોટ્સને ગોલપોસ્ટમાં જતા રોક્યા હતા. ભારત અને કતાર વચ્ચે આ બીજી ઓફિશિયલ મેચ હતી. આ પહેલા સપ્ટેમ્બર 2007માં કતારે 2010ના વર્લ્ડકપ ક્વોલિફાયરમાં ભારતને 6-0થી હરાવ્યું હતું

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

સુનિલ છેત્રીએ કહ્યું- આ મારી ટીમ અને મારા ખેલાડીઓ
આ મેચમાં ભાગ ન લેનાર ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીએ ટ્વીટ કરીને ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે, પ્રિય ભારત, આ મારી ટીમ અને મારા ખેલાડીઓ છે. હું કેટલું પ્રાઉડ ફિલ કરી રહ્યો છું તે કહી શકું તેમ નથી. આનાથી પોઈન્ટ્સ ટેબલ પર કોઈ ફેર નથી પડ્યો, પરંતુ અમે મેદાન પર વિરોધી ટીમને ટક્કર આપી હતી. કોચિંગ સ્ટાફ અને ડ્રેસિંગ રૂમને આનો શ્રેય જાય છે.

football all india football federation Sunil Chhetri