ફુટબૉલની મૅચમાં પ્રેક્ષકોની ધમાલથી ફિફા ધુંવાંપુવાં

15 October, 2021 01:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હંગેરીતરફી ક્રાઉડે પોલીસને ધક્કો મારીને કાઢી : આલ્બેનિયાના પ્રેક્ષકોએ ખેલાડીઓ પર બૉટલ ફેંકી : ચાર દેશોનાં ફેડરેશન સામે પગલાં લેવાશે

લંડનમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચ દરમ્યાન પોલીસનાં પગલાં સામે ઉશ્કેરાયેલા હંગેરીતરફી પ્રેક્ષકોએ એક સ્ટૅન્ડમાંથી પોલીસને ધક્કા મારીને નીચે ઉતારી દીધી હતી.

આવતા વર્ષે કતારમાં યોજાનારા ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ માટે ચાલી રહેલા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં મંગળવારે યુરોપના દેશોની બે મૅચમાં તોફાનો થયાં હતાં. એક મૅચમાં પોલીસને એક સ્ટૅન્ડમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હતી, જ્યારે બીજી મૅચમાં તોફાની પ્રેક્ષકોએ ખેલાડીઓ પર પાણીની બૉટલો ફેંકી હતી.

આ ઘટનાઓમાં અનુક્રમે હંગેરી તથા આલ્બેનિયા દેશ તરફી પ્રેક્ષકો તોફાને ચડ્યા હતા જેને પગલે ફુટબૉલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ આ બે મૅચ સાથે સંકળાયેલા ચાર દેશોનાં ફુટબૉલ ફેડરેશન સામે શિસ્તભંગનાં પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ખાસ કરીને હંગેરી અને આલ્બેનિયાનાં ફેડરેશન વિરુદ્ધ કડક પગલાં ભરાશે.

લંડનમાં વેમ્બ્લી સ્ટેડિયમમાં એક પ્રેક્ષકે એક પોલીસ અધિકારી સામે રંગભેદને લગતી અપશબ્દની ભાષા વાપરી હોવાથી પોલીસો એ પ્રેક્ષકની ધરપકડ કરવા ગયા ત્યારે સ્ટૅન્ડમાં ઊભેલા સેંકડો પ્રેક્ષકો પોલીસના કાફલા પર તૂટી પડ્યા હતા અને તેમને ધક્કા મારીને નીચે ઊતરવાની ફરજ પાડી હતી. આ મૅચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી. ઇંગ્લિશ ફુટબૉલ અસોસિએશન આયોજક હતું એટલે તોફાની પ્રેક્ષકોને કાબૂમાં ન રાખવા બદલ એની સામે પણ પગલાં ભરાશે. હંગેરીતરફી પ્રેક્ષકોના સ્ટૅન્ડમાં પોલૅન્ડતરફી પ્રેક્ષકો પોલૅન્ડનો ધ્વજ ફરકાવતા જોવા મળ્યા હતા.

યુરોપના દેશ આલ્બેનિયાના તિરાનામાં યજમાન આલ્બેનિયા સામે પોલૅન્ડની જ મૅચ હતી જેમાં પોલૅન્ડના ખેલાડી કૅરોલ સ્વીડર્સ્કીએ ગોલ કર્યો કે તરત જ આલ્બેનિયાતરફી પ્રેક્ષકોના સ્ટૅન્ડમાંથી બૉટલ ફેંકાઈ હતી. પોલૅન્ડના પ્લેયરો વૉક-ઑફ કર્યા બાદ ૨૦ મિનિટે પાછા રમવા આવ્યા હતા. ક્રાઉડની ધમાલના આ બનાવ બદલ આલ્બેનિયા અને પોલૅન્ડના અસોસિએશન વિરુદ્ધ ફિફા પગલાં ભરશે. પોલૅન્ડે આ મૅચ ૧-૦થી જીતી લીધી હતી. આલ્બેનિયાએ પૉલેન્ડના પ્રેક્ષકોએ કરેલી ઉશ્કેરણીને જવાબદાર ગણાવી હતી.

ફિફા અગાઉ જ જાહેર કરી ચૂકી છે કે એની કોઈ પણ ટુર્નામેન્ટની કોઈ પણ મૅચમાં પ્રેક્ષકોની ધમાલ કે રંગભેદલક્ષી ટિપ્પણીઓને સાંખી નહીં લેવાય.

બુધવારે કોણે કોને હરાવ્યું?

ઉત્તર તથા મધ્ય અમેરિકા અને કૅરિબિયન દેશો વચ્ચે બુધવારે ફુટબૉલ વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચો રમાઈ હતી જેમાં અમેરિકાએ કોસ્ટારિકાને ૨-૧થી હરાવ્યું.

કૅનેડાએ પનામાને ૪-૧થી પરાજિત કર્યું.

જમૈકા સામે હૉન્ડરાસનો ૦-૨થી પરાજય થયો.

મેક્સિકોએ અલ સાલ્વાડોરને ૨-૦થી હરાવ્યું.

આલ્બેનિયામાં એક ગોલ બાદ આલ્બેનિયાતરફી પ્રેક્ષકોએ બૉટલ ફેંકતાં પોલૅન્ડના પ્લેયરોએ પોતાને ઈજાથી બચાવ્યા હતા. (તસવીર : એ.એફ.પી.)

sports sports news football