ગુજરાત સરકારે મેડલ વિજેતાઓને આપ્યા ખેલ પ્રતિભા અવૉર્ડ

19 August, 2022 12:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત આ રમતોત્સવમાં છેલ્લા થોડા દિવસોમાં સંખ્યાબંધ ચંદ્રકો જીતીને નીચલા સ્તરેથી ચોથા નંબરે આવી ગયું હતું

વિજેતાઓને આપ્યા ખેલ પ્રતિભા અવૉર્ડ

તાજેતરમાં ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં યોજાયેલી બાવીસમી કૉમનવેલ્થ ગેમ્સમાં દેશને અનેક ઍથ્લીટ્સે ગૌરવ અપાવ્યું અને એમાંથી જે ઍથ્લીટ્સ તથા ખેલાડીઓએ ગુજરાતનું  નામ રોશન કર્યું તેમનું બુધવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેલ પ્રતિભા અવૉર્ડ એનાયત કરીને તેમનું બહુમાન કર્યું હતું.

ભારત આ રમતોત્સવમાં છેલ્લા થોડા દિવસોમાં સંખ્યાબંધ ચંદ્રકો જીતીને નીચલા સ્તરેથી ચોથા નંબરે આવી ગયું હતું. ભારત ૨૨ ગોલ્ડ, ૧૬ સિલ્વર, ૨૩ બ્રૉન્ઝ સહિત કુલ ૬૧ મેડલ જીત્યું હતું. હરમીત દેસાઈ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેને ૩૫ લાખનું ઇનામ અપાયું હતું. શારીરિક રીતે અક્ષમ પ્લેયર્સની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુવર્ણચંદ્રક જીતનાર ભાવિના પટેલને પચીસ લાખ રૂપિયાનો અને કાંસ્યપદક વિજેતા સોનલ પટેલને ૧૦ લાખ રૂપિયાનો ઇનામી ચેક આપવામાં આવ્યો હતો.

કૉમનવેલ્થમાં પહેલી જ વાર યોજાયેલી મહિલાઓની ટી૨૦ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સિલ્વર મેડલ જીતી હતી અને એ ટીમની યાસ્તિકા ભાટિયાને અને રાધા યાદવને ઇનામરૂપે પાંચ-પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેલાડીઓ-ઍથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકવામાં મદદરૂપ થવા તાલીમ તથા સવલતો સહિત તમામ જરૂરી સપોર્ટની ખાતરી આપી હતી. રમતગમત વિભાગના પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સ્પોર્ટ્સપર્સન્સને પ્રોત્સાહિત કરવા ખર્ચ માટેનું બજેટ રાજ્ય સરકાર દ્વારા વધારવામાં આવ્યું છે.

sports sports news gujarat news