વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ સામે જર્મનીની આત્મઘાતી હાર

17 June, 2021 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિગ્ગજ ટીમો વચ્ચેની ટક્કરમાં જર્મનીના મૅટ્સ હમ્મેલ્સે ભૂલથી પોતાના જ ગોલ-પોસ્ટમાં ગોલ કરીને ટીમને હરાવી : યુરો કપમાં જર્મની પહેલી વાર ઓપનિંગ મૅચ હાર્યું

ફ્રાન્સે યુરો કપમાં તેમના ૬૧ વર્ષના ઇતિહાસમાં ઓપનિંગ મૅચ નહીં હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો

ફુટબૉલ ટુર્નામેન્ટ યુરો કપમાં વર્લ્ડ ચૅમ્પિયન અને ફેવરિટ ફ્રાન્સ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન જર્મની વચ્ચેની મોટી ટુર્નામેન્ટમાં પહેલવહેલી ગ્રુપ-સ્ટેજની ટક્કરે ચાહકોમાં ભારે કુતૂહલ જગાવ્યું હતું. જોકે મૅચનું પરિણામ અપેક્ષા પ્રમાણે ફેવરિટ ફ્રાન્સની જીતનું જ આવ્યું હતું, પણ તેમને આ જીત જર્મની તરફથી ભેટ મળી હતી. મૅચની ૨૦મી મિનિટે ફ્રાન્સના લુકાસ હર્નાન્ડેઝના ક્રૉસ શૉટ્સને રોકવા જતાં જર્મનીના અનુભવી ખેલાડી મૅટ્સ હમ્મલ્સે બૉલને પોતાની જ ગોલ-પોસ્ટમાં મોકલીને ફ્રાન્સને એક ગોલ ગિફટ આપી દીધો હતો. હમ્મલ્સન ઑન-ગોલ નિર્ણાયક રહ્યો હતો અને ફ્રાન્સે આ મહાટક્કર ૧-૦થી જીતીને યુરો કપ ૨૦૨૦ની શરૂઆત કરી હતી. જર્મનીના કોચ જૉકિમે યુરો કપ માટે ખાસ હમ્મલ્સને ટીમમાં ફરી સામેલ કર્યો હતો અને તેની જ ભૂલ ટીમને નડી ગઈ હતી.  

સેકન્ડ હાફમાં બન્ને ટીમ તરફથી જોરદાર પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ એમાં કોઈ સફળ નહોતું થયું. જોકે બીજા હાફમાં ફ્રાન્સના બે ગોલને રેફરીએ આઉટસાઇડ ગણાવીને માન્ય નહોતા રાખ્યા. આમાં એક ગોલ કરીમ બેન્ઝેમાનો હતો જે ૨૦૧૪ના વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલમાં જર્મની સામેની હાર બાદ ગઈ કાલે પહેલી વાર ફ્રાન્સની ટીમમાં રમી રહ્યો હતો અને એ પણ પાછો જર્મની સામે જ.

આ સાથે ફ્રાન્સે યુરો કપમાં તેમના ૬૧ વર્ષના ઇતિહાસમાં ઓપનિંગ મૅચ નહીં હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. તેઓ છેલ્લે ૧૯૬૦માં યુગોસ્લાવિયા સામે હાર્યા હતા. ત્યાર બાદ અત્યાર સુધી ૯ મૅચમાંથી ૬માં જીત્યા છે અને ૩ ડ્રૉ રહી છે. બીજી તરફ ૧૩મી વખત યુરો કપમાં રમી રહેલું જર્મની પહેલી વાર ઓપનિંગ મૅચ હાર્યું હતું. આ પહેલાંની ૧૨ મૅચમાંથી સાતમાં જીત અને પાંચ મૅચ ડ્રૉ રહી હતી. 

યુરો કપમાં જર્મનીની આ ૫૦મી મૅચ હતી. યુરો કપમાં ૫૦ મૅચ રમનાર જર્મની પહેલી ટીમ બન હતી. જોકે તેઓ આ ગોલ્ડન જ્યુબિલી મૅચમાં કોઈ ચમકારો નહોતા બતાવી શક્યા અને લૅન્ડમાર્ક મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેજર ટુર્નામેન્ટમાં જર્મની અને ફ્રાન્સ વચ્ચે આ છઠ્ઠી ટક્કર હતી. ગઈ કાલની જીત સાથે ફ્રાન્સ હવે ૩ જીત સાથે આગળ થઈ ગયું છે. જર્મની બે જીત્યું છે અને એક મૅચ ડ્રૉ રહી હતી. ઓવરઑલ બન્ને ટીમ વચ્ચેની ૩૨ ટક્કરમાં જર્મની ૧૦, ફ્રાન્સ ૧૫ અને ૭ મૅચ ડ્રૉ રહી છે. હવે શનિવારે ફ્રાન્સ હંગેરી સામે અને જર્મની રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ સામે રમશે. 

ફુટબૉલને બના દી જોડી
મેદાનમાં ખેલાડીઓની રમત વચ્ચે સ્ટેડિયમમાં લવ-ગેમનું રોમૅન્ટિક દૃશ્ય યુરો કપમાં જોવા મળ્યું હતું. યુરો કપમાં ઇટલી અને ટર્કીની ઓપનિંગ મૅચ દરમ્યાન ટર્કીના ફુટબૉલ ચાહકે તેની ગર્લફ્રેન્ડને ઘૂંટણિયે બેસીને સ્ટેડિયમમાં જ વીંટી સાથે પ્રયોઝ કર્યું હતું. તેની પ્રેમિકા શરૂઆતમાં તો હેબતાઈ ગઈ હતી, પણ પ્રેક્ષકોએ તાળી વગાડીને તેમને બિરદાવતાં પ્રેમિકા પણ પીગળી ગઈ હતી અને પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. જોકે ટર્કી આ મૅચ હારી ગયું હતું, પણ ટર્કીના આા પ્રેમીઓએ તેમની લવ-ગેમ જીતી લીધી હતી. 

sports news sports football france germany