ટોક્યો ઑલિમ્પિક્સની મશાલ દોડ શરૂ

26 March, 2021 01:56 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

૨૩ જુલાઈએ સમાપન

ઑલિમ્પિક્સ ટૉર્ચ સાથે અઝુસા ઇવાશિમિઝુ (તસવીર: એ.એફ.પી.)

૨૦૧૧ મહિલા વર્લ્ડ કપ ફુટબૉલ સ્પર્ધા જીતનાર જપાનની મહિલા ટીમની સભ્ય રહી ચૂકેલી અઝુસા ઇવાશિમિઝુએ સૌથી પહેલાં મશાલ હાથમાં લીધી હતી

આગામી ૨૩ જુલાઈથી યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સની ૧૨૧ દિવસની ટૉર્ચ-રિલે ગુરુવારે શરૂ થઈ હતી. આ રિલે ટોક્યો ઑલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહ વખતે સમાપ્ત થશે. આ રિલેની શરૂઆત ફુકુશિમાથી થઈ હતી.

૨૦૧૧ મહિલા વર્લ્ડ કપ ફુટબૉલ સ્પર્ધા જીતનાર જપાનની મહિલા ટીમની સભ્ય રહી ચૂકેલી અઝુસા ઇવાશિમિઝુએ સૌથી પહેલાં મશાલ હાથમાં લીધી હતી. વાઇટ ટ્રૅક સૂટ પહેરીને તે ટૉર્ચને ફુટબૉલ ટ્રેઇ​નિંગ સેન્ટરની બહાર લઈ આવી હતી અને તેની સાથે ૨૦૧૧ વર્લ્ડ કપની અન્ય ૧૪ સભ્યો પણ હતી.

કોરોના મહામારીને લીધે પ્રેક્ષકોને આ ઇવેન્ટ દરમ્યાન સ્ટેડિયમમાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો, પણ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. લોકલ ઑર્ગેનાઇઝિંગ કમિટીના પ્રેસિડન્ટ અને ભૂતપૂર્વ ઑલિમ્પિયન સૈકો હાશિમોતોએ કહ્યું કે ‘ટોક્યો ૨૦૨૦ની આ ટૉર્ચ જપાન અને દુનિયાભરના નાગરિકો માટે આશાનું કિરણ લઈને આવશે.’

ઉલ્લેખનીય છે કે આ રિલે દરમ્યાન રસ્તા પર ભેગા થયેલા ના​ગરિકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું તેમ જ અન્ય નિયમોનું પાલન કર્યું હતું.

જપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ કહ્યું કે ‘ઑલિમ્પિક્સ ટૉર્ચ-રિલે આજથી શરૂ થઈ રહી છે જે નાગરિકોને ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સના વાસ્તવિક વિચારને સમજવામાં મદદરૂપ બનશે. આ રિલેમાં કમસે કમ ૧૦,૦૦૦ રનર્સ ભાગ લે એવી આશા છે, જે જપાનનાં ૪૭ શહેરમાંથી પસાર થશે. જોકે કોરોનાની મહામારી તમામ દેશો માટે ચિંતાનો વિષય છે.

sports sports news tokyo olympics 2020