29 June, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીઅનમ મેસી
આર્જેન્ટિનાના ૩૯ વર્ષના કૅપ્ટન લીઅનમ મેસીએ ગઈ કાલે જૉર્ડન સામે ૩-૧થી જીતેલી મૅચમાં શાનદાર ગોલ કર્યો હતો. ૮૦મી મિનિટે ફ્રી-કીક દ્વારા ગોલ કરીને લીઅનલ મેસી ફુટબૉલ વર્લ્ડ કપની સતત ૭ મૅચોમાં ગોલ કરનાર પહેલો ખેલાડી બન્યો છે.
તેણે ૨૦૨૨ના વર્લ્ડ કપની ૪ અને આ વર્લ્ડ કપની હમણાં સુધીની ૩ મૅચોમાં ગોલ કર્યા છે. આ વર્લ્ડ કપમાં ૬ ગોલ સાથે મેસી ગોલ્ડન બૂટ જીતવાની રેસમાં સૌથી આગળ છે. ગ્રુપ-સ્ટેજમાં આર્જેન્ટિનાના ૮માંથી ૬ ગોલ મેસીના નામે છે.
ફુટબૉલ વર્લ્ડ કપમાં આટલી મૅચ જીતનાર આર્જેન્ટિના ત્રીજી ટીમ બની, આ લિસ્ટમાં બ્રાઝિલ (૭૮ જીત) અને જર્મની (૭૦ જીત) ટૉપ-ટૂમાં છે.
ઇંગ્લૅન્ડે પનામા સામે ૨-૦થી જીત નોંધાવી. ઘાના સામે ક્રોએશિયાએ ૨-૧થી જીત મેળવી. ઉઝબેક્સિતાન સામે કૉન્ગોએ ૩-૧થી જીત મેળવી. ઑસ્ટ્રેલિયા અને અલ્જિરિયાની મૅચ ૩-૩થી અને કોલોમ્બિયા અને પોર્ટુગલની મૅચ ૦-૦થી ડ્રૉ રહી.
૧૯૭૪ પછી છેક ૨૦૨૬નો વર્લ્ડ કપ રમનાર કૉન્ગો દેશે ફુટબૉલ વર્લ્ડ કપ ઇતિહાસની પહેલવહેલી જીત નોંધાવીને પહેલી જ વખત નૉકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. ગ્રુપ Kમાં આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી. ગ્રુપ Jમાંથી ઑસ્ટ્રિયા, ગ્રુપ Lમાંથી ઘાના અને ગ્રુપ Iમાંથી સેનેગલ રાઉન્ડ ઑફ 32માં સ્થાન મેળવનાર અંતિમ ચાર ટીમોમાં સામેલ હતી.
૧૨ ગ્રુપમાં ત્રીજા ક્રમે સારો રેકૉર્ડ ધરાવતી ૮ ટીમો રાઉન્ડ ઑફ 32માં પહોંચી હતી. ગ્રુપ-સ્ટેજની ત્રણેય મૅચ ડ્રૉ રહીને એક પણ મૅચ ન હારવા છતાં ૩ પૉઇન્ટ અને ગોલ તફાવતને કારણે ઈરાનની ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી શકી નહોતી. ગ્રુપમાં ત્રીજા ક્રમે રહીને સારું પ્રદર્શન કરનાર ૧૨ ટીમોમાં ઈરાન નવમા ક્રમે રહી હતી.
કૉન્ગો, સ્વીડન, ઇક્વાડોર, ઘાના, બોસ્નિયા-હર્ઝેગોવિના, અલ્જિરિયા, પૅરાગ્વે, સેનેગલની ટીમો ત્રીજા ક્રમે સારું પ્રદર્શન કરીને આગળના રાઉન્ડમાં પહોંચી હતી.