આજે પહેલી વાર મેન્સ વર્લ્ડ કપમાં ઑલ-ફીમેલ રેફરી ટીમ મેદાનમાં

01 December, 2022 12:09 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સની ફ્રેપાર્ટ પુરુષોની મૅચમાં પ્રથમ મહિલા રેફરી : નવો ઇતિહાસ રચ્યો

ફ્રાન્સની સ્ટેફાની ફ્રૅપાર્ટ બની મેન્સ ફિફા વર્લ્ડ કપની સૌથી પહેલી મહિલા રેફરી.

આજે ભારતીય સમય મુજબ રાતે ૧૨.૩૦ વાગ્યે જર્મની અને કોસ્ટા રિકા વચ્ચે શરૂ થનારી મૅચમાં નવો ઇતિહાસ રચાશે. પહેલી વાર મેન્સ ફિફા વર્લ્ડ કપમાં તમામ મહિલા રેફરીઓની ટીમ મેદાન પર ઊતરશે. એમાં પણ ખાસ કરીને ફ્રાન્સની સ્ટેફાની ફ્રૅપાર્ટ મેન્સ વર્લ્ડ કપની મૅચ માટે નિયુક્ત થયેલી વિશ્વની પહેલી જ મહિલા રેફરી છે.

ગયા મંગળવારે મેક્સિકો-પોલૅન્ડની મૅચમાં તે ચોથા નંબરની રેફરી તરીકે નિયુક્ત થઈ ત્યારથી જ તેણે મેદાન પર રેફરીના રૂપમાં પ્રવેશ કર્યો હતો અને નવો ઇતિહાસ રચાયો હતો.

ફ્રૅપાર્ટે ગઈ કાલે ‘બીબીસી સ્પોર્ટ’ને મુલાકાતમાં કહ્યું કે ‘ફુટબૉલની મૅચમાં અને ખાસ કરીને પુરુષોની મૅચમાં અને એમાં પણ વિશેષ કરીને વર્લ્ડ કપમાં મેન્સ મૅચમાં કેવું પ્રેશર હોય છે એ અમે મહિલા રેફરીઓ સારી રીતે જાણીએ છીએ. અમે એનો મગજને શાંત રાખીને, મૅચ પર તેમ જ દરેક પ્લેયર પર ધ્યાન કેન્દ્રિત કરીને મૅચ વ્યવસ્થિત રીતે અને નિયમ મુજબ આગળ વધે એ જોઈશું. અમે મીડિયા વિશે કે બીજી કોઈ બાબતો વિશે ખાસ કંઈ વિચારતાં જ નથી.’

૨૦૨૦ની મેન્સ ચૅમ્પિયન્સ લીગની મૅચમાં રેફરી બની ચૂકેલી ફ્રૅપાર્ટ સાથે આજની મૅચમાં મહિલા રેફરી તરીકે જોડાનાર સહાયક રેફરીઓમાં બ્રાઝિલની ન્યુઝા બૅક અને મેક્સિકોની કરેન ડિયાઝ મેડિનાનો સમાવેશ છે.

sports news sports football doha