એમ્બોલોનો ગોલ તેની જન્મભૂમિ કૅમરૂનની હાર માટે નિમિત્ત બન્યો

25 November, 2022 11:13 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

૪૮મી મિનિટે થયેલો મૅચનો આ એકમાત્ર ગોલ સ્વિસ ખેલાડી બ્રીલ એમ્બોલોએ કર્યો હતો

ગઈ કાલે ગોલ કર્યા પછી સ્વિટ્ઝરલૅન્ડનો બ્રીલ એમ્બોલો (જમણે). તસવીર એ.એફ.પી.

ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ ‘જી’ના ગઈ કાલે પહેલા જ મુકાબલામાં સ્વિટ્ઝરલૅન્ડે કૅમરૂનને ૧-૦થી હરાવીને ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા. ૪૮મી મિનિટે થયેલો મૅચનો આ એકમાત્ર ગોલ સ્વિસ ખેલાડી બ્રીલ એમ્બોલોએ કર્યો હતો. નવાઈની વાત એ છે કે એમ્બોલોનો જન્મ કૅમરૂનમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર સ્વિટ્ઝરલૅન્ડના બાઝલ શહેરમાં થયો હતો. તે છ વર્ષનો હતો ત્યારે પરિવાર સાથે બાઝલ રહેવા આવ્યો હતો અને ૨૦૧૪માં નાગરિકત્વ મળ્યા પછી ત્યાં જ ફુટબૉલ રમવાનું શીખ્યો હતો.

એમ્બોલોના દિલોદિમાગમાં આ વિજયી ગોલ બદલ ઘણો આનંદ થયો હતો, પરંતુ એ ગોલ તેની જન્મભૂમિના જ ખેલાડીઓ સામે થયો હોવાથી તેણે મોટા પાયે સેલિબ્રેશન કરવાનું ટાળ્યું હતું. બીબીસી સ્પોર્ટના અહેવાલ મુજબ એમ્બોલો ૧૮ વર્ષનો હતો ત્યારે તેણે એમ્બોલો ફાઉન્ડેશન સ્થાપ્યું હતું અને એમાં આવતા ભંડોળનો ઉપયોગ તે કૅમરૂનથી આવીને સ્વિટ્ઝરલૅન્ડમાં આશ્રય લેતાં બાળકોના લાભાર્થે કરે છે. સ્વિટ્ઝરલૅન્ડ માટે આ જીત ઘણી મહત્ત્વની હતી, કારણ કે હજી બન્ને દેશે નેમારના બ્રાઝિલનો સામનો કરવાનો બાકી છે.

sports news sports football doha