જર્મની હારતાં બચ્યું, હવે કોસ્ટા રિકાને હરાવવું જ પડશે

29 November, 2022 02:00 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

રવિવારે સ્પેન સામે જર્મની હારી ગયું હોત તો ટુર્નામેન્ટની બહાર થઈ ગયું હોત.

અલ્વેરો મોરાટા રવિવારે ગોલ કરીને સ્પેનને ૧-૦થી સરસાઈ અપાવ્યા બાદ જર્મનીના પ્લેયર પરથી કૂદીને સેલિબ્રેશન માટે દોડ્યો હતો. તસવીર એ.એફ.પી.

ચાર વખત ચૅમ્પિયન બની ચૂકેલા જર્મનીને હવે બાકી રહેલી ગ્રુપ-સ્ટેજની છેલ્લી મૅચની જીત સતત બીજી વાર ફિફા વર્લ્ડ કપમાંથી વહેલું આઉટ થતાં બચાવી શકશે. રવિવારે સ્પેન સામે જર્મની માંડ-માંડ મૅચને ડ્રૉ કરાવી શક્યું હતું અને ૨૩ નવેમ્બરે જપાન સામે ૧-૨થી હારી જનાર જર્મની અત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ છેલ્લા સ્થાને છે અને ૧ ડિસેમ્બરે એણે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા કોસ્ટા રિકાને હરાવવું જ પડશે.

રવિવારે સ્પેનને અલ્વેરો મોરાટાએ ૬૨મી મિનિટે ગોલ કરીને ૧-૦થી સરસાઈ અપાવી હતી અને પછી જર્મની પરાજય તરફ જઈ રહ્યું હતું, પરંતુ સબસ્ટિટ્યૂટ નિક્લાસ ફુલક્રુગના ૮૩મી મિનિટના ગોલથી સ્કોર ૧-૧થી લેવલ થઈ ગયો હતો અને જર્મની એ વખતે સતત બીજા પરાજયથી બચી ગયું હતું. જો રવિવારે સ્પેન સામે જર્મની હારી ગયું હોત તો ટુર્નામેન્ટની બહાર થઈ ગયું હોત.

ગ્રુપ ‘ઈ’માં સ્પેન ૪ પૉઇન્ટ સાથે નંબર-વન, જપાન ૩ પૉઇન્ટ સાથે નંબર-ટૂ અને કોસ્ટા રિકા પણ ૩ પૉઇન્ટ સાથે નંબર-થ્રી છે. જર્મનીનો હજી એક જ પૉઇન્ટ છે.

sports news sports football doha