પોર્ટુગલની જીતમાં રોનાલ્ડો બન્યો ‘હેર ઑફ ગૉડ’

30 November, 2022 12:39 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ફર્નાન્ડિઝના નામે ગોલ રેકૉર્ડ થયો, પણ રોનાલ્ડોએ કહ્યું કે બૉલ છેલ્લે મારા વાળને અડીને ગયો એટલે ગોલ મારા નામે લખાવો જોઈએ ઃ પોર્ટુગલ પણ પ્રી-ક્વૉર્ટરમાં

રોનાલ્ડોના ગોલની બબાલ : સોમવારે કતારમાં ઉરુગ્વે સામેની મૅચ દરમ્યાન બ્રુનો ફર્નાન્ડિઝના શૉટમાં બૉલ રોનાલ્ડોએ પોતાના માથાને અડીને ગયો હોવાનો દાવો કર્યો હતો (ડાબે). જોકે એ ગોલ ફર્નાન્ડિઝને અપાયો હતો. મૅચ જીત્યા પછી કૅપ્ટન રોનાલ્ડોએ ફર્નાન્ડિઝને ભેટીને બે વિજયી ગોલ બદલ શાબાશી આપી હતી. તસવીર એ.એફ.પી.

પોર્ટુગલે સોમવારે ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ ‘એચ’માં ઉરુગ્વેને સેકન્ડ-હાફના બે ગોલની મદદથી ૨-૦થી વિજય મેળવી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. એ સાથે પોર્ટુગલ લાસ્ટ-16 રાઉન્ડમાં પહોંચનાર ફ્રાન્સ અને બ્રાઝિલ પછીનો ત્રીજો દેશ બન્યો હતો.

સોમવારે કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે ઐતિહાસિક ગોલ ન નોંધાયો એટલે આ મૅચ થોડી વિવાદાસ્પદ બની હતી. ૫૪મી મિનિટે પોર્ટુગલના બ્રુનો ફર્નાન્ડિઝના શૉટમાં બૉલ ગોલપોસ્ટમાં જતાં પહેલાં રોનાલ્ડોના માથાની બહુ નજીકથી પસાર થયો હતો. આ ગોલ ફર્નાન્ડિઝના નામે રેકૉર્ડ થયો હતો. ગોલ પોતે જ કર્યો હોવાનું માનીને રોનાલ્ડોએ સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું, પરંતુ ગોલને ફર્નાન્ડિઝનું નામ અપાતાં રોનાલ્ડોએ મેદાન પરથી જ હસતાં સંકેત આપ્યો હતો કે બૉલ મારા માથાની નજીકથી પસાર થયો ત્યારે મારા વાળને અડીને ગયો હતો. તેનો કહેવાનો અર્થ એ હતો કે ગોલ તેના નામે લખાવો જોઈતો હતો.

વાસ્તવમાં બૉલ રોનાલ્ડોના માથાને અડીને ગોલપોસ્ટમાં ગયો હોવાનું વારંવાર રિપ્લે જોયા પછી પણ સાબિત ન થતાં એ ગોલ રોનાલ્ડોના નામે નહોતો લખાયો. જો રોનાલ્ડો એ ગોલકર્તા બન્યો હોત તો તેણે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર પોર્ટુગલના યુઝેબિયો ડા સિલ્વા ફરેરાની બરાબરી કરી હોત.

મૅરડોનાનો ‘હૅન્ડ ઑફ ગૉડ’

૧૯૮૬ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામેની ક્વૉર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાના ડિએગો મૅરડોનાએ હાથની મદદથી જે ગોલ કર્યો હતો અને એ હરકત રેફરીના ધ્યાનમાં નહોતી આવી અને (અત્યારે છે એવી ટેક્નૉલૉજીના અભાવે) એ ગોલ મૅરડોનાના નામે લખાયો હતો અને આર્જેન્ટિનાએ ૨-૧ની જીત સાથે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમ મૅરડોનાના એ ગોલને ‘હૅન્ડ ઑફ ગૉડ’ તરીકે ઓળખાવવામાં આવે છે એમ સોમવારના રોનાલ્ડોના ગોલના દાવાના સોશ્યલ મીડિયા પર ‘હેર ઑફ ગૉડ’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે.

બન્ને ગોલ બ્રુનો ફર્નાન્ડિઝના

બ્રુનો ફર્નાન્ડિઝે ૫૪મી મિનિટના એ રોમાંચક ગોલ પછી ૯૦ મિનિટના ફુલ-ટાઇમ બાદ ત્રીજી મિનિટે (૯૩મી મિનિટે) પેનલ્ટીની મદદથી બીજો ગોલ કર્યો હતો.

રોનાલ્ડોનો બ્રિટિશ બ્રૉડકાસ્ટરને મેસેજ

રોનાલ્ડોએ મૅચ બાદ ડ્રેસિંગરૂમમાં ગયા પછી બ્રિટિશ બ્રૉડકાસ્ટર પિયર્સ મૉર્ગનને ટેક્સ્ટ મેસેજમાં દાવા સાથે કહ્યું હતું કે ૫૪મી મિનિટે થયેલો ગોલ મારો જ કહેવાય, કારણ કે બ્રુનો ફર્નાન્ડિઝના શૉટમાં બૉલ મારી તરફ આવ્યા બાદ બૉલ મારા માથાને જરા અડ્યા પછી નેટમાં ગયો હતો.

કતારના મેદાનમાં યુવાને એલજીબીટીના સપોર્ટમાં રેઇનબો ફ્લૅગ સાથે અચાનક દોડી આવીને આયોજકોને ઉશ્કેર્યા

ઇસ્લામી દેશ કતારમાં સમલિંગી સંબંધો પર પ્રતિબંધ છે અને ફિફા વર્લ્ડ કપના આ સમયગાળામાં ગે તથા લેસ્બિયનોને આવવાની સખત મનાઈ કરાઈ છે, પરંતુ સોમવારે પોર્ટુગલ-ઉરુગ્વેની મૅચ દરમ્યાન એક યુવાન એલજીબીટીક્યુના સપોર્ટવાળા રેઇનબો ફ્લૅગ સાથે દોડી આવ્યો હતો જેનાથી મોટો વિવાદ થયો છે. આ યુવાને સુપરમૅન ટીશર્ટ પહેર્યું હતું જેના પર આગળ લખાયું હતું, ‘સેવ યુક્રેન’ અને પાછળના ભાગમાં લખાણ હતું, ‘ઈરાનની સ્ત્રીઓ માટે સન્માન’. આ યુવાને ૩૦ સેકન્ડ સુધી રમત ખોરવી નાખી હતી. જોકે સલામતી રક્ષકો આવીને તેને લઈ ગયા હતા. આ યુવાને રેઇનબો ફ્લૅગ સાથે ગ્રાઉન્ડ પર દોડી આવીને બહુ મોટું જોખમ વહોરી લીધું હતું.

sports news sports football cristiano ronaldo doha