લેવાન્ડૉવ્સ્કીનો પ્રથમ ગોલ ન થતાં મૅચ ૦-૦થી ડ્રૉ : મેસીની ટીમને થયો ફાયદો

24 November, 2022 02:17 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

જો બેમાંથી કોઈ એક ટીમે પણ પૂરા ૩ પૉઇન્ટ લીધા હોત તો નૉકઆઉટમાં જવાની મેસીની ટીમની આશાને ધક્કો પહોંચ્યો હોત.

મંગળવારે વર્લ્ડ કપની મૅચમાં પોલૅન્ડના રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કી (જમણે) સાથે ટકરાતો મેક્સિકોનો ડિફેન્ડર જૉર્જ સાન્ચેઝ. તસવીર એ.એફ.પી.

વર્તમાન પ્રોફેશનલ ફુટબૉલ વિશ્વના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાં લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને કીલિયાન ઍમ્બપ્પેની સાથે પોલૅન્ડના રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીનો ઉલ્લેખ અચૂક થાય છે અને મંગળવારે ગ્રુપ ‘સી’ના મુકાબલામાં તે કતારના ફિફા વર્લ્ડ કપમાં પોતાનો પહેલો ગોલ કરવાની તૈયારીમાં જ હતો, પણ મેક્સિકોના ગોલકીપર ગિલેર્મો ઑકોઆએ પોતાની ડાબી તરફ અફલાતૂન ડાઇવ મારીને ગોલ થતો રોકીને તેને નિષ્ફળ બનાવ્યો હતો. લેવાન્ડૉવ્સ્કીનો એ ગોલ ન થતાં છેવટે મૅચ ૦-૦થી ડ્રૉમાં ગઈ હતી.

૫૩મી મિનિટમાં મેક્સિકોના ડિફેન્ડર હેક્ટર મૉરેનોએ લેવાન્ડૉવ્સ્કીને પેનલ્ટી એરિયામાં નીચે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. રિવ્યૂ બાદ રેફરીએ મૉરેનોના આ ફાઉલ બદલ પોલૅન્ડને પેનલ્ટી કિક આપી હતી, પરંતુ લેવાન્ડૉવ્સ્કી ટાર્ગેટ પર કિક મારવામાં નિષ્ફળ ગયો અને પોલૅન્ડને ૧-૦થી આગળ લઈ જવાની સુવર્ણ તક તેણે ગુમાવી હતી.

પોલૅન્ડ-મેક્સિકોની મૅચ ડ્રૉ થતાં આ ગ્રુપમાં મંગળવારે સાઉદી અરેબિયા સામે ૧-૨થી પરાસ્ત થનાર આર્જેન્ટિનાને થોડી રાહત થઈ હતી. જો બેમાંથી કોઈ એક ટીમે પણ પૂરા ૩ પૉઇન્ટ લીધા હોત તો નૉકઆઉટમાં જવાની મેસીની ટીમની આશાને ધક્કો પહોંચ્યો હોત. મૅચ ડ્રૉ થતાં પોલૅન્ડ-મેક્સિકોને એક-એક પૉઇન્ટ મળ્યો હતો.

હવે પોલૅન્ડની શનિવારે સાઉદી અરેબિયા સામે મૅચ છે. સાઉદીએ મંગળવારે વર્લ્ડ નંબર-થ્રી આર્જેન્ટિનાને ૨-૧થી આંચકો આપ્યો હતો. મેક્સિકોનો હવે પછીનો મુકાબલો શનિવારે આર્જેન્ટિના સામે છે.

sports news sports football doha poland mexico lionel messi