પોલૅન્ડ હાર્યા છતાં પ્રી-ક્વૉર્ટરમાં, ટ્યુનિશિયા જીત્યા પછી પણ આઉટ

02 December, 2022 12:23 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

મેસીના ગોલ વગર આર્જેન્ટિના નૉકઆઉટમાં પહોંચી ગયું : ફ્રાન્સ ૨૦૧૪ પછી પહેલી વાર વર્લ્ડ કપમાં હાર્યું

મેસીની ટક્કરે ઝિદાન-મૅટરાઝીનો કિસ્સો યાદ કરાવ્યો! બુધવારે કતારમાં વર્લ્ડ કપની મૅચમાં આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી જ્યારે પોલૅન્ડના સુપરસ્ટાર રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કી સાથે ટકરાયો અને મેસીનું માથું અકસ્માતે તેને છાતીમાં વાગ્યું એ ઘટના (ડાબે) પરથી ૨૦૦૬ની સાલનો કિસ્સો યાદ આવી ગયો. ૧૬ વર્ષ પહેલાંના વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સના ઝિનેડીન ઝિદાને પોતાને ઉશ્કેરી રહેલા ઇટલીના માર્કો મૅટરાઝીની નજીક જઈ તેની છાતીમાં પોતાનું માથું ભોંકી દીધું હતું (જમણે). રેફરીએ ઝિદાનને આ હરકત બદલ રેડ કાર્ડ બતાવ્યું હતું અને ઝિદાનની કરીઅર પર પડદો પડી ગયો હતો.

કતારના ફિફા વર્લ્ડ કપમાં બુધવારે ગ્રુપ ‘સી’માં આર્જેન્ટિના સામે પોલૅન્ડનો ગ્રુપ-સ્ટેજની છેલ્લી મૅચમાં ૦-૨થી પરાજય થયો હોવા છતાં પોલૅન્ડને બેસ્ટ ૧૬ ટીમવાળા પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી જવા મળ્યું છે. દરેક ગ્રુપમાંથી વિનર અને રનર-અપ ટીમ નૉકઆઉટમાં જાય છે અને આર્જેન્ટિના આ ગ્રુપની વિનર ટીમ હોવાથી અને પોલૅન્ડ રનર-અપ હોવા બદલ પ્રી-ક્વૉર્ટરમાં જઈ શક્યું છે.આર્જેન્ટિનાના કૅપ્ટન લિયોનેલ મેસીના શૉટમાં પોલૅન્ડના કોચે જોરદાર પ્રયાસમાં ગોલ થતો રોક્યો હતો, પરંતુ ૪૬મી મિનિટે મૅક ઍલિસ્ટરના અને ૬૭મી મિનિટે જુલિયન અલ્વારેઝના ગોલની મદદથી આર્જેન્ટિનાએ પોલૅન્ડ પર ૨-૦થી શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રી-ક્વૉર્ટરમાં આર્જેન્ટિનાનો મુકાબલો ઑસ્ટ્રેલિયા સાથે થશે.

દોહામાં બે મિનિટમાં બાજી પલટાઈ ગઈ

બીજી તરફ ગ્રુપ ‘ડી’માં ટ્યુનિશિયાએ બુધવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સને હરાવીને અપસેટ સરજ્યો હતો, પરંતુ આ જીત નૉકઆઉટમાં પહોંચવા ટ્યુનિશિયા માટે પૂરતી નહોતી. વાહબી ખાઝરીના ૫૮મી મિનિટના ગોલની મદદથી ટ્યુનિશિયાએ ૧-૦થી સરસાઈ મેળવી એની બે જ મિનિટ બાદ દોહાના જ બીજા સ્ટેડિયમમાં ડેન્માર્ક સામે ઑસ્ટ્રેલિયાએ ૧-૦થી સરસાઈ મેળવી એ સાથે ગ્રુપ ‘ડી’માંથી ઑસ્ટ્રેલિયા નૉકઆઉટ માટે ક્વૉલિફાય થઈ ગયું હતું અને ટ્યુનિશિયા ગ્રુપમાં ત્રીજા નંબરે રહી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયું હતું.
ફ્રાન્સની ટીમ ૨૦૧૪ના વર્લ્ડ કપ પછી પહેલી વાર આ ટુર્નામેન્ટમાં પરાજિત થઈ છે. ૨૦૧૪માં જર્મની સામે ફ્રાન્સની ૦-૧થી હાર થઈ અને બુધવારે ટ્યુનિશિયા સામે પણ ફ્રાન્સનો ૦-૧થી પરાભવ થયો હતો.

ફ્રાન્સે ગોલ ન મળતાં કરી ફરિયાદ

મૅચની છેલ્લી પળોમાં (ફુલ ટાઇમ પછીના સ્ટૉપેજ ટાઇમમાં આઠમી અને છેલ્લી મિનિટે) ફ્રાન્સના ઍન્ટોઇન ગ્રિઝમૅને જે ગોલ કર્યો હતો એને રેફરીએ નામંજૂર ઠરાવ્યો હતો. રેફરીના મતે ગ્રિઝમૅન તરફ સાથીખેલાડી તરફથી બૉલ પાસ કરવામાં આવ્યો ત્યારે ગ્રિઝમૅન ઑફસાઇડ પોઝિશનમાં હતો એટલે રેફરીએ એ ગોલને નામંજૂર ઠરાવ્યો હતો. જોકે ફ્રાન્સની દલીલ એવી છે કે રેફરીએ ગોલ થયા બાદ રમત ફરી શરૂ કરી અને ફાઇનલ વ્હિસલ વગાડી, પરંતુ પછી તેમણે રિવ્યુ માટે ટીવી-રેફરીની મદદ માગી હતી અને તેમના નિર્ણય મુજબ ગોલ ન ગણાય એવો નિર્ણય દર્શાવ્યો હતો.

ડેન્માર્કને ઑસ્ટ્રેલિયાનો આંચકો

ઑસ્ટ્રેલિયાએ વિશ્વના ૧૦મા રૅન્કના ડેન્માર્કને ૧-૦થી હરાવ્યું હતું ત્યાં બીજી તરફ ટ્યુનિશિયાએ પણ ફ્રાન્સને ૧-૦થી પરાજિત કરીને સનસનાટી મચાવી દીધી હતી. ૩૮મા રૅન્કના ઑસ્ટ્રેલિયા વતી મૅથ્યુ લેકીએ ૬૦મી મિનિટે વિનિંગ ગોલ કર્યો હતો.

મેક્સિકોએ સાઉદીને હરાવ્યું, પણ બન્ને ટીમ સ્પર્ધાની બહાર

ગ્રુપ ‘સી’માં બુધવારે મેક્સિકોએ ગ્રુપ-સ્ટેજની આખરી મૅચમાં સાઉદી અરેબિયાને ૨-૧થી હરાવ્યું હતું. જોકે એ જ ગ્રુપમાં પોલૅન્ડને આર્જેન્ટિના (૬ પૉઇન્ટ, +૩નો ગોલ તફાવત)એ હરાવીને નૉકઆઉટમાં સ્થાન પાકું કરી લેતાં મેક્સિકો નૉકઆઉટથી વંચિત રહ્યું હતું. મેક્સિકોની ટીમ ૪ પૉઇન્ટ મેળવવા છતાં -૧ના ગોલ તફાવતને લીધે નૉકઆઉટમાં ન જઈ શક્યું. ગ્રુપના રનર-અપ પોલૅન્ડના ૪ પૉઇન્ટ ઉપરાંત ૦ ગોલ-તફાવત હતો જે મેક્સિકોથી ચડિયાતો હતો. પ્રથમ મૅચમાં આર્જેન્ટિનાને હરાવીને અપસેટ સર્જનાર સાઉદી અરેબિયા ૩ પૉઇન્ટ અને -૨ના ગોલ-તફાવતને લીધે સ્પર્ધાની બહાર થઈ ગયું છે.

sports news sports football doha