કતારમાં કૅમલની બોલબાલા

22 November, 2022 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપનિંગમાં ઊંટની પરેડ, ભવિષ્યવેત્તા પણ ઊંટ, ઊંટના વાઇરસની બબાલ

રવિવારે કતારમાં ફિફા વર્લ્ડ કપના ઓપનિંગ દરમ્યાન સ્ટેજ પરના પર્ફોર્મન્સ માટે લાવવામાં આવેલાં ઊંટ. તસવીર એ.એફ.પી.

આરબ દેશ કતારમાં રવિવારે બાવીસમા ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં એક તરફ અદ્યતન ટેક્નૉલૉજીની મદદથી જોરદાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, તો બીજી બાજુ પ્રાચીન પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જેમાં ઊંટના કાફલાને શણગારીને સ્ટેજ પર લાવવામાં આવ્યો હતો. અદ્ભુત ઝાકઝમાળથી છવાયેલા અલ બાયત સ્ટેડિયમના સ્ટેજ પર સાઉથ કોરિયન કે-પૉપસ્ટાર સિંગર જુંગકૂક અને અમેરિકન ઍક્ટર મૉર્ગન ફ્રીમૅન તથા દિવ્યાંગ કલાકાર ઘાનિમ અલ-મુફ્તાહ તેમ જ બીજા અસંખ્ય કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું. જોકે એ જ રંગારંગ સમારોહમાં ઊંટને લાવીને આયોજકોએ કતારની પ્રાચીન પરંપરાથી સૌને વાકેફ કર્યા હતા.

ગઈ કાલે વર્લ્ડ કપની પહેલી મહત્ત્વની મૅચમાં ઈરાન સામે ઇંગ્લૅન્ડ જીતશે એવી આગાહી ‘કૅમિલા’ નામના અલૌકિક મનાતા માદા ઊંટ પાસે કરાવવામાં આવી હતી. આ મૅચ પહેલાં આ ઊંટડી વિશે એવું કહેવાતું હતું કે એ જે પણ આગાહી કરે છે એ સાચી પડે છે. એની આગાહી ક્યારેય ખોટી નથી પડી. કતારમાં વર્લ્ડ કપ માણવા આવેલા હજારો લોકોને ચેતવણી આપવામાં આવી છે કે પાડોશી દેશ સાઉદી અરેબિયામાં કૅમલ વાઇરસ ફેલાયો હોવાથી કતારમાં તમે ઊંટથી દૂર જ રહેજો. સાઉદીના ઊંટમાં મિડલ ઈસ્ટ રેસ્પાયરેટરી સિન્ડ્રૉમ (મર્સ) ફેલાયો છે. આ રોગ કોરોના વાઇરસ સાથે સંકળાયેલો હોવાથી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

‘કૅમિલા’ નામની માદા ઊંટ કતારમાં ખૂબ ચર્ચામાં છે.

કતારમાં ઊંટને લોકોથી દૂર રાખવા મોટા ભાગે રણપ્રદેશમાં મોકલી દેવામાં આવ્યાં છે.

sports news sports qatar football doha