આજે મેસીનું મૅજિક જોઈશું કે લેવાન્ડૉવ્સ્કીની વળતી લડત?

30 November, 2022 12:27 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

આર્જેન્ટિના અને પોલૅન્ડ બન્ને માટે આજે ડૂ ઑર ડાઇ જેવી મૅચ : મેસીની ટીમ ૬-૩ના જીત-હારના રેકૉર્ડ સાથે આજે જીતવા ફેવરિટ, પણ પોલૅન્ડ અપસેટ સર્જી શકે

લિયોનેલ મેસી અને રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કી

લિયોનેલ મેસીના આર્જેન્ટિના અને રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીના પોલૅન્ડ વચ્ચે આજે (ભારતીય સમય મુજબ રાતે ૧૨.૩૦ વાગ્યાથી) કતારના વર્લ્ડ કપમાં ખરાખરીનો જંગ થશે. નવાઈની વાત એ છે કે આર્જેન્ટિનાનો આ વિશ્વકપના પહેલા મુકાબલામાં સાઉદી અરેબિયા સામે ૧-૨થી પરાજય થયો ત્યાર પછી પોલૅન્ડે સાઉદી અરેબિયાને ૨-૦થી હરાવ્યું હતું. એ જોતાં આજે પણ પોલૅન્ડ જીતશે તો નવાઈ નહીં લાગે, પરંતુ ઇતિહાસ આર્જેન્ટિનાના પડખે છે.

૧૯૬૬થી ૨૦૧૧ની સાલ સુધી આર્જેન્ટિના-પોલૅન્ડ વચ્ચે કુલ ૧૧ વાર ટક્કર થઈ છે, જેમાંથી ૬ મૅચમાં આર્જેન્ટિનાનો અને ૩ મૅચમાં પોલૅન્ડનો વિજય થયો છે. બે મૅચ ડ્રૉ રહી છે. જોકે ૧૧માંથી ૮ મૅચ ઇન્ટરનૅશનલ ફ્રેન્ડલી મૅચ હતી, જ્યારે ફિફા વર્લ્ડ કપમાં એમની વચ્ચે જે બે ટક્કર થઈ છે એમાં બન્ને ટીમ ૧-૧ વિજય સાથે બરાબરીમાં છે.

વર્તમાન વિશ્વકપમાં ગ્રુપ ‘સી’માં પોલૅન્ડ ૪ પૉઇન્ટ સાથે મોખરે છે અને આર્જેન્ટિનાના ૩ પૉઇન્ટ છે. બન્ને દેશની આજે ગ્રુપ-સ્ટેજની છેલ્લી મૅચ છે અને એમાં જીતીને ત્રણ પૉઇન્ટ મેળવવા બન્ને માટે જરૂરી છે. સાઉદી અરેબિયા (૩ પૉઇન્ટ) ત્રીજા સ્થાને અને મેક્સિકો (૧ પૉઇન્ટ) ચોથે છે.

આ વર્લ્ડ કપમાં પહેલી બન્ને મૅચમાં ગોલ કરનાર મેસી આજે પણ ગોલ કરીને આર્જેન્ટિનાને જિતાડવા કોઈ કસર નહીં બાકી રાખે. તેની જેમ લેવાન્ડૉવ્સ્કીનો પણ આ કદાચ છેલ્લો વર્લ્ડ કપ છે. મેસીએ ૨૦૨૨ના કૅલેન્ડર યરમાં આર્જેન્ટિના વતી ૧૩ ગોલ કર્યા છે જે તેનો કરીઅર-બેસ્ટ રેકૉર્ડ છે.

11
આર્જેન્ટિના અને પોલૅન્ડની ટીમ આટલાં વર્ષે ફરી ટકરાશે. છેલ્લે ૨૦૧૧માં પોલૅન્ડનો ૨-૧થી વિજય થયો હતો.

મને લાગે છે કે હવે જાણે બીજો વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. શરૂઆતના રોમાંચક મુકાબલા બાદ હવે ખરાખરીના જંગ થઈ રહ્યા છે. : લિયોનેલ મેસી

sports news sports football lionel messi doha