કતારના સ્ટેડિયમમાં જપાનના ફૅન્સની સાફસફાઈ!

23 November, 2022 02:39 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

જપાનની મૅચ ન હોવા છતાં એના ફુટબૉલપ્રેમીઓએ બૉટલ અને ફૂડ-રૅપર્સ ઉપાડતાં કહ્યું, ‘અમે જૅપનીઝ ક્યારેય ક્યાંય કચરો છોડીને નથી જતા’

બાહરિનના ઓમર અલ-ફારુક (એકદમ ડાબે) નામના ઇન્ફ્લુસરે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વિડિયોમાં જપાનના ફુટબૉલ-ફૅન્સને કચરો સાફ કરી રહેલા બતાવ્યા હતા.

રવિવારે કતારમાં અલ બાયત સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની બાદ એ જ સ્ટેડિયમમાં યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે સૌથી પહેલી મૅચ રમાઈ હતી, જેમાં ઇક્વાડોરનો ૨-૦થી વિજય થયો હતો અને કતારતરફી અસંખ્ય પ્રેક્ષકો ગુસ્સામાં ફર્સ્ટ-હાફ વખતે જ સ્ટેડિયમ છોડી ગયા હતા. આ તંગ પરિસ્થિતિમાં આખા સ્ટેડિયમમાં ખૂબ કચરો વેરાયો હતો, પરંતુ જપાનના ફુટબૉલપ્રેમીઓએ આ મૅચ પોતાના દેશની ન હોવા છતાં તમામ સ્ટૅન્ડમાં સ્વેચ્છાએ સાફસફાઈ કરીને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મૅચ દરમ્યાન જપાનના કેટલાક લોકો સ્વદેશી રંગવાળા ડ્રેસમાં સજ્જ થઈને ઊભા હતા અને મૅચમાં છેલ્લી ક્ષણોમાં તેમ જ મૅચ પછી દરેક સ્ટૅન્ડમાં ફરી વળ્યા હતા અને એકેએક રોમાં જઈને લોકોએ ફેંકેલી બૉટલ્સ તથા ફૂડ-રૅપર્સ અને અન્ય કચરો ઉપાડીને થેલીમાં ભરી લીધો હતો. તેમણે દરેક સીટની નીચેનો ભાગ ચકાસીને કચરો ઉપાડી લીધો હતો. એક સ્થાનિક સોકરપ્રેમીએ જૅપનીઝ કાર્યકરને પૂછ્યું કે ‘તમે આવું શા માટે કરી રહ્યા છો?’ ત્યારે એક જૅપનીઝ ફુટબૉલપ્રેમીએ કહ્યું, ‘અમે જૅપનીઝ છીએ અને અમે જે સ્થળે હોઈએ ત્યાં ક્યારેય કચરો છોડીને ત્યાંથી જતા નથી રહેતા. અમે એ સ્થાનનું માન જાળવીએ છીએ અને કચરો સાફ કરીને પછી જ જઈએ છીએ.’

કતાર અને ઇક્વાડોરના પ્રેક્ષકો જે ફ્લૅગ ફેંકીને ગયા હતા એ પણ જૅપનીઝ ફૅન્સે ઉપાડીને સન્માનપૂર્વક એક ખૂણામાં રાખી દીધા હતા. જૅપનીઝ ફુટબૉલચાહકે આ વિશે કહ્યું કે ‘ફ્લૅગ એટલે દેશનું ગૌરવ કહેવાય એટલે અમે કોઈ પણ દેશના ફ્લૅગને પૂરું સન્માન આપીએ છીએ.’

૨૦૧૮માં ફિફા વર્લ્ડ કપ રશિયામાં યોજાયો હતો અને ત્યારે બેલ્જિયમ સામે જપાનનો ૨-૩થી શૉકિંગ પરાજય થયા પછી પણ ‘સમુરાઇ બ્લુ’ તરીકે ઓળખાતા જૅપનીઝ ફૅન્સે સ્ટેડિયમમાંથી કચરો સાફ કરી નાખ્યો હતો.

sports sports news qatar doha japan football