એકવીસમી સદીમાં ઇંગ્લૅન્ડ સામે ફ્રાન્સ ચડિયાતું : શનિવારે ક્વૉર્ટરમાં કશમકશ

06 December, 2022 09:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બન્ને દેશ વચ્ચે કુલ ૩૧ મૅચ રમાઈ છે જેમાંથી ૧૭માં ઇંગ્લૅન્ડની અને ફ્રાન્સની ૯માં જીત થઈ છે.

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી કેન રવિવારે કતારના પાટનગર દોહાની મૅચ દરમ્યાન અસહ્ય ગરમીથી પરેશાન હતો. તસવીર એ.એફ.પી.

રવિવારે ઇંગ્લૅન્ડે આફ્રિકન દેશ સેનેગલની ટીમને ૩-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કેને આ વર્લ્ડ કપમાં પહેલી વાર ગોલ કર્યો હતો. તેના બાવન ઇન્ટરનૅશનલ ગોલ થયા છે અને ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ ગોલ કરનારાઓમાં તે હવે વેઇન રૂની (૫૩ ગોલ)થી એક ડગલું પાછળ છે. બૉબી શાર્લટન (૪૯) ત્રીજે અને ગૅરી લિનેકર (૪૮) ચોથા સ્થાને છે. ૨૦૧૮ના ગયા વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં પહોંચનાર ઇંગ્લૅન્ડ વતી રવિવારે સેનેગલ સામે હેન્ડરસન અને બુકાયો સાકાએ પણ એક-એક ગોલ કર્યો હતો.

ઇંગ્લૅન્ડનો ફ્રાન્સ સામે એકંદર રેકૉર્ડ ઘણો સારો છે, પરંતુ ફ્રાન્સનો હાથ શનિવારે કેમ ઉપર રહેશે એનું કારણ છે. બન્ને દેશ વચ્ચે કુલ ૩૧ મૅચ રમાઈ છે જેમાંથી ૧૭માં ઇંગ્લૅન્ડની અને ફ્રાન્સની ૯માં જીત થઈ છે. પાંચ મૅચ ડ્રૉ ગઈ છે. જોકે એમાંથી ૧૧ મુકાબલા ૧૯૫૦ પહેલાંની સાલમાં થયા હતા અને ઇંગ્લૅન્ડે એમાંથી ૧૦માં વિજય મેળવ્યો હતો. ફ્રાન્સનું એકવીસમી સદીમાં ઇંગ્લૅન્ડ પર વર્ચસ રહ્યું છે. ૨૦૦૦ની સાલથી અત્યાર સુધી બન્ને દેશ વચ્ચે જે ૭ મુકાબલા થયા છે એમાંથી ઇંગ્લૅન્ડ ફક્ત એક જ મૅચ જીત્યું છે, જ્યારે ફ્રાન્સ ચાર જીત્યું છે. બે મૅચ ડ્રૉ થઈ છે. છેલ્લે જૂન ૨૦૧૭માં ફ્રાન્સે ઇંગ્લૅન્ડને ૩-૨થી હરાવ્યું હતું.

ઘરમાં લૂંટ થયાના સમાચાર મળતાં બ્રિટિશ ફુટબૉલર કતારથી તરત રવાના થઈને ઈંગ્લૅન્ડ પાછો આવી ગયો

વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયેલી ઇંગ્લૅન્ડની ટીમના ખેલાડી રહીમ સ્ટર્લિંગ ઇંગ્લૅન્ડમાં સરે કાઉન્ટીમાં રહે છે અને શનિવારે તેના ઘરમાં ઘરફોડુઓ ઘૂસી આવેલા અને ઘરમાં લૂંટ ચલાવી હોવાની જાણ થતાં સ્ટર્લિંગ કતારથી ઇંગ્લૅન્ડ જવા રવાના થયો હતો. તેને ત્રણ બાળકો છે અને ચોરી થઈ ત્યારે ઘરમાં કોઈ નહોતું એમ સરેની પોલીસે તેને જણાવ્યું હતું. લૂંટારાઓ જ્વેલરી અને મોંઘી ઘડિયાળ ઉપાડી ગયા હોવાનું પણ સ્ટર્લિંગને જાણવા મળ્યું છે.

sports sports news football doha