નેમાર હોટેલમાં અને બ્રાઝિલ જીતીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

30 November, 2022 12:46 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા બ્રાઝિલનો જ ડેનિલો ઘૂંટીની ઈજાને કારણે નહોતો રમ્યો

સોમવારે હેડરમાં બૉલને સાથી ખેલાડી તરફ પહોંચાડવાના પ્રયાસમાં બ્રાઝિલનો કૅસમિરો (ડાબે) અને સ્વિટ્ઝરલૅન્ડનો ઍબિશ્ચર.

ફિફા વર્લ્ડ કપમાં સોમવારે દોહામાં એક તરફ બ્રાઝિલનો મુખ્ય ખેલાડી નેમાર ટીમની હોટેલમાં પગની ઘૂંટીની ફિઝિયોથેરપિસ્ટ પાસે સારવાર લઈ રહ્યો હતો ત્યારે બીજી બાજુ દોહાના જ મેદાન પર બ્રાઝિલે સ્વિટ્ઝરલૅન્ડને ૧-૦થી હરાવીને ગ્રુપ ‘જી’માંથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારો પ્રથમ દેશ બન્યો હતો. પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા બ્રાઝિલનો જ ડેનિલો ઘૂંટીની ઈજાને કારણે નહોતો રમ્યો, પરંતુ તેની ઈજા નેમાર જેટલી ગંભીર ન હોવાથી તે ટીમ સાથે હોટેલમાંથી નીકળીને સ્ટેડિયમમાં ગયો હતો.

સ્વિટ્ઝરલૅન્ડ સામેની ૧-૦ની જીતમાં બ્રાઝિલ વતી વિનિંગ ગોલ કૅસમિરોએ ૮૩મી મિનિટે કર્યો હતો. મૅન્ચેસ્ટર યુનાઇટેડની ટીમમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે રમી ચૂકેલા કૅસમિરોના આ ચોંકાવનારા ગોલ સિવાય આખી મૅચ રોમાંચ વિનાની હતી. ગ્રુપ ‘જી’માં બ્રાઝિલ ૬ પૉઇન્ટ સાથે મોખરે છે, સ્વિટ્ઝરલૅન્ડના ત્રણ અને કૅમરૂન, સર્બિયાના એક-એક પૉઇન્ટ છે.

17
બ્રાઝિલ વર્લ્ડ કપના ઇતિહાસમાં ગ્રુપ-સ્ટેજમાં કુલ આટલી મૅચમાં અપરાજિત છે. એમાંથી ૧૪માં એની જીત થઈ છે અને ૩ મૅચ ડ્રૉ રહી છે.

13
સ્વિટ્ઝરલૅન્ડ વર્લ્ડ કપની પોતાની છેલ્લી આટલી મૅચમાંથી માત્ર બેમાં પરાજિત થયું છે.

sports sports news football neymar doha