નેધરલૅન્ડ્સના કોચે આજે મેસીના મૅજિકથી બચવા શોધી કાઢ્યો ઉપાય

09 December, 2022 02:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપના ઓલ્ડેસ્ટ કોચ લુઇસને આર્જેન્ટિના સાથે આ વર્ષે જૂનો હિસાબ ચૂકતે કરવો છે

આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી (જમણે)અને નેધરલૅન્ડ્સનો મુખ્ય ખેલાડી મેમ્ફીસ ડીપે (તસવીર : એ.એફ.પી.)

કતારના ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી ક્વૉર્ટર ફાઇનલમાં ટાઇટલ-ફેવરિટ આર્જેન્ટિનાને હરાવવા અને ખાસ કરીને એના કૅપ્ટન લિયોનેલ મેસીના મૅજિકને નિષ્ફળ બનાવવા નેધરલૅન્ડ્સના ખેલાડીઓને તેમના કોચ લુઇસ વૅન ખાલ પાસે કેટલીક તરકીબો છે જે તેમણે પોતાના ખેલાડીઓને શીખવી છે.

મેસીનો આ પાંચમો અને કદાચ અંતિમ ફિફા વર્લ્ડ કપ છે. તે જબરદસ્ત ફૉર્મમાં છે. તેણે ગ્રુપ-સ્ટેજની મૅચોમાં બે ગોલ કરવા ઉપરાંત ઑસ્ટ્રેલિયા સામેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એક ગોલ કર્યો હતો જેની મદદથી આર્જેન્ટિના ૨-૧થી જીત્યું હતું.

જોકે આજે આર્જેન્ટિનાનો પરાજય થશે તો મેસી ફરી ખાલી હાથે પાછો જશે અને નેધરલૅન્ડ્સને ભૂતકાળમાં ત્રણ વાર રનર-અપ રહ્યા પછી આ વખતે પહેલી વાર ટ્રોફી જીતવાનો ફરી સારો મોકો મળશે. નેધરલૅન્ડ્સે પ્રી-ક્વૉર્ટરમાં અમેરિકાને ૩-૧થી હરાવ્યું હતું.

૭૧ વર્ષના લુઇસ વૅન ખાલ વર્તમાન વર્લ્ડ કપના સૌથી મોટી ઉંમરના કોચ છે. અહીં યાદ અપાવવાની કે નેધરલૅન્ડ્સના લુઇસ વૅન ખાલને આર્જેન્ટિના સાથે જૂનો હિસાબ પણ ચૂકતે કરવાનો છે. ૨૦૧૪ના વર્લ્ડ કપમાં પણ વૅન ખાલ કોચ હતા ત્યારે આર્જેન્ટિનાએ નેધરલૅન્ડ્સને સેમી ફાઇનલમાં ૦-૦ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ 
કર્યો હતો.

9
બન્ને દેશ વચ્ચે કુલ આટલી મૅચ રમાઈ છે જેમાંથી નેધરલૅન્ડ્સ ચાર અને આર્જેન્ટિના ત્રણ વાર જીત્યું છે. બે મૅચ ડ્રૉ રહી છે.

 કોઈએ એવું ન માની લેવું જોઈએ કે માત્ર મેસી એટલે આર્જેન્ટિના. દક્ષિણ અમેરિકાની આ ટીમમાં ઘણા વર્લ્ડ-ક્લાસ ખેલાડીઓ છે. અમે પણ કંઈ કમ નથી. કોચ વૅન ખાલના કોચિંગમાં અમે ભલભલી ટીમને હરાવી ચૂક્યા છીએ. અમારી હરીફાઈ મેસી સામે નહીં, આર્જેન્ટિના સામે છે.
-વર્જિલ વૅન ડિક, (નેધરલૅન્ડ્સનો કૅપ્ટન)

 મહાન ખેલાડી મેસી બહુ સારા ફૉર્મમાં છે એ વાત ખરી, પણ અમે તેનાથી જરાય ડરતા નથી. તે પણ આખરે તો માણસ જ છે એટલે કોઈક તબક્કામાં ભૂલ કરશે જ. તેને કાબૂમાં રાખવા અમે બહુ સારી યોજના વિચારી રાખી છે.
-ઑન્ડ્રિઝ નૉપર્ટ, (નેધરલૅન્ડ્સનો ગોલકીપર)

કોણ કેવી રીતે ક્વૉર્ટરમાં પહોંચ્યું?

આર્જેન્ટિના
સાઉદી અરેબિયા સામે ૧-૨થી હાર
મેક્સિકો સામે ૨-૦થી જીત
પોલૅન્ડ સામે ૨-૦થી જીત
ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી જીત

નેધરલૅન્ડ્સ
સેનેગલ સામે ૨-૦થી જીત
ઇક્વાડોર સામે ૧-૧થી ડ્રૉ
કતાર સામે ૨-૦થી જીત
અમેરિકા સામે ૩-૧થી જીત

sports sports news fifa world cup argentina netherlands