આજથી ફુટબૉલ વર્લ્ડ કપનો પ્રારંભ

20 November, 2022 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇક્વાડોરને ટક્કર આપવા યજમાન કતારની ટીમે ઘણા મહિનાઓથી કરી છે મહેનત

રોનાલ્ડો, મેસી અને નેમાર જુનિયરનાં પોસ્ટર્સ સાથે કલકત્તાના ફુટબૉલપ્રેમીઓ

૧૨ વર્ષ પહેલાં કરેલી બિડ અને અબજો રૂપિયાના ખર્ચ બાદ કતારમાં આજથી ઘરઆંગણે પહેલી વખત ફુટબૉલ વર્લ્ડ કપ રમાશે. ફુટબૉલની આ સૌથી મોટી ઇવેન્ટના આયોજન પાછળ યજમાને ૨૦૦ બિલ્યન ડૉલર અંદાજે ૧૬,૩૦,૪૦૩ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આજે યજમાન કતારની ટીમ ઇક્વાડોર સામે અલ ખોરમાં આવેલા અલ બાયત સ્ટેડિયમમાં ટકરાશે ત્યારે આ આયોજનની પહેલી ઝલક મળશે. આયોજકોના કહેવા પ્રમાણે કુલ ૩૧ લાખ પૈકી ૨૯ લાખ જેટલી ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. આજની મૅચની પણ તમામ ૬૦,૦૦૦ ટિકિટો વેચાશે એવી આશા આયોજકો રાખી રહ્યા છે. કતારની ટીમના ખેલાડીઓએ પણ અથાક તૈયારીઓ કરી છે. કતારની બહાર મહિનાઓ સુધી અલગ-અલગ પ્રશિક્ષણ શિબિરોમાં તેઓ ગયા છે. તેઓ વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવા માગશે. 

ઓપનિંગ સેરેમનીમાં કોણ પર્ફોર્મન્સ કરશે?
કતાર અને ઇક્વાડોરની મૅચ પહેલાં ભારતીય સમય મુજબ સાંજના ૭.૩૦ વાગ્યાથી ભવ્ય ઓપનિંગ સેરેમની શરૂ થશે. અગાઉ આ સેરેમની સોમવારે રાખવાનું આયોજન હતું, પરંતુ પછી એમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. અગાઉ થયેલી જાહેરાત મુજબ ઇક્વાડોરના પ્રમુખ લાસો હાજર રહેવાના હતા, પરંતુ હવે તેઓ હાજર નહીં રહે. સેરેમનીમાં કોણ પર્ફોર્મ કરવાનું છે એ વિશે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સાઉથ કોરિયાના બીટીએસ ગ્રુપના જંગકુકે કહ્યું હતું કે તેઓ તેમના ટ્રૅક ડ્રીમર્સ પર પર્ફોર્મ કરશે. આ ઉપરાંત બ્લૅક આઇડ પીસ, રોબી વિલિયમ્સ અને નોરા ફતેહી પર્ફોર્મન્સ કરશે. 

ટ્‍વિટર પર દેખાડાશે વર્લ્ડ કપ
કતારમાં આજથી શરૂ થતા ફિફા વર્લ્ડ કપને લઈને ટ્‍વિટરના નવા માલિક ઇલૉન મસ્કે એક મોટી ઘોષણા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ટ્‍વિટર રવિવારના વર્લ્ડ કપની પહેલી મૅચનું લાઇવ કવરેજ અને રિયલ ટાઇમ કૉમેન્ટરી કરશે. જોકે તેમણે આ ટ્વીટમાં ફિફાનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ વર્લ્ડ કપ લખ્યું છે. વળી મૅચના કવરેજ અને કૉમેન્ટરીને લઈને પણ કોઈ અન્ય માહિતી નથી આપી. કતારમાં આજથી વર્લ્ડ કપ શરૂ થતો હોવાથી એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે મસ્ક ટ્વીટમાં ફિફા વર્લ્ડ કપની જ વાત કરી રહ્યા છે. પહેલી મૅચ યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાશે. દુનિયાભરની ૩૨ ટીમો પ્રતિષ્ઠિત ટ્રોફી માટે સ્પર્ધા કરશે.

મેસી અને રોનાલ્ડો માટે ડબલ ડિજિટની તક
૨૦૨૨ના વર્લ્ડ કપ દરમ્યાન લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્લ્ડ કપમાં ૧૦-૧૦ ગોલ કરવાની સિદ્ધિઓ મેળવી શકે છે. હાલ રોનાલ્ડોએ પોર્ટુગલ તરફથી વર્લ્ડ કપમાં ૭ ગોલ તો મેસીએ આર્જેન્ટિના તરફથી છ ગોલ કર્યા છે. વળી બન્ને ખેલાડીઓની ઉંમર જોતાં તેમના માટે તેમની ટીમને વર્લ્ડ કપ જિતાડવાની આ છેલ્લી તક છે. જો તેઓ નિષ્ફળ જશે તો એવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં તેમનાં નામનો ઉમેરો થઈ જશે જેઓ પોતાની ટીમને આ સિદ્ધિ અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 

9.30
ભારતીય સમય મુજબ આટલા વાગ્યે પહેલી મૅચ રમાશે.

sports sports news football fifa world cup